લંડનઃ ચાન્સેલર રિશિ સુનાક ૩ માર્ચે વર્ષ ૨૦૨૧નું બજેટ રજૂ કરવાના છે ત્યારે યુકેના અર્થતંત્રને વેગ આપવામાં મદદરુપ થાય તેવાં પગલાં લેવાવાની ધારણા છે. જોકે, કેપિટલ ગેઈન્સ ટેક્સ તેમજ અન્ય ટેક્સમાં વધારાની શક્યતા પણ છે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા ટોરી પાર્ટીએ ઈન્કમ ટેક્સ, નેશનલ ઈન્સ્યુરન્સ કન્ટ્રીબ્યુશન્સ અને VAT નહિ વધારવા ખાતરી આપી હતી પરંતુ સુનાક હવે સમય બદલાઈ ગયો હોવાની દલીલ કરી શકશે.
ચાન્સેલર સુનાકે ફાઈનાન્સિયલ ટાઈમ્સને જણાવ્યું હતું કે,‘ આપણે વેળાસર અને ધડાકા સાથે કામગીરી બજાવી પરંતુ, હજુ ઘણું આવશે અને બજેટમાં ઘણું આવશે. બ્રિટિશ પ્રજાને આ કટોકટીમાંથી સલામત બહાર કાઢવા જે શક્ય હશે તેમામ હું કરી છુટીશ અને આ બાબતે હું પ્રતિબદ્ધ છું.’ કોરોના મહામારીના કારણે અર્થતંત્ર પર પડેલી અસરથી પબ્લિક ફાઈનાન્સીસ પર ભારે પડકારો સર્જાયા છે. સરકારે આ નાણાકીય વર્ષમાં ૨૭૧ બિલિયન પાઉન્ડ કરજે લીધા છે જે ૨૦૧૯-૨૦ની સરખામણીએ ૨૨૨ બિલિયન પાઉન્ડ વધુ છે. આ સાથે રાષ્ટ્રીય દેવું વધીને ૨.૧૩ ટ્રિલિયન પાઉન્ડ થયું છે.
આર્થિક સપોર્ટના સંભવિત પગલાં
સ્ટેમ્પ ડ્યૂટીઃ ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ખરીદારને સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની થાય તે મર્યાદા ગત જુલાઈમાં ૧૨૫,૦૦૦ પાઉન્ડથી વધારી ૫૦૦,૦૦૦ કરવામાં આવી હતી જેનાથી દર ૧૦ ટ્રાન્ઝેક્શનમાંથી નવને માફી મળતી હતી. વેચાણોના બેકલોગનો અર્થ એ છે કે ૩૧ માર્ચની સમયમર્યાદા પછી વધુ ત્રણ માસનું એક્સ્ટેન્શન મળી શકે છે. આના પરિણામે, આશરે ૧ બિલિયન પાઉન્ડનો બોજો આવશે.
હોસ્પિટાલિટી સેક્ટરઃVATને એક વખત લંબાવાયો છે. ૨૦ ટકામાંથી ૫ ટકા સુધીનો હંગામી ઘટાડો ઉનાળા સુધી એટલે કે વર્તમાન ૩૧ માર્ચની કટ-ઓફ તારીખથી વધુ ૩ મહિના લંબાવાની શક્યતા છે. આ વિલંબના પરિણામે, અત્યાર સુધીના અંદાજિત ૩.૩ બિલિયન પાઉન્ડના બોજામાં ૮૦૦ મિલિયન પાઉન્ડનો વધારો થઈ શકે છે.
બિઝનેસ રેટ્સમાં રાહતઃ હોસ્પિટાલિટી, રીટેઈલ અને લેઈઝર ક્ષેત્રોમાં હંગામી ૧૦૦ ટકાની ટેક્સ રાહત લંબાવાઈ શકે છે. ગત વર્ષે, મોટી કંપનીઓએ કોમર્શિયલ પ્રોપર્ટીઝ પર લદાયેલા ટેક્સ પર નહિ વપરાયેલી રાહતના ૨ બિલિયન પાઉન્ડની રકમ પરત ચૂકવી દીધી હતી. આ રકમનો ઉપયોગ સબસિડી ચાલુ રાખવામાં થઈ શકે છે. ઈંટ અને મોર્ટાર રીટેઈલર્સને મદદ કરવા સંભવિત ઓનલાઈન સેલ્સ ટેક્સ અને બિઝનેસ રેટ્સના ફંડામેન્ટલ રીવ્યૂને ઓટમ બજેટ સુધી મુલતવી રખાયા છે.
બિઝનેસ ગ્રાન્ટ્સઃ હોસ્પિટાલિટી, ટુરિઝમ અને લેઈઝર ક્ષેત્રોમાં સૌથી વધુ અસરગ્રસ્ત ફર્મ્સ માટે ગત જાન્યુઆરીમાં ૬૦૦ મિલિયન પાઉન્ડનું ફંડ ફાળવાયું હતું તેમાં પણ વધારો થઈ શકે છે.
યુનિવર્સલ ક્રેડિટઃ સાપ્તાહિક ૨૦ પાઉન્ડની વધારાની સહાય એપ્રિલ માસમાં પૂર્ણ થશે પરંતુ, નિયંત્રણો અમલમાં હોય ત્યારે ગરીબ પરિવારોને સહાય મળવી જોઈએની રાજકારણીઓની માગણી પછી વધુ છ મહિના માટે સહાય લંબાવાય તેવી શક્યતા છે.
ઈન્વેસ્ટમેન્ટઃ ચાન્સેલર ટ્રાન્સપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચા તેમજ ટાઉન સેન્ટર્સને નવજીવન આપવાના ભંડોળ પણ જાહેર કરી શકે છે. મકાનોને ઈન્સ્યુલેટ કરવા ગ્રીન હોમ્સ ગ્રાન્ટ ગયા મહિને બંધ કરી દેવાઈ છે જેનાથી ૧ બિલિયન પાઉન્ડની બચત થશે. આ બજેટમાં ઈલેક્ટ્રિક વાહનોના સઘન ચાર્જિંગ નેટવર્ક સહિત કાર્બન એમિશન્સ નીચે લાવવાના અન્ય પગલાં પણ જાહેર થવાની શક્યતા છે.
બજેટમાં ટેક્સની આવક સંબંધિત પગલાં
કોર્પોરેશન ટેક્સઃ ચાન્સેલર કોર્પોરેશન ટેક્સના મુખ્ય દર ૧૯ ટકાથી વધારી ૨૦ અથવા ૨૧ ટકા કરવાનું વિચારી રહ્યા છે. દરેક પર્સન્ટેજ પોઈન્ટનો વધારો તેમને વાર્ષિક આવકમાં વધારાના ૩ બિલિયન પાઉન્ડ રળી આપશે. કોર્પોરેશન ટેક્સ ૨૦૨૪ સુધીમાં વધીને ૨૫ ટકાએ પણ પહોંચી શકે છે.
પેન્શન ટેક્સઃ ધનવાન વ્યક્તિઓ તેમના જીવનકાળ દરમિયાન પોતાના પેન્શન્સ માટે ૧ મિલિયન પાઉન્ડની રકમ જ આપી શકે તેવું નિયંત્રણ સરકારને ટેક્સ રાહતમાં ૨૫૦ મિલિયન પાઉન્ડની બચત કરાવી શકે છે. આશરે ૧.૨ મિલિયન લોકો પોતાના ખાનગી કે ધંધાકીય પેન્શનની રકમ મેળવવાનું શરુ કરે ત્યાં આ મર્યાદાને વટાવી જાય તેવી શક્યતા છે.
કેપિટલ ગેઈન્સ ટેક્સઃ ધ ઓફિસ ઓફ ટેક્સ સિમ્પલિફિકેશને સરકાર એસેટ વેચાણ પરના તેના મુખ્ય ટેક્સનો દર આવક પર લગાવાતા ટેક્સની સમાન જ રાખે તેવી ભલામણ કરી છે. આના પરિણામે, કંપનીના શેરના વેચાણ પરના પ્રોફિટ પરનો કેપિટલ ગેઈન્સ ટેક્સ (CGT)નો દર ૧૦ ટકાથી વધી ૧૮ ટકા તેમજ પ્રોપર્ટી ગેઈન્સ પરનો ટેક્સદર ૨૦ ટકાથી વધી ૩૮ ટકા થઈ જશે. જે ૨૦થી ૪૫ ટકા વચ્ચેના દરે વસૂલાતા ઈન્કમ ટેક્સના લેવલની સમાન થઈ શકે છે.
મકાન ખરીદવા મદદઃ ૫ ટકાની ડિપોઝીટ સાથે મોર્ગેજ ગેરન્ટી
ચાન્સેલર બજેટ ૨૦૨૧માં ઓછી ડિપોઝીટ્સ સાથેના લોકો પ્રોપર્ટી સીડી પર પગ માંડી શકે તે માટે મોર્ગેટ ગેરન્ટી સ્કીમ દાખલ કરશે. સરકાર લેન્ડર્સને ઈન્સેન્ટિવ્ઝ ઓફર કરશે જેનાથી, મહામારીના ગાળામાં અદૃશ્ય થઈ ગયેલી ૯૫ ટકા મોર્ગેજીસની સ્કીમ પાછી આવશે.જોકે, સરકારના કોઈ પણ પ્રોત્સાહન છતાં, મોર્ગેજ પ્રોવાઈડર્સ માત્ર નિયમિત આવક ધરાવનારાને જ ધીરાણ આપશે તેમ જણાય છે.