સુનાક સરકારના તાત્કાલિક પગલાંથી યુકેની ટેકનોલોજી કંપનીઓને મોટી રાહત

એચએસબીસીએ એસવીબીની યુકે બ્રાન્ચને 1 પાઉન્ડમાં ખરીદી લેતાં આર્થિક વ્યવહારો યથાવત રહ્યાં, બ્રિટનના ટેકનોલોજી અને લાઇફ સાયન્સ સેક્ટરો પર જોખમ ટળ્યું, ફાઇનાન્સિયલ સિસ્ટમ સુરક્ષિત હોવાનો ચાન્સેલર હન્ટનો દાવો

Tuesday 14th March 2023 14:38 EDT
 
 

લંડન

યુકેની ટેકનોલોજી કંપનીઓ માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. અમેરિકાની સિલિકોન વેલી બેન્ક બંધ થયા પછી સર્જાયેલી આર્થિક કટોકટી યુકેની કંપનીઓને ગંભીર અસર નહીં કરે કારણ કે એચએસબીસી બેન્કે સિલિકોન વેલી બેન્કની યુકેની શાખાને ખરીદી લીધી છે. સિલિકોન વેલી બેન્કમાં ખાતા ધરાવતા બિઝનેસ અને ખાતેદારો હવે સહેલાઇથી આર્થિક વ્યવહારો કરી શકશે. સરકાર અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડે રાતોરાત પગલાં લઇને કરદાતાઓના નાણાની મદદ વિના જ કટોકટી નિવારવાની સંધિને અંતિમ ઓપ આપ્યો હતો. એચએસબીસીએ જણાવ્યું હતું કે, તેણે ફક્ત એક પાઉન્ડમાં એસવીબીની યુકે શાખાને ખરીદી લીધી છે.

યુકેની કંપનીઓ સોમવારે સવારે આર્થિક વ્યવહારો નહીં કરી શકે તેવી ભીતિ તળે રવિવારે ચાન્સેલર જેરેમી હન્ટ, વડાપ્રધાન રિશી સુનાક અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર વચ્ચે મેરેથોન મંત્રણા યોજાઇ હતી. જેમાં એચએસબીસીના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. એસવીબીની યુકે શાખા પ્રમાણમાં નાની છે અને 3000 કરતાં વધુ બિઝનેસ કસ્ટમર ધરાવે છે.

વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, અમે તાત્કાલિક પગલાં લઇને સિલિકોન વેલી બેન્કના યુકેના કસ્ટમરને વિશ્વાસ અને સુરક્ષા પ્રદાન કર્યાં છે. સારા સમાચાર એ છે કે એસવીબીના યુકે ખાતેના ગ્રાહકો સામાન્ય રીતે આર્થિક વ્યવહારો કરી શકશે. એચએસબીસીએ એસવીબીને ખરીદી લેતાં આ શક્ય બન્યું છે.

અમેરિકાની સિલિકોન વેલી બેન્ક પડી ભાંગ્યા બાદ ચાન્સેલર જેરેમી હન્ટે ચેતવણી આપી છે કે બ્રિટિશ કંપનીઓ પર પણ ગંભીર જોખમ તોળાઇ રહ્યું છે. 2008માં આવેલી આર્થિક કટોકટી બાદ સિલિકોન વેલી બેન્કની નાદારી અમેરિકાની કોઇ બેન્કની સૌથી મોટી નિષ્ફળતા છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે, એસવીબીની યુકેની શાખા રવિવાર રાત સુધીમાં કેલિફોર્નિયાના સત્તાવાળાઓ બેન્કનો કબજો લે તે પછી નાદારી નોંધાવશે.. યુકેની ટેકનોલોજી કંપનીઓ અને લાઇફ સાયન્સ સેક્ટરો મુદ્દે પ્રવર્તતી ચિંતાઓ મધ્યે વડાપ્રધાન રિશી સુનાક, ચાન્સેલર જેરેમી હન્ટ અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર વચ્ચે મોડી રાત સુધી ચર્ચા વિચારણા થઇ હતી. તેમણે બ્રિટિશ કંપનીઓને થનારું નુકસાન બને એટલું ઓછું કરવાનું વચન આપવા સાથે જણાવ્યું હતું કે, યુકેની ફાઇનાન્સિયલ સિસ્ટમને કોઇ જોખમ નથી. જોકે ચાન્સેલર જેરેમી હન્ટે અસરગ્રસ્ત કંપનીઓને સંરક્ષણ આપવા માટે સરકારની કોઇ સહાયનો ઇનકાર કરી દીધો હતો.

