સુનાક સરકારના હડતાળ વિરોધી કાયદાને ઘણા પડકારોનો સામનો કરવો પડશે

યુનિયનો દ્વારા લીગલ પડકાર અને સંસદમાં અડચણોથી કાયદામાં વિલંબની સંભાવના

Wednesday 11th January 2023 06:00 EST
 
 

લંડન

હડતાળ વિરોધી કાયદા લાવવાની યોજનાને યુનિયનો તરફથી કાયદાકીય પડકારો અને સંસદમાં કાયદો પસાર થવામાં ભારે વિલંબની સંભાવના હોવા છતાં સુનાક સરકાર હડતાળ વિરોધી કાયદા લાવવા તત્પર છે. સરકારના મંત્રીઓએ સ્પષ્ટતા કરી છે કે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સેવાઓને ફરજિયાત લઘુત્તમ સેવાઓના નિયમ અંતર્ગત આવરી લેવાશે. હાલમાં આ નિયમો ફક્ત પોલીસ અને સશસ્ત્ર દળોને જ લાગુ પડે છે. આરોગ્ય સેવાઓ, બોર્ડર સિક્યુરિટી અને અન્ય ટ્રાન્સપોર્ટ સેવાઓને મંત્રીઓ સાથે મંત્રણામાં હિસ્સો બનવાની અપીલ કરવામાં આવી છે.

બિઝનેસ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે આગામી સપ્તાહોમાં સરકાર સાથે સમાધાન માટે આગળ આવવામાં નિષ્ફળ જનારી તમામ સેવાઓ પર લઘુત્તમ સેવાના સ્તરમાં આવરી લેવાશે. હડતાળના અધિકારની સુરક્ષાની સાથે સાથે જનતાના જીવન જીવવાના અધિકાર અને રોજગારીના અધિકારની સુરક્ષા પણ સરકારની ફરજ છે.

તેમણે જણાવ્યું હતું કે, અમને આશા છે કે મોટાભાગના કેસોમાં સ્વૈચ્છિક સમાધાન કરવામાં સફળતા મળશે અને લઘુત્તમ સેવાના સ્તર નક્કી કરી શકાશે. જેના કારણે હડતાળ અને જનજીવન ખોરવાતું અટકાવવા વચ્ચે સંતુલન સાધી શકાશે.

સરકારે જણાવ્યું છે કે જો યુનિયનો લઘુત્તમ સેવાના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહે તો નોકરીદાતાઓને હડતાળના કારણે થયેલા નુકસાનની ભરપાઇની માગ કરવાની પરવાનગી અપાશે.

જો કે પ્રસ્તાવિત કાયદો હાઉસ ઓફ લોર્ડ્સમાં જશે ત્યારે તેની ચકાસણીમાં લાંબો વિલંબ થવાની સંભાવના છે. નવા નિયમોમાં સંખ્યાબંધ સુધારાની માગ કરવામાં આવે તેવી પણ સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter