સુનાકની ટોરી સાંસદોને પેટછૂટી વાતઃ ટેક્સ તો વધારવા જ પડશે

Wednesday 09th September 2020 01:49 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે નવા ટોરી સાંસદો સાથેની મીટિંગમાં પેટછૂટી વાત કરતા ટેક્સ વધારવાની જરુરિયાત વિશે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકારે મુશ્કેલ પડકારો બાબતે જનતા સાથે નિખાલસ થવું જ પડશે અને મહામારીની અસરમાંથી બહાર આવવા મુશ્કેલ નિર્ણયો લેવા પડશે. જોકે, તેમણે એ પણ કહ્યું હતું કે ટેક્સ વધારાને હોરર શો તરીકે નિહાળવા ન જોઈએ. વડા પ્રધાન જ્હોન્સને પણ સાંસદોને સંબોધ્યા હતા.

કોરોના મહામારીના પગલે બિઝનેસીસ અને વર્કર્સને મદદરુપ થવા સરકારે તિજોરી ખુલ્લી મૂકી દીધી હતી પરંતુ, સરકારને કરજમાં ભારે વધારો થયો હતો. આ ખાઈને પૂરવા માટે સુનાક ઊંચી કમાણી કરનારાઓ માટે પેન્શન્સ ટેક્સ રાહતમાં કાપ, કેપિટલ ગેઈન્સ ટેક્સ અને ફ્યૂલ ડ્યૂટીમાં વધારા સહિતના સંખ્યાબંધ પગલાં વિચારી રહ્યા છે. આના પરિણામે, ટોરી સાંસદોમાં વિરોધ અને મિનિસ્ટર્સમાં ચિંતા સર્જાઈ છે. સુનાકે કહ્યું હતું કે જો પાર્ટી કોઈ ખાઈમાંથી બહાર નીકળવા કરજ લીધે રાખશે તો મતદારોને કન્ઝર્વેટિવ્ઝ અને લેબર વચ્ચે કોઈ તફાવત નહિ જણાય. આ અંત ન હોય તેવા ટેક્સવધારાનો હોરર શો નથી. આપણે પબ્લિક ફાઈનાન્સની હાલત કેવી રીતે સુદારવા માગીએ છીએ તે બ્રિટિશ પ્રજાને સન્માન સાથે સમજાવવું પડશે.

વડા પ્રધાન જ્હોન્સને પણ ડિસેમ્બરમાં ચૂંટાયેલા નવા સાંસદોને સંબોધતા કહ્યું હતું કે પરિસ્થિતિ સુધરે તે પહેલા મુશ્કેલ બને છે. આપણે તેનો સામનો કરીશું. તેમણે સાંસદોને કહ્યું હતું કે તમે બ્રિટિશ પોલિટિક્સનો ચહેરો બદલી નાખ્યો છે. દાયકાઓથી કન્ઝર્વેટિવ્ઝ જીતતા ન હતા તે બેઠકો પર તમે વિજય મેળવ્યો છે.

 

 

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter