લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકના સસરા અને ભારતની અગ્રણી આઇટી કંપની ઇન્ફોસીસના સહ-સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ અને એમેઝોન.કોમની સંયુક્ત માલિકીની ઓનલાઇન રીટેલ કંપની કલાઉડટેલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ભારતીય ટેક્સવિવાદમાં ફસાતા ચાન્સેલર ખુદ ભીંસમાં આવ્યા છે. ભારતીય ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સે ક્લાઉડટેલ કંપનીએ છેલ્લાં ચાર વર્ષમાં નજીવો ટેક્સ ભર્યાના પગલે તેની પાસે વ્યાજ અને દંડ સહિત ૫.૫ મિલિયન પાઉન્ડ (૫,૪૫૫ લાખ રુપિયા)ના લેણાની માંગણી કરતી નોટિસ ફટકારી છે. ટેક્સ વિવાદ ક્યા કેસ સાથે સંકળાયેલો છે તે હજુ સ્પષ્ટ થયું નથી.
એમ કહેવાય છે કે નાના વેપારીઓ દ્વારા યુએસ ટેક જાયન્ટ અને મૂર્તિ પરિવાર સંચાલિત સંયુક્ત સાહસ ક્લાઉડટેલ વિરુદ્ધ કોમ્પિટેશન કેસ કરાયો છે. નાના વેપારીઓનો દાવો છે કે મલ્ટિનેશનલ એમેઝોનની વેચાણપદ્ધતિઓથી તેમને ભારે નુકસાન જાય છે તેમજ ચાન્સેલર સુનાકના બિલિયોનેર સસરા, ટેકનોલોજી એન્ટ્રેપ્રીન્યોર નારાયણમૂર્તિ સાથે વાર્ષિક ૧ બિલિયન પાઉન્ડનું સાહસ ભારતના વિદેશી માલિકી નિયમોનું ઉલ્લંઘન કરે છે. બીજી તરફ, એમેઝોને તે સ્થાનિક નિયમોનું પાલન કરતું હોવાનો દાવો કર્યો છે. કંપનીએ જણાવ્યું છે કે તે આવકવેરા વિભાગની ૫.૫ મિલિયન પાઉન્ડની માગણીનો વિરોધ કરશે. જોકે. આ કેસ કોર્ટમાં ચાલતો હોવાથી આ અંગે વધુ ટીપ્પણી કરી શકાય તેમ નથી.
ક્લાઉડટેલમાં મૂર્તિની વેન્ચર કેપિટલ કંપની કેટામરાનનો ૭૬ ટકા અને એમેઝોન ૨૪ ટકા હિસ્સો છે. જોકે, ‘ધી ગાર્ડિયન’ના અહેવાલ અનુસાર કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ અને ફાઈનાન્સ ડાયરેક્ટર જેવા બે ટોચના હોદ્દા એમેઝોન પાસે છે. કલાઉડટેલની હોલ્ડિંગ કંપની પ્રીવનનું સંચાલન પણ એમેઝોનના પૂર્વ મેનેજર હસ્તક છે. મીડિયા અહેવાલો મુજબ એમેઝોને કથિતપણે કલાઉડટેલ જેવા સ્વતંત્ર વિક્રેતાઓને સ્પેશિયલ મર્ચન્ટનો દરજજો આપ્યો છે. ૨૦૧૯ સુધીમાં કુલ વેચાણમાં તેનો હિસ્સો ૩૫ ટકા હતો.
ભારતમાં વિદેશી કંપનીઓ માલસામાનનો સંગ્રહ કરી ભારતીય ગ્રાહકોને સીધું ઓનલાઈન વેચાણ તે મુજબ ઓનલાઈન રીટેઈલિંગ પર પ્રતિબંધ છે. એમેઝોન.ઈન વેબસાઈટને ‘બજારસ્થળ’ તરીકે કાર્યરત બનાવાઈ છે જ્યાં, ભારતીય રીટેઈલર્સ પોતાનો માલસામાન વેચે છે અને બદલામાં યુસએસ જાયન્ટ કંપનીને ફી ચૂકવે છે. ગાર્ડિયનના અહેવાલના દાવા મુજબ માત્ર એમેઝોન પ્લેટફોર્મ મારફત વેચાણ કરતી ક્લાઉડટેલે ગયા વર્ષે એમેઝોન પ્લેટફોર્મને ૯૫ મિલિયન પાઉન્ડની ફી ચૂકવી હતી, જે ભારતીય બિઝનેસના નફા કરતાં આશરે ૧૦ ગણી વધુ છે.
ગાર્ડિયન વતી ફેર ટેક્સ ફાઉન્ડેશને ક્લાઉડટેલના હિસાબો તપાસ્યા હતા જે મુજબ કંપનીએ ગત ચાર વર્ષની સરેરાશ ૭૯૮ મિલિયન પાઉન્ડની આવકની સરખામણીએ વાર્ષિક માત્ર ૮૩૦,૦૦૦ પાઉન્ડનો કોર્પોરેશન ટેક્સ ચૂકવ્યો હતો. ગત નાણાકીય વર્ષમાં ક્લાઉડટેલે ૧.૧ બિલિયન પાઉન્ડની આવક સામે આશરે ૩.૪ મિલિયન પાઉન્ડ ટેક્સ ચૂકવ્યો હતો.