સુનાકના વિન્ટર ઈકોનોમી પ્લાનમાં ફર્લોના બદલે નવી જોબ સપોર્ટ સ્કીમ

VATમાં ઘટાડો ૩૧ માર્ચ સુધી યથાવતઃઈમર્જન્સી બિઝનેસ લોન્સની મુદત વર્ષના અંત સુધી લંબાવાઈઃનાની બાઉન્સબેક લોન્સની મુદત છ વર્ષથી વધારીને ૧૦ વર્ષની કરવામાં આવી

Friday 25th September 2020 07:01 EDT
 
 

લંડનઃ  યુકેમાં કોરોના વાઈરસના બીજા મોજાનાં તોળાતા જોખમને અટકાવવા સરકારે નવા નિયંત્રણો જાહેર કર્યા છે ત્યારેચાન્સેલર રિશિ સુનાકે બિઝનેસીસ અને વર્કર્સને બચાવવા ઓક્ટોબર મહિનાના અંતે બંધ થનારી ફર્લો સ્કીમના બદલે વેજ સબસિડી સાથેની નવી ‘જોબ સપોર્ટ સ્કીમ’ (JSS) જાહેર કરી છે. ચાન્સેલરે નવેમ્બરમાં સંપૂર્ણ ઓટમ બજેટ રજૂ કરવાના બદલે વિન્ટર ઈકોનોમી પ્લાન કોમન્સ સમક્ષ રજૂ કર્યો હતો અને આગામી મહિનાઓમાં યુકેના અર્થતંત્રને તરતું રાખવાના પગલાં જાહેર કર્યા છે જેમાં, હોસ્પિટાલિટી અને રીટેઈલ સેક્ટર માટે VATમાં ઘટાડાને ૩૧ માર્ચ સુધી જાળવી રાખવા તેમજ ઈમર્જન્સી બિઝનેસ લોન્સની મુદત વર્ષના અંત સુધી લંબાવવાનો સમાવેશ થાય છે. દર મહિના માટે ૩૦૦ મિલિયન પાઉન્ડની ફાળવણી સાથેની ‘જોબ સપોર્ટ સ્કીમ’માં વર્કરે તેમના સામાન્ય કામના કલાકોના ઓછામાં ઓછાં ૩૩ ટકા કલાક કામ કરવાનું રહેશે જેના માટે એમ્પ્લોયર નાણા ચુકવશે. જેટલા કલાક કામ કરી શકાયું ન હોય તેના બાકી કલાકોના વેતન માટે સરકાર અને એમ્પ્લોયર ૩૩ - ૩૩ ટકા વેતન ચૂકવશે એટલે કે વર્કરને કુલ ૭૮ ટકા વેતન મળશે. આમ, સરકારના શિરે ૨૨ ટકા વેતન અને એમ્પ્લોયરના શિરે ૫૬ ટકા વેતન ચૂકવવાની જવાબદારી ઉભી થશે.

નવી યોજના ફર્લોથી ઓછી ઉદાર

ઉલ્લેખનીય છે કે ફર્લો સ્કીમ હેઠળ સરકાર ૮૦ ટકા વેતન ચૂકવતી હતી જેમાં તબક્કાવાર ઘટાડો કરાયો હતો. નવી જોબ સપોર્ટ યોજનાની ટીકા કરાઈ છે કે તે ફર્લો યોજના કરતાં ઓછી ઉદાર છે અને ઘણી નોકરીઓ ગુમાવવાની થશે. ઈન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝના વડા પોલ જ્હોન્સને જણાવ્યું હતું કે ફર્લો સ્કીમ બંધ થવાના મહિનાઓમાં બેરોજગારીમાં ભારે વધારો થશે. આ વર્ષના અંત સુધીમાં ૨૦ લાખ નોકરીઓ ગુમાવવી પડી શકે છે. નવી જોબ સપોર્ટ યોજના ફર્લો સ્કીમ કરતાં ઘણી ઓછી ઉદાર છે. જે વર્કર્સ અત્યારે કોઈ જ કામ કરતા નથી તે બધા હવે નોકરી ગુમાવી શકે છે. જો તેઓ ઓછામાં ઓછું ૩૩ ટકા કલાક કામ કરતા હશે તો જ તેમને સરકારી મદદ મળશે. થિન્ક ટેન્કની ગણતરી અનુસાર કોવિડ-૧૯ મહામારીના કારણે સરકારના માથે બિઝનેસીસને ૧૯૨ બિલિયયન પાઉન્ડના સપોર્ટ સહિત કુલ ૩૧૭ બિલિયન પાઉન્ડનો બોજો આવ્યો છે.ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટીની સૌથી તાજી આગાહી અનુસાર નાણાવર્ષ એપ્રિલ ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ માટે જાહેર ક્ષેત્રનું ચોખ્ખુ કરજ ૨૬૩ બિલિયનથી ૩૯૧ બિલિયન પાઉન્ડ વચ્ચે રહેશે. સુનાકના નવા પગલાંથી જાહેર ફાઈનાન્સની હાલત વધુ ખરાબ થશે. કોરોના કટોકટીના ગાળામાં સરકારની ફર્લો સ્કીમથી આશરે ૧૦ મિલિયન નોકરીઓને ટેકો મળ્યો હતો જેમાં, માસિક મહત્તમ ૨,૫૦૦ પાઉન્ડના ધોરણે એમ્પ્લોઈના ૮૦ ટકા વેતનની ચૂકવણી કરાઈ હતી. હવે અંદાજે ૩૯ બિલિયન પાઉન્ડથી વધુ કોસ્ટ સાથે તેને ઓક્ટોબર મહિનાની આખરથી બંધ કરવામાં આવનાર છે.