ચાન્સેલરે જણાવ્યું હતું કે, બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નરે સ્પષ્ટતા કરી દીધી છે કે આપણી ફાઇનાન્સિયલ સિસ્ટમને કોઇ જોખમ નથી તેથી લોકોએ તેના આધારે આશ્વસ્ત રહેવું જોઇએ. પરંતુ આ કટોકટીના કારણે આપણા ટેકનોલોજી અને લાઇફ સાયન્સ સેક્ટરોને જોખમ છે કારણ કે તેઓ આ બેન્ક સાથે વ્યવહારો ધરાવે છે. ઘણા લોકોએ કદાચને આ બેન્કનું નામ પણ સાંભળ્યું નહીં હોય પરંતુ આપણી કેટલીક જાણીતી કંપનીઓ આ બેન્ક સાથે વ્યવહારો ધરાવે છે તેથી હું જનતાને આશ્વસ્ત કરવા માગુ છું. અમે આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવીશું જેથી કંપનીઓ તેમની આર્થિક જરૂરીયાતો પૂરી કરી શકે.

શું સરકાર કંપનીઓને આર્થિક સહાય કરશે તેવા સવાલના જવાબમાં ચાન્સેલરે જણાવ્યું હતું કે, હું હાલ શું પગલાં લેવાશે તેનો ઉલ્લેખ કરવા માગતો નથી પરંતુ એટલું કહીશ કે કંપનીઓ આગામી સપ્તાહમાં તેમના કર્મચારીઓને વેતનની ચૂકવણી કરવામાં મુશ્કેલી અનુભવશે પરંતુ અમે તેમને ચિંતામુક્ત કરવા માટેનો ઉકેલ શોધી કાઢીશું.

એસવીબી ધરાશાયી થવાના કારણે બ્રિટનની ઘણી કંપનીઓના બેન્ક ખાતા સ્થગિત થઇ ગયાં છે. તેનો અર્થ એ કે તેઓ તેમના જ નાણા મેળવી શક્તી નથી કે કર્મચારીઓને વેતન ચૂકવી શક્તી નથી. ઓનલાઇન રિટેલ જાયન્ટ શોપીફાઇ અને પિન્ટરેસ્ટ જેવી કંપનીઓને એસવીબી ધરાશાયી થવાના કારણે અસર પડી છે.

યુકેના અગ્રણી બિઝનેસમેનોએ ચિંતા વ્યક્ત કરી છે કે અમેરિકન બેન્ક બંધ થવાના કારણે બ્રિટનમાં પણ સમસ્યા ઉદ્દભવી શકે છે. જો કંપનીઓના નાણા ફસાયેલા રહેશે તો તેઓ આર્થિક મુશ્કેલીમાં આવી જશે અને હજારો લોકો બેરોજગાર બની શકે છે. લેબર શેડો ચાન્સેલર રાચેલ રીવ્ઝે જણાવ્યું હતું કે, અમેરિકન બેન્કની નિષ્ફળતાની કિંમત બ્રિટિશ ઇન્ડસ્ટ્રીએ ચૂકવવી જોઇએ નહીં. બીજીતરફ યુકે સરકાર ટેકનોલોજી કંપનીઓને જીવનદાન આપવા માટે ઇમર્જન્સી કેશ લાઇફલાઇન માટેની યોજના તૈયાર કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter