લંડનઃ પૂર્વ વડાપ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના પૂર્વ નેતા રિશી સુનાક બ્રિટનના સૌથી ધનિક રાજકીય નેતા છે. રિશી સુનાક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિની સંયુક્ત સંપત્તિ 651 મિલિયન પાઉન્ડ આંકવામાં આવી છે. સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ અનુસાર રિશી સુનાકની સંપત્તિ રાજકીય નેતાઓની કુલ સંપત્તિ કરતાં પણ વધુ છે. જેની સામે હાલના વડાપ્રધાન સર કેર સ્ટાર્મરની સંપત્તિ 7.7 મિલિયન પાઉન્ડ અને રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજની સંપત્તિ 3.2 મિલિયન પાઉન્ડ છે.
રિશી સુનાકને તેમના અબજોપતિ ભારતીય બિઝનેસમેન નારાયણ મૂર્તિ સાથેના સંબંધોએ યુકેના સૌથી ધનિક રાજનેતા બનાવ્યા છે. નારાયણ મૂર્તિ દ્વારા સ્થાપિત મલ્ટી બિલિયન આઇટી કંપની ઇન્ફોસિસની વેલ્યૂ 3.5 બિલિયન પાઉન્ડ હતી અને આજે તેની માર્કેટ કેપ 75.82 બિલિયન પાઉન્ડ પર પહોંચી છે.
સુનાકના પત્ની અને નારાયણ મૂર્તિની દીકરી અક્ષતા ઇન્ફોસિસમાં 0.9 ટકાનો શેર હિસ્સો ધરાવે છે જેના કારણે તેમને કંપની તરફથી ડિવિડન્ડ પ્રાપ્ત થતું રહે છે. 2020થી 2024 વચ્ચે તેમને ડિવિડન્ડ પેટે 50 મિલિયન પાઉન્ડની આવક થઇ હતી.
2009માં લગ્ન બાદ સુનાક દંપતી સાન્તા મોનિકામાં પેન્ટહાઉસ એપાર્ટમેન્ટ સહિત 15 મિલિયન પાઉન્ડ કરતાં વધુની સંખ્યાબંધ પ્રોપર્ટીની માલિકી ધરાવે છે. લંડન સ્થિત તેમનું નિવાસસ્થાન વર્ષ 2010માં ખરીદ્યું ત્યારે તેમણે 4.5 મિલિયન પાઉન્ડ ચૂકવ્યાં હતાં.