કોરોના વાઈરસ સાથે જ જીવવાનું છેઃ સુનાક

ચાન્સેલરે કહ્યું હતું કે તેઓ બધાની નોકરીઓ બચાવી શકશે નહિ. તેમણે કહ્યું હતું કે યુકેએ સહન કરવું પડશે અને વર્તમાન અનિશ્ચિતતા સાથે જ જીવવું પડશે. આનો અર્થ એ છે કે આપણે નવી મર્યાદાઓ શીખવી પડશે પરંતુ, આપણી જિંદગીઓ હંમેશ માટે અટકાવી શકાય નહિ. તેમણે કહ્યું હતું કે કોરોના વાઈરસ આપણા જીવનની હકીકત હોવાથી ઈકોનોમી હવે કાયમી એડજસ્ટમેન્ટ થઈ રહેશે. આપણે તેની સાથે જ રહેવું પડશે અને ભય વિના જીવવું પડશે.

ચાન્સેલર સુનાકે કોમન્સમાં જણાવ્યું હતું કે,‘ઘણા બિઝનેસીસ સલામત અને સારી રીતે કાર્ય કરી રહ્યા છે પરંતુ, હવે શિયાળાના મહિનાઓમાં અનિશ્ચિતતા અને માગમાં ઘટાડાનો સામનો કરવો પડશે. આ બિઝનેસીસને લોકોને કામે પાછા લગાવવા  તેમજ આપણા માટે શક્ય નોકરીઓ બચાવવા સપોર્ટની જરુર છે. આ માટે હું નવી જોબ્સ સપોર્ટ સ્કીમની જાહેરાત કરું છું. સરકાર કામ પરના લોકોના વેતનની સીધી સહાય કરશે જેનાથી, ઓછી માગનો સામનો કરી રહેલા બિઝનેસીસને એમ્પ્લોઈની છટણી કરવાના બદલે પાર્ટ-ટાઈમ નોકરીએ રાખવાનો વિકલ્પ મળશે.’ સુનાકે કહ્યું હતું કે સરકારના વલણમાં ફેરફાર જરુરી હતો કારણકે ફર્લો પર રહેલા ઘણા કર્મચારીને અસ્તિત્વમાં રહી ન હોય તેવી નોકરીઓ માટે નાણા ચૂકવાતા હતા. ઓક્ટોબર મહિનાના અંતે ફર્લો સ્કીમ બંધ થઈ રહી છે તેના કારણે આગામી મહિનાઓમાં નોકરીઓ પરથી છટણીઓનું પ્રમાણ અત્યંત વધી જશે તેવી ચેતવણીઓ અપાવા સાથે ફર્લો સ્કીમને લંબાવવા દબાણ થઈ રહ્યું હતું પરંતુ, ચાન્સેલર સુનાકે તેનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે ફર્લો સ્કીમ જાહેર કરાઈ તે સમય માટે યોગ્ય હતી પરંતુ, હવે સમય બદલાયો છે. ટ્રેઝરીએ જણાવ્યું હતું કે જે નોકરીઓનું ભવિષ્ય ન હોય તેને બચાવવાના બદલે ભવિષ્ય ધરાવતી નોકરીઓને બચાવવામાં નાણાકીય તાકાતનો ઉપયોગ કરાશે. ફર્લોમાં જ જળવાઈ શકે તેવી નોકરીઓમાં લોકોને રાખવાનું યોગ્ય નહિ ગણાય.

VAT સ્થગિત અને લોન સ્કીમ્સ લંબાવાઈ

ચાન્સેલરે કોમન્સ સમક્ષ બિઝનેસીસની મદદ માટે અમલી બનાવાયેલી ચાર લોન યોજનાઓની મુદત પણ આ વર્ષના અંત સુધી લંબાવવાની જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે નાની બાઉન્સબેક લોન્સની મુદત છ વર્ષથી વધારીને ૧૦ વર્ષની કરવામાં આવી છે. જો જરુર લાગશે તો લોકો માત્ર વ્યાજની ચૂકવણી કરે તેની છૂટ પણ અપાશે.

