લંડનઃ થોડા વર્ષ માટે રિશી સુનાક ભલે યુકેના વડાપ્રધાનપદે રહ્યાં હોય પરંતુ તેમના સાસુમા અને ભારતમાં રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિ અને તેમની વચ્ચેના સંબંધોમાં કોઇ તફાવત આવ્યો નહોતો. સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે, સુનાક વડાપ્રધાન હોય કે ન હોય પરંતુ તે અમારા જમાઇ છે અને તેમના પ્રત્યેના પ્રેમમાં કોઇ બદલાવ આવ્યો નથી.
શેક્સપિયરના જાણીતા નાટક કિંગ લીયરમાંની ત્રીજી દીકરીને ટાંકીને સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે, હું મારા પિતાને એટલો જ પ્રેમ કરું છું જેટલો એક દીકરીએ પિતાને કરવો જોઇએ. તેવી જ રીતે રિશી સુનાક ગમે તે સ્થાને હોય પરંતુ હું તેમને પુત્રની જેમ જ પ્રેમ કરું છું. તેમના વડાપ્રધાનપદની અમારા સંબંધો પર કોઇ અસર પડી નહોતી.જો રિશી સુનાક ભારતમાં રહેતા હોત તો પણ અમારો પ્રેમ એટલો જ રહેતો.
સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે, રિશી સુનાક બ્રિટનના વડાપ્રધાન બન્યા ત્યારબાદ વિશ્વ મને અલગ નજરે જોવા લાગ્યું હતું. જ્યારે તમે પુષ્કળ નાણા કમાવ છો ત્યારે લોકોનો તમારા પ્રત્યેનો અભિગમ બદલાય છે, નવી મિત્રતાઓ બંધાય છે. લોકોની તમારા પ્રત્યેની અપેક્ષાઓમાં પણ બદલાવ આવે છે. સુનાક જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે ઘણા લોકોએ મારી પાસે તેમના કામ કરાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ હું તેમને કહેતી કે હું સુનાકને તમારા કામ કરવા કહી શકું નહીં.