સુનાકના બજેટમાં કોરોના મહામારી સામે લડવા £૩૦ બિલિયન ફાળવાયા

એક વર્ષ માટે બિઝનેસ રેટ્સ રદઃ બીમારીના પહેલા જ દિવસથી બેનિફિટનો ક્લેઈમઃNHSનો ઉપયોગ બદલ માઈગ્રન્ટ્સ પાસેથી વાર્ષિક ૬૨૪ પાઉન્ડ વસૂલાશેઃ રાજકોષીય ખાધમાં ૧૨૫ બિલિયન પાઉન્ડથી વધુનો ઉમેરો

Thursday 12th March 2020 06:37 EDT
 
 

લંડનઃ યુકેમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૪૬૦થી પણ વધી છે અને મૃત્યુઆંક આઠ થયો છે ત્યારે ચાન્સેલર રિશિ સુનાકે પોતાના ૧૧ માર્ચના પ્રથમ બજેટમાં કોવિડ-૧૯ વાઈરસની મહામારી સામે લડવા ૩૦ બિલિયન પાઉન્ડની યોજના જાહેર કરી છે. તેમણે ત્રણ મુદ્દાના આર્થિક એક્શન પ્લાનમાં બીમાર લોકોના વેતનમાં ફેરફાર અને સરકાર દ્વારા મદદ ઉપરાંત, બિઝનેસીસને મદદ કરવાના નોંધપાત્ર પગલાંમાં ચાન્સેલરે એક વર્ષ માટે બિઝનેસીસની સહાય માટે બિઝનેસ રેટ્સ રદ કર્યાં છે તેમજ નાની પેઢીઓની મદદ માટે નવી લોન યોજના પણ જાહેર કરી છે. મહત્ત્વની બાબત એ છે કે NHSનો ઉપયોગ કરવા બદલ માઈગ્રન્ટ્સ પાસેથી વાર્ષિક ૬૨૪ પાઉન્ડની વસૂલાત કરવામાં આવશે. બજેટના પગલાંના કારણે બ્રિટનની રાજકોષીય ખાધમાં ૧૨૫ બિલિયન પાઉન્ડથી વધુનો ઉમેરો થશે તેમજ અર્થતંત્રની ૧.૧ ટકાના દરે વૃદ્ધિ થશે. એક વર્ષ અગાઉ આ દર ૧.૪ ટકાનો ગણાવાયો હતો. નોંધપાત્ર બાબત એ છે કે ઈયુ છોડવાના પરિણામે અર્થતંત્રને ૧૪ બિલિયન પાઉન્ડનું બોનસ પણ મળી રહેશે.

કોરોના વાઈરસની મહામારી સામે યુદ્ધ

કોરોના વાઈરસના ફેલાવા સાથે માર્કેટ્સ ઊંધા માથે પછડાઈ રહ્યા છે અને યુકેનું અર્થતંત્ર વૈશ્વિક મંદીની તરફ ઘસડાઈ રહ્યું છે ત્યારે ચાન્સેલર સુનાકે કોવિડ-૧૯ વાઈરસની વૈશ્વિક મહામારી સામે લડવા NHSને ૩૦ બિલિયન પાઉન્ડ ફાળવવાની જાહેરાત કરી છે જેથી સંભવિત હજારો બીમાર લોકોની સારવારમાં આરોગ્ય સંસ્થાને વાંધો ન આવે. આ ફાળવણીમાં ૧૨ બિલિયન પાઉન્ડ કોરોના વાઈરસ સામે મદદ તરીકે અને વધુ ૧૮ બિલિયન પાઉન્ડ અર્થતંત્રને ઉત્તેજનના પગલામાં રહેશે.

