લંડન
બ્રિટનના વડાપ્રધાન પદે કોણ આરૂઢ થશે તે તો પાંચમી સપ્ટેમ્બરે જાહેર થશે પરંતુ મુખ્ય બે સ્પર્ધકો રિશિ સુનાક અને લિઝ ટ્રસ વચ્ચે હાલ ટોરી મતો અંકે કરવા ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. અત્યાર સુધી યોજાયેલા પાંચ રાઉન્ડના મતદાનમાં ફ્રન્ટ રનર રહેલા સુનાક ભલે બુકીઓ માટે ફેવરિટ હોય પરંતુ 10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચવા આડે તેમની સંપત્તિઓ અને તેમની પત્નીના નોન ડોમ સ્ટેટસ અવરોધરૂપ બની રહ્યાં છે. યોર્કશાયરના રિચમોન્ડ મતવિસ્તારના સાંસદ અને પૂર્વ ચાન્સેલર રિશિ સુનાકની કુલ સંપત્તિ 200 મિલિયન પાઉન્ડ હોવાનું મનાય છે.
તેમની પત્ની અક્ષતા મૂર્તિના નોન ડોમ સ્ટેટસના કારણે સુનાકની અંગત સંપત્તિઓ પણ હવે વિવાદના ઘેરામાં આવી ગઇ છે. નોન ડોમ સ્ટેટસના કારણે અક્ષતા મૂર્તિને બ્રિટન બહાર થયેલી આવક પર બ્રિટનમાં આવકવેરો ચૂકવવાનો રહેતો નથી. અક્ષતા મૂર્તિએ આ સ્ટેટસ તેમના પતિની પીએમ પદની રેસમાં અવરોધ ન બને તે માટે ત્યજી દેવાની ઓફર આપી છે.
મે 2022માં સન્ડે ટાઇમ્સના રિચ લિસ્ટમાં સુનાક અને અક્ષતાની સંયુક્ત સંપત્તિ 730 મિલિયન પાઉન્ડ હોવાનો અંદાજ મૂકાયો હતો. 2009માં લગ્નગ્રંથિથી જોડાયેલા આ દંપત્તિ પાસે 15 મિલિયન પાઉન્ડની લક્ઝરી પ્રોપર્ટીની માલિકી છે જેમાં સાન્તા મોનિકાના પોશ વિસ્તારમાં પેન્ટ હાઉસથી માંડીને નોર્થ યોર્કશાયરમાં મહાલય જેવા ગ્રેગોરિયન મનોર હાઉસનો સમાવેશ થાય છે. લંડનમાં કેન્સિંગ્ટન ખાતે તેઓ પાંચ બેડરૂમના મ્યુઝ હાઉસ અને સાઉથ કેન્સિંગ્ટનના ઓલ્ડ બ્રોમ્પટન રોડ પર એક એપાર્ટમેન્ટની માલિકી ધરાવે છે.
રિશિ સુનાકે તેમની પહેલી સંપત્તિ સાઉથ કેન્સિંગ્ટનમાં વર્ષ 2001માં ખરીદી હતી. તે સમયે તેઓ ગોલ્ડમેન સાશ ખાતે ઇન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ તરીકે કામ કરતા હતા. 2010માં સુનાક દંપતિએ લંડનનું મકાન 4.5 મિલિયન પાઉન્ડમાં ખરીદ્યું હતું. હાલ તેની કિંમત 7 મિલિયન પાઉન્ડ હોવાનો અંદાજ છે. ચાર માળના આ મકાનમાં પાંચ બેડરૂમની સાથે, ચાર બાથરૂમ, બે રિસેપ્શન રૂમ અને એક પ્રાઇવેટ ગાર્ડનનો સમાવેશ થાય છે.
રિશિ સુનાક અને અક્ષતા મૂર્તિનો વૈભવ
- બંનેની સંયુક્ત સંપત્તિ 730 મિલિયન પાઉન્ડ હોવાનો અંદાજ
- રિશિ સુનાકની સંપત્તિ 200 મિલિયન પાઉન્ડ હોવાનો અંદાજ
- દંપતિ પાસે 15 મિલિયન પાઉન્ડની લક્ઝરી સંપત્તિ હોવાનો અંદાજ
- લંડનના કેન્સિંગ્ટન ખાતે 7 મિલિયન પાઉન્ડની કિંમતનું પાંચ બેડરૂમું મ્યુઝ હાઉસ
- નોર્થ યોર્કશાયરમાં 19મી સદીના 12 એકરમાં પથરાયેલા ગ્રેગોરિયન મનોર હાઉસની માલિકી
- સાન્તા મોનિકાના પોશ વિસ્તારમાં પાંચ મિલિયન પાઉન્ડના પેન્ટહાઉસ એપાર્ટમેન્ટની માલિકી


