લંડન
બ્રિટનના સૌપ્રથમ ભારતીય મૂળના વડાપ્રધાન રિશી સુનાકનો હનીમૂન પીરિયડ એક બે દિવસમાં જ સમાપ્ત થઇ ગયો છે અને તેમની સામે વિકરાળ આર્થિક સમસ્યાઓ મોં ફાડીને ઊભી છે. પોતાની સરકારના ફિસ્કલ પ્લાન 17મી નવેમ્બરે રજૂ કરાશે તેવી જાહેરાત કરીને તેમણે કેટલાક આકરા નિર્ણયો વિલંબમાં તો નાખ્યા છે પરંતુ તેમના દ્વારા લેવાનારા આકરા નિર્ણયો પાર્ટીમાં જ અસંતોષ વકરાવે તેવા એંધાણ છે. સુનાક અને તેમના ચાન્સેલર જેરેમી હન્ટ સામે દેશના ફાઇનાન્સમાં પડેલા 38 બિલિયન પાઉન્ડના ખાડાને પૂરવાનો મોટો પડકાર છે. જેરેમી હન્ટ જ્યોર્જ ઓસ્બોર્ન જેવા આર્થિક નિષ્ણાતોની સલાહ લઇ રહ્યાં છે. સ્ટેટ પેન્શન ટ્રીપલ લોક, મોંઘવારી સામે રક્ષણ માટે કલ્યાણકારી યોજનાઓ અને વધી રહેલો સંરક્ષણ ખર્ચ સુનાક સરકારને પરેશાન કરી શકે છે. જો આ મામલાઓમાં સરકાર દ્વારા કાપ મૂકાશે તો કન્ઝર્વેટિવ પાર્ટીમાં જ બળવો ફાટી નીકળી શકે છે.
ઘણા ટોરી સાંસદો પેન્શન ટ્રીપલ લોક નાબૂદ કરવાના સરકારના વિચાર સામે જાહેરમાં વિરોધ નોંધાવી ચૂક્યાં છે. ટોરી સાંસદોનું માનવું છે કે જો પેન્શન ટ્રીપલ લોક નાબૂદ કરાશે તો તેના કારણે આગામી ચૂંટણીમાં પાર્ટીને મોટું નુકસાન થઇ શકે છે. હાલ બ્રિટનમાં મોંઘવારીનો દર 10 ટકા કરતાં વધુ છે ત્યારે પેન્શનરોને ટ્રીપલ લોકની અત્યંત આવશ્યકતા છે. બીજીતરફ જો સરકાર આ લોક નાબૂદ કરે છે તો તેની તિજોરીમાં 16 બિલિયન પાઉન્ડની બચત થશે.
સુનાક અને હન્ટ ફુગાવા સાથે સંલગ્ન લાભો વધારવાના પાર્ટીએ આપેલા વચનોમાં પીછેહઠ કરશે તો કેબિનેટમાંથી જ વિરોધના સૂર ઊભા થઇ શકે છે. જો સરકાર આ પ્રકારના લાભો પાછા ખેંચે તો તેને 7 બિલિયન પાઉન્ડની બચત થઇ શકે છે પરંતુ પેની મોરડૌન્ટ, માઇકલ ગોવ અને ગ્રાન્ટ શેપ્સ જેવા વરિષ્ઠ નેતાઓ તેનો વિરોધ કરી રહ્યાં છે.
રશિયાના યુક્રેન પરના આક્રમણ બાદ બ્રિટન માટે સંરક્ષણ સેક્ટરમાં વધુ ભંડોળ આવશ્યક બની રહ્યું છે. જો સરકાર દ્વારા સંરક્ષણ ફાળવણીમાં કાપ મૂકાશે તો સરકારમાંથી જ કેટલાક હાઇ પ્રોફાઇલ રાજીનામા પડી શકે છે. સંરક્ષણ મંત્રી બેન વોલેસ અને આર્મ્ડ ફોર્સિસ મિનિસ્ટર જેમ્સ હીપ્પી અગાઉ પણ સંરક્ષણ ખર્ચમાં કાપ મૂકવા સામે રાજીનામાની ધમકી ઉચ્ચારી ચૂક્યાં છે. રિશી સુનાક સામે પણ આ ધમકી યથાવત છે.
સુનાક સામે મુદ્દા ઉછાળવા વિપક્ષ ટાંપીને બેઠો છે
બ્રિટનનો વિપક્ષ રિશી સુનાક સામે મુદ્દા ઉછાળવા ટાંપીને બેઠો છે. સુએલા બ્રેવરમેનની હોમ સેક્રેટરી તરીકે વાપસી સામે લેબર પાર્ટી રિશી સુનાકને ઘેરી રહી છે. પીએમક્યુમાં સુનાકે આ મામલાને ઠારવાનો પ્રયાસ કર્યો પરંતુ વિપક્ષ હાર માનવા તૈયાર નથી. બ્રેવરમેન પર મિનિસ્ટરિયલ કોડનું વારંવાર ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકાયો છે. લેબર પાર્ટીના સાંસદો સુનાકને ઘેરવા રાત દિવસ એક કરી રહ્યાં છે. તેઓ રિશી સુનાક અને તેમના પત્નીની બેસુમાર દોલતને પણ મુદ્દો બનાવી રહ્યાં છે.
સુનાક વિરોધી ટોરી સાંસદોનો વિરોધ સરકારને ધરાશાયી કરી શકે છે
સુનાકના સહયોગીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે સરકારના કોઇપણ પગલાંનો સુનાક વિરોધી ટોરી સાંસદો દ્વારા વિરોધ સરકારને ધરાશાયી કરી શકે છે. તેથી બ્રિટિશ મતદારોમાં સામાન્ય ચૂંટણીઓ વહેલી યોજાય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. ઘણા સાંસદોના ઇનબોક્સ સ્નેપ વોટની માગણીઓ સાથે છલકાઇ રહ્યાં છે. આગામી સપ્તાહમાં સરકારની નીતિઓ સામે ટ્રેડ યુનિયન કોંગ્રેસ અને પીપલ્સ એસેમ્બ્લી દ્વારા મહાકાય રેલીઓનું આયોજન કરાયું છે. એક અખબારી સરવેમાં 4,60,000 કરતાં વધુ લોકોએ તાત્કાલિક ચૂંટણી યોજવાની માગ કરી છે.