ચાન્સેલરે હોસ્પિટાલિટી અને ટુરિઝમ સેક્ટર્સના બિઝનેસીસ માટે જુલાઈ મહિનામાં હંગામી કાપ સાથે અમલી બનાવેલા ૫ ટકાના VATને જાળવી આગામી વર્ષના જાન્યુઆરીથી ૩૧ માર્ચ સુધી લંબાવ્યો છે. તેમણે VAT દરને તબક્કાવાર વધારી ફરી ૨૦ ટકાના દરે લાવવાનું માંડી વાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ પગલાંથી ૧૫૦,૦૦૦ બિઝનેસીસ અને ૨.૪ મિલિયન કર્મચારીઓને મદદ મળશે.

જર્મનીની કુર્ઝારબિટ જોબ સબસિડી યોજના

સુનાકની જોબ સપોર્ટ સ્કીમમાં જર્મનીએ અમલમાં મૂકેલી અને હાલ ૨૦૨૧ના અંત સુધી લંબાવાયેલી કુર્ઝારબિટ જોબ સબસિડી યોજનાની ઝલક દેખાય છે. જર્મન યોજનામાં એમ્પ્લોઈને નોકરીમાં જાળવી રાખવા સાથે તેમના કામના કલાકો ઘટાડવા એમ્પ્લોયરને છૂટ અપાય છે. ઘટેલા કામના કલાકોમાં જે વેતન મળ્યું હોય તેના ચોક્કસ ટકા સરકાર તેમને ચૂકવે છે. ઉદાહરણ જોઈએ તો એક વર્કર સામાન્ય રીતે ૩૭ કલાક કામ કરે છે પરંતુ, હવે ૧૭ કલાક કામ કરી શકે છે. આ સંજોગોમાં કંપની તેને ૧૭ કલાકનું વેતન ચૂકવશે પરંતુ, બાકીના ૨૦ કલાકના પ્રમાણમાં વેતન સરકાર પાસેથી વસૂલ કરી શકશે.

મ્યુનિકસ્થિત ઈન્સ્ટિટ્યૂટ ફોર ઈકોનોમિક રિસર્ચ અનુસાર કોરોના મહામારીની ટોચના સમયે અડધોઅડધ જર્મન કંપનીઓના કેટલાક કર્મચારી આ યોજના હેઠળ મૂકાયા હતા. પૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉન સહિત વગશાળી બ્રિટિશ રાજકારણીઓએ ફર્લો સ્કીમનો ઓક્ટોબરમાં અંત આવે તે પછી જર્મન અથવા તેના જેવી જ ફ્રેન્ચ સ્કીમને અમલી બનાવવા અનુરોધ કર્યો હતો.

 

ચાન્સેલરનો વિન્ટર ઈકોનોમી પ્લાન     

• સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઈન્કમ સપોર્ટ સ્કીમ ગ્રાન્ટ (SEISS)ને લંબાવવામાં આવી છે જેને નવેમ્બર મહિનાથી આગામી વર્ષના જાન્યુઆરી સુધી ઉચ્ચક ધોરણે ચાલુ રખાશે. તેમાં સરેરાશ માસિક પ્રોફિટના ૨૦ ટકા અને મહત્તમ ૧,૮૭૫ પાઉન્ડની ગ્રાન્ટ મળી શકશે. બીજી ગ્રાન્ટ ફેબ્રુઆરીથી એપ્રિલ ૨૦૨૧ સુધીના ગાળામાં મળવાને પાત્ર થશે.

• બાઉન્સબેક લોન ગેરન્ટીની મુદત હાલના ૬ વર્ષને વધારી ૧૦ વર્ષની કરવામાં આવી છે. હવે છ મહિનાના માત્ર વ્યાજનો ગાળો તેમજ પેમેન્ટ હોલીડેઝની સુવિધા પણ મળી શકશે.  

• હોસ્પિટાલિટી અને ટુરિઝમ સેક્ટરમાં કાર્યરત ફર્મ્સ માટે ૨૦ ટકામાંથી ૫ ટકા કરાયેલો VAT દર માર્ચ ૨૦૨૧ સુધી લંબાવાયો છે.

• જે ફર્મ્સે ન્યૂ પેમેન્ટ સ્કીમ હેઠળ VAT બિલ્સ મુલતવી રાખ્યા છે તેમને માર્ચ ૨૦૨૧માં એક સંપૂર્ણ ચૂકવણીના બદલે ૨૦૨૧-૨૦૨૨ના ફાઈનાન્સિયલ વર્ષમાં ૧૧ વ્યાજમુક્ત હપ્તામાં ચૂકવવાની છૂટ મળશે.

• ‘ટાઈમ ટુ પે’ સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ સિસ્ટમ જાન્યુઆરી ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter