સુનાક મિનિ બજેટઃ લોકોને બહાર જમવામાં ડિસ્કાઉન્ટ, VAT અને સ્ટેમ્પ ડ્યૂટીમાં કાપ

ઓગસ્ટ મહિનામાં સોમવારથી બુધવારના દિવસોએ લોકોને બહાર જમવા માટે ૫૦ ટકા સુધી અથવા ગ્રાહકદીઠ મહત્તમ ૧૦ પાઉન્ડનું ડિસ્કાઉન્ટઃમિનિ બજેટની યોજનાઓ સાથે યુકેનું કોરોના વાઈરસ બેઈલઆઉટ પેકેજ ૩૧૦ બિલિયન પાઉન્ડને પારઃVAT અને સ્ટેમ્પ ડ્યૂટીમાં જાન્યુઆરી સુધીની હંગામી મુદત માટે કાપની પણ જાહેરાત

Friday 10th July 2020 06:09 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે બુધવાર ૮ જુલાઈએ રજુ કરેલા મિનિ બજેટમાં ૩૦ બિલિયન પાઉન્ડના ઈકોનોમિક સ્ટિમ્યુલસ પેકેજના ભાગરુપે કેટલીક વિશિષ્ટ યોજનાઓ જાહેર કરી છે. બ્રિટિશરો રેસ્ટોરાં, પબ્સ અને કાફેઝમાં જઈ ભોજન પાછળ ખર્ચ કરતા થાય તેને પ્રોત્સાહન આપવા ચાન્સેલરે અત્યાર સુધી કદી જાહેર કરાઈ ન હોય તેવી ‘ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ’ ડિસ્કાઉન્ટ યોજના જાહેર કરી છે. સરકાર ઓગસ્ટ મહિનામાં સોમવારથી બુધવારના દિવસોએ લોકોને બહાર જમવા માટે ૫૦ ટકા સુધી અથવા ગ્રાહકદીઠ મહત્તમ ૧૦ પાઉન્ડનું ડિસ્કાઉન્ટ અપાવશે જે પાછળથી બિઝનેસીસને મજરે આપી દેવાશે. આ ઉપરાંત, તેમણે VAT અને સ્ટેમ્પ ડ્યૂટીમાં જાન્યુઆરી સુધીની હંગામી મુદત માટે કાપની પણ જાહેરાત કરી હતી. ચાન્સેલરે ગ્રીન હોમ્સ, હોસ્પિટલ્સ અને સ્કૂલ્સની યોજના માટે ૩ બિલિયન પાઉન્ડ ફાળવ્યા છે જેમાં, દરેક પરિવાર ઘરમાં ગ્રીન સુધારાવધારા કરાવવા ૫,૦૦૦ પાઉન્ડના વાઉચર માટે અરજી કરી શકશે. મિનિ બજેટની યોજનાઓ સાથે યુકેનું કોરોના વાઈરસ બેઈલઆઉટ પેકેજ ૩૧૦ બિલિયન પાઉન્ડને પાર કરી ગયું છે.

ચાન્સેલર સુનાકે ભોજનમાં ડિસ્કાઉન્ટની અનોખી યોજના વિશે જણાવ્યું હતું કે આ પગલું કોરોના વાઈરસ મહામારીની આર્થિક અસરોને હલ કરવાની યોજનાના ભાગરુપે અને લોકોને બહાર જમવાનો વિશ્વાસ ઉભો થાય તે માટે લેવાયું છે. હોસ્પિટાલિટી સેક્ટરને ફરી ચેતનવંતુ બનાવવાના પ્રયાસરુપે સરકારે જાન્યુઆરી મહિના સુધી ફૂડ, એકોમોડેશન્સ તેમજ સિનેમા જેવા આકર્ષણો પરનો VAT ૨૦ ટકાથી ઘટાડી ૫ ટકા કર્યો છે. આ કાપથી સરકારને ૪.૧ બિલિયન પાઉન્ડનો બોજો આવશે.

ચાન્સેલર સુનાકે પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની થાય તે ૧૨૫,૦૦૦ પાઉન્ડની મર્યાદા વધારીને ૫૦૦,૦૦૦ પાઉન્ડ કરી છે. તત્કાળ અમલી બનેલી આ મર્યાદાવૃદ્ધિના પરિણામે, ઘર ખરીદાર ૧૦માંથી ૯ વ્યક્તિને ડ્યૂટી ભરવામાંથી મુક્તિ મળશે તેમજ ઘણા લોકોને સરેરાશ ૪,૦૦૦ પાઉન્ડની બચત કરાવશે. સ્ટેમ્પ ડ્યૂટી હોલીડે આગામી વર્ષની ૩૧ માર્ચ સુધી અમલમાં રહેશે અને તેનાથી લોકડાઉનના કારણે મંદીમાં સરી પડેલા હાઉસિંગ માર્કેટને જોમ મળવાની આશા છે. આ યોજનાથી સરકારને ૩.૮ બિલિયન પાઉન્ડનો બોજો આવશે.

ચાન્સેલર સુનાકે ‘જોબ રિટેન્શન બોનસ’ની પણ જાહેરાત કરી છે જે અનુસાર ફર્લો પર ઉતારાયેલા કર્મચારીને ફરી કામે રાખી જાન્યુઆરી સુધી યથાવત રાખવામાં આવે તો કંપનીઓને કર્મચારી દીઠ ૧,૦૦૦ પાઉન્ડનું બોનસ અપાશે. તેમણે કહ્યું કે જો કંપનીઓ ફર્લો પર ઉતારાયેલા દરેક કર્મચારીને કામ આપવા માટે બોનસ લેશે તો તેની પાછળ ૯ બિલિયનનો ખર્ચ થશે. તેમણે કહ્યું હતું કે લેબર પાર્ટી અને બિઝનેસીસ દ્વારા ફર્લો સ્કીમ લંબાવવા માગણી થવાં છતાં આ યોજના ઓક્ટોબરમાં બંધ કરી દેવાશે. લોકો લાંબો સમય ફર્લો પર રહેશે તો તેમના કૌશલ્યને પણ વિપરીત અસર થવાની શક્યતા રહે છે જેનાથી તેમને નવી તક મેળવવાનું મુશ્કેલ બની રહેશે. ચાન્સેલરે ૨ બિલિયન પાઉન્ડની કિકસ્ટાર્ટ સ્કીમ પણ જાહેર કરી હતી જેમાં, યુવાનોને નોકરી પર રખાય તો છ મહિનાનું વેતન સરકાર ચૂકવે તેવી જોગવાઈ છે. જે કંપનીઓ એપ્રેન્ટિસને કામે રાખશે તેમને એપ્રેન્ટિસદીઠ ૨૦૦૦ પાઉન્ડનું બોનસ મળશે તેમ પણ સુનાકે કોમન્સ સમક્ષ જણાવ્યું હતું.

ચાન્સેલરે જણાવ્યું હતું કે,‘આપણા અર્થતંત્રને સુરક્ષિત રાખવાના અમે પગલાં લીધા છે. લોકોને તેમની નોકરીઓ ગુમાવવા, વધી રહેલી બેરોજગારી વિશે ચિંતા છે. દરેકને સારા અને સુરક્ષિત કાર્યની તક મળી રહે તે માટે અમે તમામ કરીશું. લોકોએ જાણવું જોઈએ કે આગળ મુશ્કેલીઓ અવશ્ય છે પરંતુ, કોઈને આશા વિનાના રહેવા નહિ દેવાય.’

 

ચાન્સેલર સુનાકના મિનિ બજેટની આછી ઝલક             

• હાઉસિંગ માર્કેટને ઉત્તેજન આપવા છ મહિના માટે સ્ટેમ્પ ડ્યૂટીની ૧૨૫,૦૦૦ પાઉન્ડની પ્રાથમિક મર્યાદા વધારી ૩૦૦,૦૦૦ પાઉન્ડથી ૫૦૦,૦૦૦ પાઉન્ડ વચ્ચે રહેશે. આના પરિણામે, ઘર ખરીદાર ૧૦માંથી ૯ વ્યક્તિને ડ્યૂટી ભરવામાંથી મુક્તિ મળશે.

• જે એમ્પ્લોયર્સ ફર્લો કરાયેલા કર્મચારીને જાન્યુઆરી પછી પણ કામે ચાલુ રાખશે તેમને પ્રતિ કર્મચારી ૧,૦૦૦ પાઉન્ડનું જોબ્સ રિટેન્શન બોનસ આપવામાં આવશે. આ યોજના પાછળ કુલ ૯ બિલિયન પાઉન્ડ સુધીનો ખર્ચ કરાશે.

• જો બિઝનેસીસ ઓછામાં ઓછાં છ મહિના સુધી યુવાનોને કામે રાખવા સંમત થાય તો યુનિવર્સિલ ક્રેડિટ પર રહેલા ૧૬-૨૪ વયજૂથના ૩૦૦,૦૦૦ જેટલા યુવાનોનો પગાર સરકાર દ્વારા સીધો જ ચુકવવાની નવી મહત્ત્વાકાંક્ષી કિકસ્ટાર્ટ યોજના

• નવા ટ્રેઈનીઓને કામે રાખવા માટે એમ્પ્લોયર્સને ૧,૦૦૦ પાઉન્ડ ચૂકવાશે.

• આગામી ૬ મહિના માટે નવી એપ્રેન્ટિસશિપ ઉભી કરવા માટે એમ્પ્લોયર્સને પ્રતિ એપ્રેન્ટિસ ૨,૦૦૦ પાઉન્ડ ચૂકવાશે.

• જોબ સેન્ટર્સમાં વર્ક કોચીસની સંખ્યા બમણી કરાશે અને લોકોને ફરી કામે લગાવવા ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ માટે વધારાના ૧ બિલિયન પાઉન્ડનું ભંડોળ

• ૨ બિલિયન પાઉન્ડની ફાળવણી સાથેની યોજનામાં ૫,૦૦૦ પાઉન્ડ સુધીના ગ્રીન હોમ્સ ગ્રાન્ટ વાઉચર જેના થકી હોમ ઈન્સ્યુલેશન અને અન્ય પર્યાવરણીય સુધારાવધારાના ખર્ચનો ત્રીજો હિસ્સો આવરી લેવાશે. આ યોજના થકી ૧૦૦,૦૦૦થી વધુ નોકરીને સપોર્ટ મળવાની આશા

• હોસ્પિટાલિટી અને ટુરિઝમ સહિત સંઘર્ષરત સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા VATમાં હંગામી કાપ

• શાળાઓ, હોસ્પિટલો તેમજ અન્ય જાહેર સ્થળોને વધુ હરિયાળાં અને વધુ ઊર્જાક્ષમ બનાવવા ૧ બિલિયન પાઉન્ડની ફાળવણી

•  સોશિયલ હાઉસિંગમાં ઈન્સ્યુલેશન, ડબલ ગ્લેઝિંગ અને હીટ પમ્પ સહિત ફેરફાર માટે ૫૦ મિલિયન પાઉન્ડનું ભંડોળ

• કુદરતની રક્ષા-જાળવણી યોજનામાં નવા પ્લાન્ટ્સ રોપવા, નદીઓની સફાઈ અને હરિયાળી વધારવા માટે ૪૦ મિલિયન પાઉન્ડની ફાળવણી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter