વડાપ્રધાન તરીકે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રિશી સુનાક દ્વારા સતત બીજા વર્ષે ભારતીય સમુદાય માટે 8 નવેમ્બરના બુધવારના રોજ આયોજિત દિવાળીની ઉજવણીમાં મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યાં હતાં. આ સમગ્ર દ્રશ્ય જાણે કે સ્વપ્ન સમાન લાગતું હતું. 10 ડાઉનિંગ સ્ટ્રીટ અસંખ્ય દીવા, મીણબત્તીઓ અને દિવાલો પર ગલગોટાના ફૂલોની સજાવટથી ઝળહળાં થઇ રહી હતી. ભોંયતળિયું રંગબેરંગી રંગોળીથી દૈદિપ્યમાન હતું તો ફ્લાવરવાઝમાં ગોઠવાયેલાં ગુલાબના ફૂલ ભીની મહેક પ્રસરાવી રહ્યાં હતાં. 10 ડાઉનિંગ સ્ટ્રીટની બહાર પણ ઇતિહાસમાં પહેલીવાર દીવા અને રંગોળી દ્રશ્યમાન થતાં હતાં.
હોલવેમાં ફર્સ્ટ લેડી અક્ષતા મૂર્તિ જાતે મહેમાનોનું સ્વાગત કરી દિવાળીની શુભેચ્છા પાઠવી રહ્યાં હતાં. રિસેપ્શન હોલમાં એક વિશાળ અન્નકૂટ તૈયાર કરાયો હતો. જેની મધ્યમાં ભગવાન રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની પ્રતિમાઓ બિરાજમાન હતી. આ પ્રતિમાઓ લોર્ડ અને લેડી ડોલર પોપટના નિવાસેથી લવાઇ હતી. અન્નકૂટમાં વિવિધ હિન્દુ મંદિરો દ્વારા મોકલાયેલી મિઠાઇઓ અને અન્ય વ્યંજનો સજાવાયાં હતાં અને આ વિચાર ખુદ વડાપ્રધાન દ્વારા રજૂ કરાયો હતો. પોડિયમ પર ભગવાન ગણેશની વિશાળ કદની પ્રતિમા સ્થાપિત કરાઇ હતી.
આ પ્રસંગે લોર્ડ કરણ બિલિમોરિયા, લોર્ડ કુલવીર રેન્જર, લોર્ડ અને લેડી રાજ લુમ્બા, બેરોનેસ સંદિપ વર્મા અને તેમના પતિ અશોક વર્મા, લોર્ડ અને લેડી ડોલર પોપટ, ચાન્સેલર જેરેમી હન્ટ, સાંસદ થેરેસા વિલિયર્સ, કાઉન્સિલર અમિત જોગિયા એમબીઇ અને તેમના પત્ની પ્રિયા જતાનિયા, કાઉન્સિલર રીના રેન્જર એમબીઇ, ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી, ભવન સ્થિત ડો. એમ એન નંદકુમાર એમબીઇ, બોલિવૂડની અભિનેત્રી પ્રિટી ઝિન્ટા, અભિનેતા અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્ના, ભક્તિવેદાંતા મેનોરના વિશાખા દાસી, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નિસડેનના સંજય કારા, એશિયન વોઇસ અને ગુજરાત સમાચારના પ્રકાશક-એડિટર ઇન ચીફ સી બી પટેલ, સહિતના 150થી વધુ ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં.
વડાપ્રધાન રિશી સુનાક અને અક્ષતા મૂર્તિએ દીપ પ્રાગટ્ય સાથે દિવાળીની ઉજવણીનો પ્રારંભ કર્યો ત્યારે અવંતિ કોર્ટ પ્રાઇમરી સ્કૂલના બાળકો દ્વારા સંસ્કૃતમાં શ્લોકનું ઉચ્ચારણ કરાયું હતું.
માતાપિતાએ આપેલા સંસ્કારના કારણે તમામ પડકારોનો સામનો કરી શક્યોઃ રિશી સુનાક
વડાપ્રધાન રિશી સુનાકે આ પ્રસંગે જણાવ્યું હતું કે, હેપ્પી દિવાળી... તમારા બધાનો આવકાર કરતાં આનંદ અનુભવું છું. અવંતિ કોર્ટ પ્રાયમરી સ્કૂલના બાળકો દ્વારા કરાયેલા શુભારંભ માટે આભારી છું. આ પવિત્ર અન્નકૂટ તૈયાર કરવા માટે યોગદાન આપનારા તમામ મંદિરોનો પણ આભારી છું. સુનાકે જણાવ્યું હતું કે, ગયું આખું વર્ષ આકરી મહેનત, કેટલીક વાસ્તવિક પ્રગતિમાં પસાર થયું અને આ સંભારણા મને આખું જીવન યાદ રહેશે. વડાપ્રધાને ગાર્ડનમાં ઇંગ્લિશ ક્રિકેટ ટીમ સાથે વીતાવેલી પળો યાદ કરી હતી.
બે નેતાઓ સાથેની પોતાની મુલાકાત યાદ કરતાં સુનાકે જણાવ્યું હતું કે, યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ મુલાકાત લીધી ત્યારે મારી માતાએ ઘેર બનાવેલી બરફી મેં તેમને ખવડાવી હતી. તે જાણીને મારી માતાને ઘણો આનંદ થયો હતો અને કહ્યું હતું કે આપણે તેમને ઢગલાબંધ બરફી મોકલાવીશું. જોકે ઝેલેન્સ્કીને ડાયાબિટિસ હોવાનું જાણીને અમે તે નિર્ણય પડતો મૂક્યો હતો.
ભારતમાં આયોજિત જી-20 બેઠકની મુલાકાત અંગે સુનાકે જણાવ્યું હતું કે, પ્રથમ બ્રિટિશ ભારતીય વડાપ્રધાન તરીકેની ભારતના વડાપ્રધાન મોદી અને અન્ય નેતાઓ સાથેની આ મુલાકાત અદ્દભૂત હતી. ભારતે જે રીતે વિકાસ સાધ્યો છે તે આપણા તમામ માટે ગૌરવની બાબત છે. આ એક અદ્દભૂત સફળતા છે.
વડાપ્રધાને છેલ્લા એક વર્ષની કામગીરીને યાદ કરતાં જણાવ્યું હતું કે, પ્રમાણિકતાથી કહું તો ગયું વર્ષ ઘણા પડકારોથી ભરેલું રહ્યું પરંતુ મારા માતાપિતાએ ને આપેલા સંસ્કાર અને મારા ભાઇ બહેન સાથે કરેલી આકરી મહેનતના કારણે હું તે પડકારોનો સામનો કરી શક્યો.
રિશીના વડાપ્રધાન બન્યાં પછી પ્રથમ દિવાળીની ઉજવણીથી આનંદ અનુભવું છુઃ અક્ષતા મૂર્તિ
ફર્સ્ટ લેડી અક્ષતા મૂર્તિએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, અહીં હાજર તમામ વ્યક્તિઓ માટે આ એક વિશેષ પ્રસંગ છે. ગયા વર્ષે રિશીના વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર આ પ્રકારના સમારોહનું આયોજન કરી શકી છું તેથી આ મારા માટે વિશેષ છે. તમામ જાણીતા ચહેરા જોઇને આનંદ થાય છે અને કેટલાક નવા ચહેરાઓનો આવકાર કરું છું.


