સુનાકની પેન્શનરોને રાહત, નબળા અભ્યાસક્રમો નાબૂદ કરવાની યોજનાને મતદારોનું સમર્થન

નેશનલ સર્વિસ ફરજિયાત કરવાના મામલે યુવાઓમાં રોષ, સીનિયરો ખુશ

Tuesday 04th June 2024 13:04 EDT
 

લંડનઃ સંસદની ચૂંટણી જાહેર થયાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે. ગયા સપ્તાહથી જ નેતાઓએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ પણ કરી દીધો હતો. કન્ઝર્વેટિવ અને લેબર પાર્ટી દ્વારા મતદારોને રિઝવવા માટે વિવિધ પ્રકારના આશ્વાસનો અને વચનોનો મારો પણ શરૂ થઇ ગયો છે. કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા અપાઇ રહેલા વચનો મતદારોને આકર્ષી તો રહ્યાં છે પરંતુ પાર્ટી હજુ પોતાની તરફેણમાં સમર્થન વધારવામાં સંઘર્ષ કરી રહી છે. ગયા સપ્તાહમાં લેબર પાર્ટી વિવિધ પ્રકારના સરવેમાં કન્ઝર્વેટિવ પાર્ટી પર નોંધપાત્ર સરસાઇ ધરાવતી હતી. એક સપ્તાહના પ્રચાર બાદ પણ ટોરીઝ હજુ લોકપ્રિયતાના મામલામાં લેબર પાર્ટી કરતાં 25 પોઇન્ટ પાછળ હતી. પેન્શનરોને કરવેરામાં રાહત, યુનિવર્સિટીઓમાંથી ગુણવત્તાવિહોણા અભ્યાસક્રમો નાબૂદ કરવા અને 18 વર્ષના લોકો માટે નેશનલ સર્વિસ ફરજિયાત બનાવવા જેવી પ્રસ્તાવિત યોજનાઓને મતદારોના સમર્થન છતાં ટોરીઝની લોકપ્રિયતા વધી રહી નથી.

એક સપ્તાહના પ્રચારના અંતે ફક્ત 6 ટકા મતદારો કન્ઝર્વેટિવ પાર્ટીના સમર્થનમાં આગળ આવ્યાં છે જ્યારે 18 ટકા મતદારો હજુ પાર્ટીને બદતર શાસક જ ગણી રહ્યાં છે. જેની સામે કોઇપણ પ્રકારના નીતિવિષયક પગલાની જાહેરાત નહીં કરનાર લેબર પાર્ટી સારી સ્થિતિમાં રહી હતી. 12 ટકા મતદારોએ લેબર પાર્ટીને સમર્થનની વાત કરી હતી જ્યારે 10 ટકા લેબરને સમર્થનની તરફેણમાં નથી.

ઓવરઓલ સમર્થનની વાત કરીએ તો કન્ઝર્વેટિવ પાર્ટી 1 પોઇન્ટન વધારા સાથે 21 પોઇન્ટ પર પહોંચી હતી જ્યારે લેબર પાર્ટી 46 ટકા પર રહી હતી. રિફોર્મ યુકેના સમર્થકો 12 ટકાથી વધીને 15 ટકા પર પહોંચ્યાં હતાં. લિબરલ ડેમોક્રેટની લોકપ્રિયતા 1 ટકો ઘટીને 8 ટકા પર રહી હતી.

એવું નથી કે કન્ઝર્વેટિવ પાર્ટી સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. રિશી સુનાક દ્વારા થઇ રહેલી નીતિવિષયક જાહેરાતોને મતદારોનું ભારે સમર્થન મળી રહ્યું છે. પેન્શનરને ટેક્સમાં રાહત આપવાની વડાપ્રધાનની યોજનાને 75 ટકા મતદારોનું સમર્થન પ્રાપ્ત થયું છે. 47 ટકા મતદારો યુનિવર્સિટીઓમાંથી નકામા અભ્યાસક્રમો નાબૂદ કરવાનું સમર્થન કરી રહ્યાં છે. 18 વર્ષના નાગરિકો માટે નેશનલ સર્વિસ ફરજિયાત કરવાની નીતિને 40 ટકા મતદારોનું સમર્થન હાંસલ થયું છે.

કન્ઝર્વેટિવ પાર્ટીને ફક્ત 66 બેઠક મળે તેવા એંધાણઃ સરવે

લંડનઃ એક નવા સરવે અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટી અત્યંત કારમા પરાજય તરફ આગળ વધી રહી છે. આગામી ચૂંટણીમાં પાર્ટીને ફક્ત 66 બેઠક પ્રાપ્ત થાય તેવા સંકેતો મળી રહ્યાં છે. સરવે અનુસાર લેબર પાર્ટી 476 સાંસદો સાથે ભવ્ય વિજય હાંસલ કરે તેવી સંભાવના છે. વડાપ્રધાન રિશી સુનાક તેમની રિચમંડની બેઠક તો બચાવી લેશે પરંતુ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેન, હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી, ડિફેન્સ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સ જેવા વરિષ્ઠ નેતાઓ તેમની બેઠક બચાવી શકશે નહીં. સરવેમાં લેબર પાર્ટીને 46 ટકા જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીને ફક્ત 19 ટકા મતદારોનું સમર્થન હાંસલ થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter