સુનાક-હન્ટના સ્ટીલ્થ ટેક્સના કારણે પ્રતિ પરિવાર 5000 પાઉન્ડનો બોજો પડશે

આગામી 6 વર્ષમાં છૂપા કરવેરાના કારણે સરકારને 150 બિલિયન પાઉન્ડની આવક થશે

Wednesday 21st December 2022 05:31 EST
 
 

લંડન

રિશી સુનાક અને જેરેમી હન્ટના ઓટોમન બજેટમાં લદાયેલા છૂપા કરવેરાના કારણે બ્રિટિશ કરદાતાઓના ખિસ્સામાંથી આગામી 6 વર્ષમાં 150 બિલિયન પાઉન્ડ સેરવી લેવાશે. તેના કારણે યુકેના દરેક પરિવાર પર 5000 પાઉન્ડનો બોજો પડશે.

લેબર પાર્ટીએ જણાવ્યું હતું કે, ટેક્સ થ્રેસહોલ્ડ 2028 સુધી સ્થગિત કરવાના વડાપ્રધાન અને ચાન્સેલર જેરેમી હન્ટના નિર્ણયને કારણે યુકેમાં દરેક પરિવાર પર 5000 પાઉન્ડનો બોજો પડશે. ઇન્કમટેક્સ અને નેશનલ ઇન્શ્યુરન્સના થ્રેસહોલ્ડ સ્થગિત કરવાના કારણે વર્ષ 2025-26માં કરદાતાઓ પર 30 બિલિયન પાઉન્ડ કરતા વધુનો બોજો પડશે.

લેબર પાર્ટીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લદાયેલા છૂપા કરવેરાના કારણે વધી રહેલી મોંઘવારીને કાબૂમાં લેવામાં નિષ્ફળતા મળી રહી છે. વડાપ્રધાન રિશી સુનાક તેમની આર્થિક નિષ્ફળતાનો બોજો જનતા પર નાખી રહ્યાં છે. છૂપા કરવેરાના કારણે પરિવાર દીઠ 5000 પાઉન્ડનો બોજો વધી ગયો છે ત્યારે વડાપ્રધાન નોન ડોમિસાઇલ અને પ્રાઇવેટ સ્કૂલો દ્વારા ઉપયોગમાં લેવાઇ રહેલાં છીંડા બંધ કરવા કોઇ કાર્યવાહી કરી રહ્યાં નથી.

બીજીતરફ ચાન્સેલર જેરેમી હન્ટનું કહેવું છે કે સરકાર જેમની પાસે વધુ છે તેમની પાસે જ વધારાના ટેક્સની માગ કરી રહી છે. તેનો અર્થ એ થયો કે આવકવેરાના ઊંચા સ્લેબમાં સામેલ કરદાતાઓને વધુ ટેક્સ ચૂકવવો પડશે. પગારમાં વધારાના કારણે ઘણા કરદાતાઓ હવે ઊંચા સ્લેબમાં સામેલ થઇ ગયાં છે. તે ઉપરાંત નવા 32 લાખ કરદાતા ઇન્કમટેક્સના દાયરામાં આવી રહ્યાં છે.

 જેરેમી હન્ટ 15 માર્ચ 2023ના રોજ આગામી બજેટ રજૂ કરશે

ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે તેઓ 15 માર્ચ 2023ના રોજ 2023-24ના નાણાકીય વર્ષ માટેનું બજેટ રજૂ કરશે. હનટે સંસદમાં એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીને સ્પ્રિંગ બજેટની સાથે રજૂ થનારા તેના ઇકોનોમિક ફોરકાસ્ટને તૈયાર કરવા જણાવી દીધું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter