સુનાક સરકાર દ્વારા કટ્ટરવાદની નવી વ્યાખ્યા જાહેર કરાઇ

નવી વ્યાખ્યા અનુસાર યુકેની લોકતાંત્રિક વ્યવસ્થા, સ્વતંત્રતા, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા કૃત્યોને કટ્ટરવાદી કૃત્ય ગણાશે

Tuesday 19th March 2024 11:27 EDT
 
 

લંડનઃ હમાસના ઇઝરાયેલ પર હુમલા બાદ યુકેમાં યહૂદીઓ અને મુસ્લિમો વિરુદ્ધના હેટ ક્રાઇમમાં થયેલા વધારા મધ્યે બ્રિટિશ સરકારે કટ્ટરવાદની નવી વ્યાખ્યાની જાહેરાત કરી છે. નવી વ્યાખ્યા અનુસાર યુકેની લોકતાંત્રિક વ્યવસ્થા, સ્વતંત્રતા, મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતા કૃત્યોને કટ્ટરવાદી કૃત્ય ગણાશે.

સરકારના વરિષ્ઠ મંત્રી માઇકલ ગોવ નવી વ્યાખ્યાના અમલ પર કામ કરી રહ્યાં છે. તેમણે લોકશાહીની સુરક્ષા અને તેનો ઉપહાસ કરતતા મંચોને અટકાવવામાં વ્યાખ્યાની ભુમિકા પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ પગલાં સુનિશ્ચિત કરશે કે સરકાર લોકશાહીનો ઉપહાસ કરાનારા લોકોને કોઇ તક આપવા માગતી નથી. આપણી લોકશાહીની સુરક્ષા અને કટ્ટરવાદને નાથવા માટે લેવાનારા શ્રેણીબદ્ધ પગલાંનું આ પ્રથમ કદમ છે.

જોકે આર્ચબિશપ ઓફ કેન્ટરબરી જસ્ટિન વેલ્બી સહિતના ચર્ચના આગેવાનોએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે નવી વ્યાખ્યાથી મુસ્લિમ સમુદાયને લક્ષ્યાંક બનાવાશે. નવી વ્યાખ્યા સમાજમાં તણાવની સાથે વિભાજન સર્જશે.

કટ્ટરવાદની નવી વ્યાખ્યા અંતર્ગત હિંસા, ધિક્કાર અથવા અસહિષ્ણુતા પર આધારિત વિચારધારા પર કામ કરતા સંગઠનો સામે પગલાં લેવાશે.

સરકારના સ્વતંત્ર સમીક્ષક જ્હોન હોલે ચેતવણી આપી છે કે નવી નીતિથી યુકેની પ્રતિષ્ઠા ઝંખવાઇ શકે છે કારણ કે આ પગલાને લોકતાંત્રિક પગલું ગણાશે નહીં. કયા સંગઠનો પર કટ્ટરવાદનું લેબલ લગાવવા સરકાર પ્રસ્તાવ મૂકશે તે કોઇ જાણતું નથી. સરકારે આગામી સપ્તાહમાં આ સંગઠનોની યાદી આગામી સપ્તાહોમાં જાહેર કરવાનું વચન આપ્યું છે. સરકારે સંકેત આપ્યો છે કે ઇસ્લામિક અને નાઝી સંગઠનો તેમાં સામેલ હોઇ શકે છે.

કટ્ટરવાદની નવી વ્યાખ્યા બાદ કોમ્યુનિટિઝ સેક્રેટરી માઇકલ ગોવ પર વાણી સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો આરોપ મૂકાઇ રહ્યો છે ત્યારે તેમણે પ્રતિબંધિત થઇ શકે તેવા સંગઠનોના નામ જાહેર કર્યાં છે. પ્રતિબંધ બાદ આ સંગઠનોને અપાતી સરકારી સહાય બંધ કરી દેવાશે.

નવી વ્યાખ્યા અંતર્ગત પ્રતિબંધિત થનારા સંગઠનો

-          ધ બ્રિટિશ નેશનલ સોશિયાલિસ્ટ મૂવમેન્ટ

-          પેટ્રિયોટિક ઓલ્ટરનેટિવ

-          કેજ (CAGE)

-          મુસ્લિમ એન્ગેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ

-          મુસ્લિમ એસોસિએશન ઓફ બ્રિટન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter