લંડનઃ સુનાક સરકાર દ્વારા તૈયાર કરાયેલા રવાન્ડા ડિપોર્ટેશન બિલને ટોરી પાર્ટીના સાંસદોના જ વિરોધ છતાં 17 જાન્યુઆરી બુધવારના રોજ હાઉસ ઓફ કોમન્સની મંજૂરી મળી ગઇ હતી. ધ સેફ્ટી ઓફ રવાન્ડા (અસાયલમ એન્ડ ઇમિગ્રેશન) બિલના થર્ડ રિડીંગને બુધવારે સાંજે 320 વિરુદ્ધ 276 મતથી પસાર કરાયું હતું. જે દર્શાવે છે કે આ બિલના મામલે સરકારને 44 મતની સરસાઇ પ્રાપ્ત થઇ હતી. પૂર્વ હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેન અને પૂર્વ ઇમિગ્રેશન મંત્રી રોબર્ટ જેનરિક સહિત ફક્ત 11 ટોરી સાંસદોએ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું.
નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે રાજ્યાશ્રય માગનારાઓને પ્રોસેસિંગ માટે રવાન્ડામાં દેશનિકાલ કરવાની સુનાક સરકારની યોજનાને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ વડાપ્રધાન રિશી સુનાક દ્વારા આ ખરડો રજૂ કરાયો હતો. હવે આ ખરડાને હાઉસ ઓફ લોર્ડ્સમાં રજૂ કરાશે.
વડાપ્રધાન રિશી સુનાકે આ ખરડો હાઉસ ઓફ કોમન્સમાં પસાર થયા બાદ તેમની રવાન્ડા યોજનાને સમર્થન આપવા હાઉસ ઓફ લોર્ડ્સને અપીલ કરી છે. ગુરુવારે સવારે પત્રકારોને સંબોધતા સુનાકે આ ખરડાને રાષ્ટ્રીય પ્રાથમિકતા ગણાવતા હાઉસ ઓફ લોર્ડ્સને યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે માત્ર એક જ સવાલ છે. શું હાઉસ ઓફ લોર્ડ્સમાં નિયુક્ત કરાયેલા વિરોધપક્ષના સભ્યો ચૂંટાયેલા હાઉસ દ્વારા વ્યક્ત કરાયેલી જનતાની ઇચ્છાને નકારવાનો પ્રયાસ કરશે?
અમારો ફક્ત ઉપયોગ કરવામાં આવી રહ્યો છેઃ રાજ્યાશ્રય વાંચ્છુઓ
રવાન્ડા બિલ પર હાઉસ ઓફ કોમન્સની મંજૂરી બાદ રાજ્યાશ્રય વાંચ્છુઓએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમારો ફક્ત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમારી માગણીઓની અવગણના કરવામાં આવી રહી છે અને રાજકીય નેતાઓ અમારો રાજકીય ફૂટબોલની જેમ ઉપયોગ કરી આમતેમ ફંગોળી રહ્યાં છે. ઇમિગ્રેશન નીતિ મેનેજ કરવાના મુદ્દે તેમની વચ્ચે પ્રવર્તી રહેલા મતભેદોમાં અમારો ઉપયોગ થઇ રહ્યો છે.


