લંડનઃ સ્થાનિક કાઉન્સિલની ચૂંટણીઓમાં કન્ઝર્વેટિવના કારમા પરાજય બાદ પાર્ટીમાં વડાપ્રધાન રિશી સુનાક સામે અસંતોષનો ચરૂ ઉકળી રહ્યો છે. તેમાં હવે બિઝનેસ સેક્રેટરી કેમી બેડનોકના નિવેદન બાદ ઘી હોમાયું છે. કેમી બેડનોકે જણાવ્યું હતું કે, વર્ષના અંત સુધીમાં યુરોપિયન યુનિયનના તમામ કાયદાની સમીક્ષા, નાબૂદ કરવા અથવા જાળવી રાખવા શક્ય નથી. બ્રેક્ઝિટનું સમર્થન કરતા 20 જેટલા ટોરી સાંસદોએ ચીફ વ્હીપ સાયમન હાર્ટ સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. તેમનો આરોપ છે કે રિશી સુનાક જુઠ્ઠું બોલ્યા છે. તેમણે બ્રેક્ઝિટ અંગે દેશ સમક્ષ જુઠ્ઠાણું ચલાવ્યું છે.
બીજીતરફ કાઉન્સિલની ચૂંટણીમાં 1000 કરતાં વધુ બેઠકો પર પરાજયને પગલે ટોરી નેતાઓ ટેક્સમાં કાપ મૂકવાની માગ કરી રહ્યાં છે. ટોરીના સીનિયર નેતાઓ રિશી સુનાકને ચેતવણી આપી રહ્યાં છે કે પાર્ટીમાં તેમની સામે વ્યાપક નારાજગી પ્રવર્તી રહી છે. એક પૂર્વ ટોરી મંત્રીએ જણાવ્યું હતું કે, પાર્ટીને હવે રિશી સુનાક પ્રત્યે કોઇ આશા રહી નથી. તેઓ એક નેતા નહીં પરંતુ એક મેનેજર તરીકે કામ કરી રહ્યા છે.
કેટલાક ટોરી સાંસદોનું માનવું છે કે આગામી વર્ષે સંસદની ચૂંટણી યોજાય તે પહેલાં પાર્ટી નેતામાં બદલાવ કરી શકે છે. કેટલાક બ્રેક્ઝિટ સમર્થક ટોરી સાંસદો નેતાગીરીમાં બદલાવ માટે 1922 કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડીને અવિશ્વાસ પત્રો મોકલવાની તૈયારી કરી રહ્યાં છે.
કાઉન્સિલ ચૂંટણીમાં પરાજય માટે પાર્ટીની નેતાગીરી જવાબદારઃ પ્રીતિ પટેલ
પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે રિશી સુનાક સામે મોરચો માંડતા આરોપ મૂક્યો હતો કે કાઉન્સિલની ચૂંટણીમાં પરાજય માટે પાર્ટીની નેતાગીરી જવાબદાર છે. બોરિસ જોન્સનની પ્રશંસા કરતા પટેલે જણાવ્યું હતું કે, ડાઉનિંગ સ્ટ્રીટમાં જોન્સનના કાર્યકાળમાં જનતાની પ્રાથમિકતાઓ પર કામ થતું હતું.


