લંડન
રિશી સુનાકની બ્રિટનના વડાપ્રધાનપદે વરણી થઇ ત્યારે બ્રિટનમાં વસતા ભારતીય સમુદાય ઉપરાંત ભારતમાં લોકો રોમાંચિત થઇ ઉઠ્યાં હતાં. પરંતુ રિશી સુનાક અંગે બ્રિટનના લોકો શું માને છે તે જાણવું પણ જરૂરી બની જાય છે. ઇન્ડિયા ટૂડેના કોન્ક્લેવમાં ભાગ લેવા પહોંચેલા ભારત ખાતેના બ્રિટિશ હાઇકમિશ્નર એલેક્સ એલિસે જણાવ્યું હતું કે રિશી સુનાક દિલ અને દિમાગથી સંપુર્ણ બ્રિટિશ છે.
એલિસે જણાવ્યું હતું કે, રિશી સુનાક ભલે ભારતીય મૂળના અને હિન્દુ છે પરંતુ તેમનું દિલ અને દિમાગ સંપુર્ણપણે બ્રિટિશ છે. મને એ વાતની ખુશી છે કે આધુનિક બ્રિટનમાં આ બાબત સંભવિત છે. મને વિશ્વાસ છે કે તેઓ બ્રિટનના હિતો માટે જ કામ કરી રહ્યાં છે. સુનાક તેમની કાબેલિયતના કારણે આ હોદ્દા પર પહોંચી શક્યા છે. રિશી સુનાક ભારતીય મૂળના હોવાના નાતે ભારતની તરફેણ કરશે કે કેમ તેવા સવાલના જવાબમાં એલિસે જણાવ્યું હતું કે, સુનાક બ્રિટનના વડાપ્રધાન છે. તેઓ બ્રિટનના હિતો માટે કામ કરતાં રહ્યાં છે અને ભવિષ્યમાં પણ બ્રિટનના હિતમાં જ કામ કરતા રહેશે.
ભારત અને બ્રિટન વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર એલિસે જણાવ્યું હતું કે, મોટાભાગની પ્રક્રિયા પૂરી થવાના આરે છે. આ કરાર હવે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે અને તેને સફળ બનાવવા માટે બંને દેશનો એકબીજા પરનો વિશ્વાસ આવશ્યક છે. બ્રિટન ભારતની સહાય વિના વૈશ્વિક સસમસ્યાઓનો ઉકેલ લાવી શકતો નથી. ભારત ઘણા દેશો પર પ્રભાવ પાડી શકે છે.