લોકો બીમારીના પહેલા જ દિવસથી બેનિફિટનો ક્લેઈમ કરી શકશે. જો બ્રિટિશરોને વાઈરસની અસરના એક પણ લક્ષણ ન હોય છતાં તેમને ઘેર રહેવાની ફરજ પડશે તો તેઓ બીમારીનું વેતન મેળવી શકશે. તેઓ જીપી પાસે ગયા વિના જ NHS111 મારફત ડોક્ટરની સિક નોટ પણ મેળવી શકશે. જે લોકોને લક્ષણો ન હોવાં છતાં ઘરમાં અલાયદા રહેવા જણાવાય તેમને સાપ્તાહિક ૯૪.૨૫ પાઉન્ડનું બીમારી વેતન આપવાની જાહેરાત પણ કરાઈ છે. આ સાથે ૨૫૦થી ઓછા સ્ટાફ સાથેની કંપનીઓને બે સપ્તાહ માટે સિક પે ચૂકવણીઓમાં રિફન્ડ આપવાની જાહેરાત પણ કરાઈ હતી.

બજેટમાં કરાયેલી વિવિધ ફાળવણીઓ

ચાન્સેલર સુનાકના બજેટમાં કોરોના વાઈરસ સામેના યુદ્ધમાં ૩૦ બિલિયન પાઉન્ડ, રોડ, રેલ્વે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૬૪૦ બિલિયન, રસ્તાઓ તેમજ ખાડા પૂરવા અને રીસરફેસિંગના કાર્યો માટે ૨૭ બિલિયન, એફોર્ડેબલ હોમ્સ માટે ૧૨.૨ બિલિયન, સારાં બ્રોડબેન્ડ માટે ૫ બિલિયન, દેશમાં ૯૫ ટકા 4G માટે ૫૧૦ મિલિયન, રફ સ્લીપિંગનો અંત લાવવા ૬૩૪ મિલિયન, દેશમાં વારંવાર આવતા પૂર સામે રક્ષણ મેળવવા વધુ ૫૦૦ મિલિયન, ફર્ધર એન્યુકેશન કોલેજોમાં બિલ્ડિંગ અપગ્રેડેશન માટે ૧.૫ બિલિયન, વેટરન્સ ભંડોળને ૧૦ મિલિયન પાઉન્ડ સાથે પ્રોત્સાહન, NHSમાં સ્ટાફની ભરતી અને હોસ્પિટલ અપગ્રેડેશન માટે પાંચ વર્ષમાં વધુ ૬ બિલિયન પાઉન્ડ

નોંધપાત્ર પગલાંમાં ચાન્સેલરે એક વર્ષ માટે બિઝનેસીસની સહાય માટે બિઝનેસ રેટ્સ રદ કર્યાં છે અને સમગ્ર હાઈ સ્ટ્રીટ બિઝનેસ રેટ્સ નિયમોની સમીક્ષા કરવાની તેમજ નાની પેઢીઓની મદદ માટે નવી લોન યોજના પણ જાહેર કરી છે. તેમણે જણાવ્યું છે કે નેશનલ લિવિંગ વેજ ૨૦૨૪ સુધીમાં ૧૦.૫૦ પાઉન્ડ થશે.

નવા ટેક્સ અને કરરાહતોની જાહેરાતો

ચાન્સેલર સુનાાકે ૩૧ મિલિયન વર્કર્સ માટે કરરાહતો જાહેર કરી છે. તેમણે, નેશનલ ઈન્સ્યુરન્સ લાદવાની મર્યાદા ૮૬૩૨થી વધારી ૯,૫૦૦ પાઉન્ડ કરી હતી. જોકે, એન્ટ્રેપ્રીન્યોર્સને અપાતી કરરાહત વર્તમાન ૧૦ મિલિયનથી ઘટાડી એક મિલિયન પાઉન્ડ કરવામાં આવી છે અને કોર્પોરેશન ટેક્સમાં સૂચિત કાપ મુલતવી રાખ્યો છે. બજેટમાં આલ્કોહોલ ડ્યૂટી અને ફ્યૂલ ડ્યૂટી સ્થગિત કરવાની સાથોસાથ બિયર, વાઈન, સ્પિરિટ્સ અને સિડાર પરના ટેક્સ સ્થગિત કરાયા છે તેમજ સિગારેટ્સમાં પેકેટ દીઠ ૨૭p નો વધારો કરવામાં આવ્યો છે. મહત્ત્વની બાબત એ છે કે NHSનો ઉપયોગ કરવા બદલ માઈગ્રન્ટ્સ પાસેથી વાર્ષિક ૬૨૪ પાઉન્ડની વસૂલાત કરવામાં આવશે. ચાન્સેલરે હોસ્પિટાલિટી અને આનંદપ્રમોદ ઉદ્યોગ, નાની દુકાનો, રેસ્ટોરાં અને મનોરંજન સ્થળો પરના બિઝનેસ રેટ્સ આગામી ૧૨ મહિના માટે રદ કર્યા છે જ્યારે પબ્સ પરના બિઝનેસ રેટ્સ ડિસ્કાઉન્ટ વધારીને ૫,૦૦૦ પાઉન્ડ કરવામાં આવેલ છે. તેમણે ડિજિટલ પબ્લિકેશન્સ પરનો VAT અને ભારે રોષ ધરાવતા ટેમ્પાન ટેક્સને નાબૂદ કર્યો છે.

આ ઉપરાંત, એપ્રિલ ૨૦૨૧થી વિદેશી ખરીદારો માટે ૨ ટકાના ધોરણે સ્ટેમ્પ ડ્યૂટી સરચાર્જ, બિઝનેસીસ દ્વારા ગેસ વપરાશ પરની ક્લાઈમેટ લેવીમાં વધારો, ખેડૂતોને કોઈ અસર વિનામાત્ર બાંધકામ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં સસ્તાં ‘રેડ ડિઝલ’ પરની કરરાહતની નાબૂદી, ૩૦ ટકા રીસાઈકલિંગ મટીરિયલ ન હોય તેવી પ્લાસ્ટિક ઉત્પાદન કંપનીઓ પર નવો ટેક્સ પણ લાદવાની જાહેરાત ચાન્સેલરે કરી છે.

ચાન્સેલર સુનાકના બજેટની ઝાંખી........

ચાન્સેલર રિશિ સુનાકે સમગ્ર વિશ્વમાં પ્રસરી રહેલા કોરોના વાઈરસ ચેપને ધ્યાનમાં લઈ તેની સામેના યુદ્ધને પ્રાથમિકતા આપી છે. આ સાથે તેમના બજેટની વિવિધ ફાળવણીઓ તેમજ ટેક્સમાં રાહતો અને નવા ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો છેઃ

• બજેટથી રાજકોષીય ખાધમાં ૧૨૫ બિલિયન પાઉન્ડથી વધુનો ઉમેરો • કોરોના વાઈરસ સામેના યુદ્ધમાં ૩૦ બિલિયન પાઉન્ડની ફાળવણી • રોડ, રેલ્વે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ૬૪૦ બિલિયન પાઉન્ડ ફાળવાયા • એક વર્ષ માટે બિઝનેસીસની સહાય માટે બિઝનેસ રેટ્સ રદ • સમગ્ર હાઈ સ્ટ્રીટ બિઝનેસ રેટ્સ નિયમોની સમીક્ષા • નાની પેઢીઓની મદદ માટે નવી લોન યોજના • નેશનલ લિવિંગ વેજ ૨૦૨૪ સુધીમાં ૧૦.૫૦ પાઉન્ડ થશે • રસ્તાઓ તેમજ ખાડા પૂરવા અને રીસરફેસિંગના કાર્યો માટે ૨૭ બિલિયન પાઉન્ડની ફાળવણી • લોકોને પોસાય તેવા હોમ્સ માટે ૧૨.૨ બિલિયન પાઉન્ડ • દેશમાં સારાં બ્રોડબેન્ડ માટે ૫ બિલિયન પાઉન્ડની ફાળવાયા • ઘરવિહોણાને રફ સ્લિપિંગનો અંત લાવવા ૬૩૪ મિલિયન પાઉન્ડની ફાળવણી • NHSમાં સ્ટાફની ભરતી અને હોસ્પિટલ અપગ્રેડેશન માટે પાંચ વર્ષમાં વધુ ૬ બિલિયન પાઉન્ડ • પૂર સામે રક્ષણ મેળવવા વધુ ૫૦૦ મિલિયન પાઉન્ડની ફાળવણી • દેશમાં ૯૫ ટકા 4G માટે ૫૧૦ મિલિયન પાઉન્ડ • ફર્ધર એન્યુકેશન કોલેજોમાં બિલ્ડિંગ અપગ્રેડેશન માટે ૧.૫ બિલિયન પાઉન્ડ • વેટરન્સ ભંડોળને ૧૦ મિલિયન પાઉન્ડ સાથે પ્રોત્સાહન

નવા ટેક્સ, કાપ અને રાહતો.......

• ૩૧ મિલિયન વર્કર્સ માટે કરરાહત, નેશનલ ઈન્સ્યુરન્સ લાગુ થવાની મર્યાદા ૮૬૩૨થી વધી ૯,૫૦૦ પાઉન્ડ • NHSના ઉપયોગ માટે માઈગ્રન્ટ્સ પાસેથી વાર્ષિક ૬૨૪ પાઉન્ડ લેવાશે • એન્ટ્રેપ્રીન્યોર્સની કરરાહત વર્તમાન ૧૦ મિલિયનથી ઘટાડી એક મિલિયન પાઉન્ડ • કોર્પોરેશન ટેક્સમાં સૂચિત કાપ મુલતવી • સમગ્ર હાઈ સ્ટ્રીટ બિઝનેસ રેટ્સ નિયમોની સમીક્ષા કરાશે • ડિજિટલ પબ્લિકેશન્સ પરનો VAT રદ કરાયો • ૨૦ વર્ષમાં બીજી વખત આલ્કોહોલ ડ્યૂટી સ્થગિત • સતત ૧૦મા વર્ષે ફ્યૂલ ડ્યૂટી સ્થગિત • ટેમ્પાન ટેક્સની નાબૂદી • સિગારેટ્સમાં પેકેટ દીઠ ૨૭p નો વધારો • હોસ્પિટાલિટી અને આનંદપ્રમોદ ઉદ્યોગ, નાની દુકાનો, રેસ્ટોરાં અઆને મનોરંજન સ્થળો પરના બિઝનેસ રેટ્સ આગામી ૧૨ મહિના માટે રદ • પબ્સ પરના બિઝનેસ રેટ્સ ડિસ્કાઉન્ટ વધારીને ૫,૦૦૦ પાઉન્ડ • બિયર, વાઈન, સ્પિરિટ્સ અને સિડાર પરના ટેક્સ સ્થગિત • એપ્રિલ ૨૦૨૧થી વિદેશી ખરીદારો માટે સ્ટેમ્પ ડ્યૂટી સરચાર્જ ૨ ટકાના ધોરણે લેવાશે • બિઝનેસીસ દ્વારા ગેસ વપરાશ પરની ક્લાઈમેટ લેવી વધારાશે • સ્વરોજગારીને પ્રોત્સાહન માટે NI માં ૧૦૪ પાઉન્ડની મદદ • બોંધકામ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં સસ્તાં ‘રેડ ડિઝલ’ પરની કરરાહત નાબૂદ, ખેડૂતોને અસર નહિ • નાની કંપનીઓ ૧.૨ મિલિયન પાઉન્ડ સુધી ‘બિઝનેસ ઈન્ટરપ્શન’ લોન સુવિધા મેળવી શકશે • ૨૫૦થી ઓછા સ્ટાફ સાથેની કંપનીઓને બે સપ્તાહ માટે સિક પે ચૂકવણીઓમાં રિફન્ડ મળશે • ૩૦ ટકા રીસાઈકલિંગ મટીરિયલ ન હોય તેવી પ્લાસ્ટિક ઉત્પાદન કંપનીઓ પર નવો ટેક્સ • જેઓને ઘરમાં અલાયદા રહેવા જણાવાય તેઓને લક્ષણો ન હોવાં છતાં સાપ્તાહિક ૯૪.૨૫ પાઉન્ડનું બીમારી વેતન • ચાન્સેલરે જુનિયરIsa એલાવન્સ બમણું કરી નાખ્યું છે. ૬ એપ્રિલ ૨૦૨૦થી આ એલાવન્સ ૪,૩૬૮ પાઉન્ડથી વધીને ૯,૦૦૦ પાઉન્ડ કરાશે.• પુખ્ત વય માટે Isa એલાવન્સ ૨૦,૦૦૦ પાઉન્ડ યથાવત છે. • વારસદારોએ પ્રત્યક્ષ સગાં પાસેથી મળતી ઘરસંપત્તિ પર ઓછો વારસાઈ ટેક્સ ભરવાનો થશે. ૧૦૦,૦૦૦ પાઉન્ડ સુધીની સંપત્તિ ટેક્સ ફ્રી થશે. હાલ ઈન્હેરિટન્સ ટેક્સ ૪૦ ટકા છે પરંતુ, વ્યક્તિઓ વધુ ૧૭૫,૦૦૦ પાઉન્ડની સંપત્તિ પાસ ઓન કરી શકશે. • કોરોના વાઈરસના લીધે એરલાઈન્સોને ભારે ફટકો પડવા છતાં, એર પેસેન્જર ડ્યૂટીમાં થોડો વધારો કરાયો છે. • ૨૦૨૦-૨૧ના ટેક્સ વર્ષમાં સરકારી પેન્શનમાં ૩.૯ ટકા સુધીનો વધારો થશે. નવા સરકારી પેન્શનરને ૩૪૩ પાઉન્ડનો લાભ થશે. • ટેપર્ડ એન્યુઅલ એલાવન્સમાં ૯૦,૦૦૦ પાઉન્ડ સુધીનો વધારો કરાયો છે જેનો લાભ ડોક્ટર્સ અને સર્જન્સ જેવા લોકોને મળશે

બેન્ક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજકાપ

અગાઉ, બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ અભૂતપૂર્વ પગલામાં કોરોના રોગચાળાના કારણે મંદ પડેલા અર્થતંત્રને ઉગારવા અને દેવાંમાં ફસાયેલા બ્રિટિશરોને રાહત આપવા વ્યાજદરમાં ૦.૫ ટકાનો કાપ જાહેર કર્યો હતો. આના પરિણામે બેન્કરેટ ૦.૭૫ ટકાથી ઘટી ૦.૨૫ ટકાનો થશે. વ્યાજદરમાં કાપ અને રિશિ સુનાકના ભારે ખર્ચ સાથેના બજેટથી અર્થતંત્રને ઉત્તેજન મળશે. વ્યાજમાં કાપને રોકાણકારોએ આવકાર્યો હતો અને બજાર થોડું ઊંચે પણ ગયું હતું. જોકે, કોરોના વાઈરસના ફરી ગભરાટના કારણે બજારો નીચે ગયાં હતાં. ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીના વિદાય લેતા ચીફ એક્ઝિક્યુટિવ અને નવા બેન્ક ગવર્નર એન્ડ્રયુ બેઈલીની સાથે માર્ક કાર્નીએ વ્યાજદરમાં કાપની જાહેરાત કરી હતી. બેન્કના ૩૨૫ વર્ષના ઈતિહાસમાં વ્યાજ દર સૌથી નીચા હોવાં છતાં બેન્કે અર્થંત્રને સપોર્ટ કરવા વધુ પ્રોત્સાહક પગલાં લેવા પડશે તેમ ગવર્નર કાર્નીએ કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter