લંડન
યુકેમાં 230 જેટલા શિખ સંગઠનોન પ્રતિનિધિઓએ સમુદાયની ચિંતાઓ વ્યક્ત કરતાં વડાપ્રધાન રિશી સુનાકને ખુલ્લો પત્ર પાઠવ્યો છે. શિખ ફેડરેશન, યુકેના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ખુલ્લા પત્રમાં શિખ સંગઠનોએ યુકેની સરકાર દ્વારા બ્રિટિશ શિખ સમુદાય સામે જે રીતે શંકાની નજરે જોઇને નિર્ણયો લેવાય છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. શિખ સંગઠનોનો આરોપ છે કે યુકે સરકાર ભારત સરકારના દબાણમાં કામ કરી રહી છે.
શિખ સંગઠનોએ નવેમ્બર 2015માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુકેની મુલાકત પહેલાં ભારતીય હાઇ કમિશનની સામે શિખો દ્વારા કરાયેલા શાંતિપૂર્ણ દેખાવો સામે પોલીસની આક્રમક કાર્યવાહી અને તાજેતરમાં ભારત સરકારના દબાણના કરણે 3 બ્રિટિશ શિખને પ્રત્યાર્પિત કરવાના નિર્ણય અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.
ખુલ્લા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વડાપ્રધાન સ્પષ્ટતા કરે કે પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન દ્વારા 1 જુલાઇ 2022ના રોજ બ્રિટિશ શિખ સમુદાયને અપાયેલા આશ્વાસનોના પાલનમાં શા માટે સરકાર પીછેહઠ કરી રહી છે. નવેમ્બર 2017થી ભારતની જેલમાં કેદ જગતાર સિંહ જોહલની અટકાયત પર લીધેલા યુ-ટર્ન પર પણ સુનાક સરકાર જવાબ આપે.


