સુનાક સરકારના હેલોવિન બજેટમાં તોતિંગ કરવેરા નિશ્ચિત

25 બિલિયન પાઉન્ડના નવા કરબોજ માટે બ્રિટન તૈયાર રહે

Wednesday 02nd November 2022 05:50 EDT
 
 

લંડન

બ્રિટનવાસીઓ પર બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો કરવેરાનો બોજો તોળાઇ રહ્યો છે. પાટા પરથી ઉતરી ગયેલી અર્થતંત્રની ગાડીને ફરી પાટે ચડાવવા માટે આગામી મહિને રજૂ થનારા ચાન્સેલર જેરેમી હન્ટના બજેટમાં 25 બિલિયન પાઉન્ડ જેટલા તોતિંગ કર વધારાની સંભાવના છે. સરકારી તિજોરીને થયેલા 50 બિલિયન પાઉન્ડના નુકસાનને પહોંચી વળવા સુનાક સરકાર કરવેરામાં 50 ટકા વધારો અને સરકારી ખર્ચમાં 50 ટકાના ઘટાડાની ફોર્મ્યુલા પર કામ કરે તેવી સંભાવના છે. નવા વડાપ્રધાન રિશી સુનાકે પણ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે પબ્લિક ફાઇનાન્સમાં બજારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા અને વ્યાજદરોમાં વધારો મર્યાદિત બનાવવા મુશ્કેલ બજેટ આવશ્યક બની ગયું છે.

આ પહેલાં ટ્રસ સરકાર અંતર્ગત ચાન્સેલર જેરેમી હન્ટ કરવેરામાં 32 બિલિયન પાઉન્ડનો વધારો કરી ચૂક્યા છે. સરકારને આર્થિક બોજાને પહોંચી વળવા હજુ 57 બિલિયન પાઉન્ડની જરૂર છે તેથી કરવેરામાં વધારો અનિવાર્ય છે. સુનાકે જણાવ્યું હતું કે, મોઘવારીને કાબૂમાં લેવા અને મોર્ગેજ બિલમાં વધારાને નિયંત્રણમાં રાખવા માટે પણ આંખમાં પાણી લાવી દે તેવા કરવેરા જરૂરી બની રહ્યાં છે. મારે કેટલાંક મુશ્કેલ નિર્ણયો લેવા પડશે અને તે માટે હું મારી ટીમ સાથે મળીને કામ કરી રહ્યો છું.

 હન્ટે ખર્ચ આયોજનની જાહેરાત 17 નવેમ્બર પર ઠેલી

ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું છે કે ચાન્સેલર જેરેમી હન્ટ હવે સરકારના ખર્ચ આયોજનોની જાહેરાત 31 ઓક્ટોબરના સ્થાને 17 નવેમ્બરે કરશે. કેબિનેટની પ્રથમ બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. હન્ટે આ મામલે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ સાથે પણ ચર્ચા કરી હતી અને બેન્ક તેમની સાથે સહમત થઇ હતી. ડાઉનિંગ સ્ટ્રીટે જણાવ્યું હતું કે, યોગ્ય નિર્ણયો માટે નવી કેબિનેટને વધુ સમય મળે તે મહત્વનું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter