સુનાકના પરાજયમાં પણ બ્રિટિશ ભારતીયોનો પ્રચંડ વિજય

વંશીય ભેદભાવના કારણે રિશી સુનાકનો લીડરશિપની રેસમાં પરાજય થયો નથી

લોર્ડ ડોલર પોપટ Wednesday 07th September 2022 05:19 EDT
 
 

બ્રિટનના વડાપ્રધાન પદ માટે કન્ઝર્વેટિવ પાર્ટીમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય મૂળના બ્રિટિશર રિશી સુનાકનો પરાજય ભલે થયો પરંતુ બ્રિટિશ ભારતીયોનો વિજય છે. હાઉસ ઓફ લોર્ડના સભ્ય અને યુગાન્ડા, રવાન્ડા અને ડીઆરસીમાં વડાપ્રધાનના વેપાર રાજદૂત તરીકે સેવા આપતા લોર્ડ ડોલર પોપટે રિશી સુનાકના પરાજય પર જણાવ્યું હતું કે, ટોરી લીડરશિપમાં સુનાકે લિઝ ટ્રસને આપેલો પડકાર સમાજમાં બ્રિટિશ ભારતીયોને એકજૂથ કરવામાં પ્રેરણાદાયી બનશે. કન્ઝર્વેટિવ પાર્ટીની નેતાગીરી હાંસલ કરવામાં રિશી સુનાક નિષ્ફળ ગયા તેનો ખેદ મારા સહિત ઘણાને છે કારણ કે તેઓ સાથી બ્રિટિશ ભારતીય છે. પરંતુ આપણે ખેદ કે વસવસો કરવો જોઇએ નહીં. કારણ કે આ સ્પર્ધામાં રિશી સુનાકે વિજયવંત ઉદાહરણ પુરું પાડ્યું છે. સુનાકનો પ્રયાસ બ્રિટિશ સમાજમાં બિઝનેસથી ફાઇનાન્સ, રાજનીતિ, સાયન્સ અને આર્ટ્સ સહિતના વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપી રહેલા તમામ બ્રિટિશ ભારતીયો માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે. સુનાકે આપણને દેશભક્ત બનવાની સાથે મુખ્યપ્રવાહમાં સામેલ થવા પણ પ્રેરણા આપી છે.
લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે, સુનાકના પરાજય માટે અનિચ્છનિય ગણગણાટ ચાલી રહ્યો છે અને આ ગણગણાટ જ ખેદનું સાચું કારણ છે. બ્રિટન અને કન્ઝર્વેટિવ પાર્ટી રેસિસ્ટ છે તેથી સુનાકનો ટ્રસની સામે પરાજય થયો છે તેવી મૂર્ખામીભરી વાતો ચાલી રહી છે. આ પ્રકારના ગણગણાટને અટકાવવો જોઇએ. સુનાક આ રેસમાં બીજા સ્થાને આવ્યા તે પણ એક મોટો વિજય છે. 1970ના દાયકામાં આપણામાંના ઘણા અથવા તો આપણા માતાપિતા, દાદાદાદી આ દેશમાં આવ્યા હતાં. મારા જેવા હજારો લોકો ઇસ્ટ આફ્રિકાથી અને ભારતીય ઉપખંડમાંથી આવ્યાં હતાં. તેમાંના લગભગ બધા જ અહીં સમૃદ્ધ બન્યાં છીએ. બ્રિટને આપણને જે આવકાર આપ્યો તેના માટે આભાર. આપણી સફર સરળ નહોતી. આપણે બધાએ આકરી મહેનત કરવી પડી હતી. કેટલાંકને વંશીય ભેદભાવનો સામનો પણ કરવો પડ્યો પરંતુ તે આ દેશમાં ધરખમ સુધારાનો પ્રારંભ હતો. બ્રિટનમાં અપાયેલા આવકારને ચકાસીએ તો આ પ્રોસેસમાં કન્ઝર્વેટિવ પાર્ટી પણ સામેલ હતી. 40 કરતાં વધુ વર્ષોથી હું તેનો સભ્ય છું.
લોર્ડ પોપટે જણાવ્યું હતું કે, 1972માં હાથ ધરાયેલા સરવે પ્રમાણે બ્રિટનની ફક્ત 6 ટકા વસતી જ યુગાન્ડાથી આવેલા એશિયનોનો સ્વીકાર કરવા તૈયાર હતી પરંતુ તત્કાલિન કન્ઝર્વેટિવ વડાપ્રધાન સર એડવર્ડ હીથે યુગાન્ડાથી આવેલા એશિયનોને આશ્રય આપવાનું નેતૃત્વ લીધું હતું. તેમની પાર્ટીમાંથી વિરોધના સૂર હોવા છતાં તેમણે આ કામ કર્યું. 1972માં બ્લેકપૂલ ખાતે યોજાયેલી પાર્ટીની કોન્ફરન્સમાં એનોક પોવેલે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ પહેલાં પણ કન્ઝર્વેટિવ પાર્ટી વિપક્ષમાં હતી ત્યારે 1968માં બર્મિંગહામ ખાતે લોહીની નદીઓ વહેશે તેવી ટિપ્પણી કરનારા પોવેલને સર એડવર્ડ હીથ પોતાની શેડો કેબિનેટમાંથી હાંકી ચૂક્યાં હતાં. ચાર વર્ષ બાદ પાર્ટી સત્તામાં આવી ત્યારે પોવેલ અને તેમના સમર્થકો પાર્ટીમાં ખાસ્સુ પ્રભુત્વ ધરાવતા હતા. પરંતુ બ્રિટનને તમામ રંગ અને વર્ગના લોકોને માટે સુરક્ષિત દેશ બનાવવા ઇચ્છતા સર એડવર્ડ હીથને વિદ્વાન કન્ઝર્વેટિવ એવા હોમ સેક્રેટરી રોબર્ટ કાર્ર અને લોર્ડ ડેવિડ હન્ટ જેવા યુવા સભ્યોનું સમર્થન હાંસલ થયું હતું. તેઓ પણ વિદેશમાં બ્રિટિશ પાસપોર્ટ ધરાવનારાઓની જવાબદારી સ્વીકારવાની તરફેણમાં હતા. તેથી કન્ઝર્વેટિવ પાર્ટીએ એશિયનો માટે કરેલા ઐતિહાસિક પ્રયાસને ધ્યાનમાં રાખવો જોઇએ. હીથે હાથ ધરેલી પ્રક્રિયાને તેમના અનુગામી ટોરી વડાપ્રધાનોએ પણ જારી રાખી હતી. જ્હોન મેજર અને ડેવિડ કેમેરોનના કાર્યકાળમાં પાર્ટીમાં વૈવિધ્યતા વધુ મજબૂત બની હતી.
લોર્ડ પોપટ કહે છે કે બોરિસ જ્હોન્સનની કેબિનેટ બ્રિટિશ ઇતિહાસની સૌથી વૈવિધ્યતા ધરાવતી કેબિનેટ હતી. ટોરી લીડરશિપની રેસમાં 6 વંશીય લઘુમતી સમુદાયના લોકોએ ઝંપલાવ્યું હતું જેમાં નદીમ ઝહાવી, સુએલા બ્રેવરમેન, રિશી સુનાક, કેમી બેડનોક, સાજિદ જાવિદનો સમાવેશ થાય છે. કન્ઝર્વેટિવ પાર્ટીમાં વૈવિધ્યતામાં વધારો આગળ વધી રહ્યો છે અને મને એ વાતમાં કોઇ શંકા નથી કે નવા વડાંપ્રધાન લિઝ ટ્રસ પણ તેમની કેબિનેટમાં ઘણા વર્ગોના લોકોનો સમાવેશ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter