સુનાકની બજેટ યોજનાઓને આમ સમજીએ

Friday 10th July 2020 06:18 EDT
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ લોકડાઉન નિયંત્રણો હળવા બનાવાયા પછી અર્થતંત્રને વેગ આપવા તેમજ હાઉસિંગ, હોસ્પિટાલિટી અને ટુરિઝમ સેક્ટર્સને પ્રોત્સાહન મળી રહે તે માટે કેટલીક યોજનાઓ જાહેર કરી છે. આ સાથે બિઝનેસીસ દ્વારા ફર્લો પર ઉતારાયેલા કર્મચારીઓ ફરી કામકાજ પર ચડે તે ઉપરાંત, નવા લોકોને પણ કામે રખાય તે માટે એમ્પ્લોયર્સને ઉત્તેજન આપવા માટે વિશેષ બોનસ પણ જાહેર કર્યા છે. આ યોજનાઓને નીચે મુજબ ટુંકમાં સમજાવી શકાયઃ

હોસ્પિટાલિટી સેક્ટર માટે VAT ૨૦ ટકાથી ઘટાડી ૫ ટકાઃ હોસ્પિટાલિટી સેક્ટરને પ્રોત્સાહન આપવા ગરમ ભોજન, એકોમોડેશન તેમજ આકર્ષણરુપ સુવિધાના તમામ વેચાણ પર આગામી બુધવારથી ૨૦ ટકા VATમાં કાપ મૂકી ૫ ટકા કરવામાં આવશે. આ કાપ છ મહિના સુધી અમલી રહેશે અને તેનાથી સરકારને આશરે ૪ બિલિયન પાઉન્ડનો બોજો આવશે. VAT કાપમાં સિનેમા અને ઝૂ જેવા મનોરંજનના સ્થળોને પણ આવરી લેવાશે. ચાન્સેલર સુનાકના કહેવા મુજબ આશરે ૧૫૦,૦૦૦ બિઝનેસીસને તેનો લાભ મળશે.

બહાર ખાઓ અને મદદ કરો યોજનાઃ ઓગસ્ટ મહિનામાં સોમવારથી બુધવારના ગાળામાં કોઈ પણ વ્યક્તિ રેસ્ટોરાં અથવા પબમાં જમવા જશે તેમને કસ્ટમર દીઠ બિલમાં ૫૦ ટકાની રાહત મળશે જે વધુમાં વધુ ૧૦ પાઉન્ડ સુધીની હશે. બિઝનેસીસ પાંચ વર્કિંગ દિવસ દરમિયાન, તેમની રાહતની રકમ સરકાર પાસેથી પરત મેળવી મેળવવા ક્લેઈમ કરી શકશે.

સ્ટેમ્પ ડ્યૂટીમાં કામચલાઉ રાહતઃ ૫૦૦,૦૦૦ પાઉન્ડ સુધી કિંમતની પ્રોપર્ટીઝ પર સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહેશે નહિ જેના પરિણામે, ખરીદારને પ્રતિ ટ્રાન્ઝેક્શન સરેરાશ ૪,૫૦૦ પાઉન્ડની બચત થશે. આ સ્ટેમ્પ ડ્યૂટીનો કાપ તત્કાળ અમલી બનાવાયો છે અને આગામી વર્ષની ૩૧ માર્ચ સુધી તેનો લાભ મેળવી શકાશે. હાલ ૧૨૫,૦૦૦થી ૨૫૦,૦૦૦ પાઉન્ડની કિંમતની પ્રોપર્ટીઝ પર બે (૨) ટકાના દરે તેમજ તે પછીની કિંમતના હિસ્સા પર પાંચ ટકાના દરે સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની રહે છે.

નોકરીઓ જાળવવા ૯ બિલિયન પાઉન્ડની નવી યોજનાઃ જે કંપનીઓ તેમના ફર્લો પર મૂકાયેલા કર્મચારીઓને પાછા કામ પર બોલાવશે તેમને પ્રતિ કર્મચારી ૧,૦૦૦ પાઉન્ડનું બોનસ ચૂકવાશે. આ માટે કંપની દ્વારા કર્મચારીઓને નવેમ્બર અને જાન્યુઆરી મહિના વચ્ચે દર મહિને ઓછામાં ઓછું સરેરાશ ૫૨૦ પાઉન્ડ વેતન ચુકવાયું હોવું જોઈએ. ચાન્સેલરે જણાવ્યું હતું કે જો ફર્લો પર ઉતારાયેલા તમામ કર્મચારી ફરી કામે લગાવાય તો ટ્રેઝરીને ૯ બિલિયન પાઉન્ડ ખર્ચ આવશે.

કિકસ્ટાર્ટ વર્ક પ્લેસમેન્ટ સ્કીમઃ સરકાર દ્વારા ૧૬-૨૪ વયજૂથના આશરે ૩૦૦,૦૦૦ લોકોને છ મહિના માટે વર્ક પ્લેસમેન્ટની આશરે ૫,૫૦૦ પાઉન્ડની યોજનામાં સરકાર દ્વારા વેતન ચૂકવાશે. આવા કર્મચારીને રાષ્ટ્રીય લઘુમત વેતન મુજબ પ્રતિ સપ્તાહ ઓછામાં ઓછાં ૨૫ કલાક કામે રાખવામાં આવે તો એમ્પ્લોયરને પ્રતિ કર્મચારી ૧,૦૦૦ પાઉન્ડ આપવામાં આવશે. આ યોજના માટે ૨ બિલિયન પાઉન્ડની ફાળવણી કરાઈ છે.

૨,૦૦૦ પાઉન્ડનું એપ્રેન્ટિસશિપ બોનસઃ જે કંપનીઓ આગામી છ મહિનામાં જેટલી એપ્રેન્ટિસશિપની નવી જગ્યા ઉભી કરશે તે માટે તેમને દરેક નવી જગ્યા-એપ્રેન્ટિસશિપ દીઠ ૨,૦૦૦ પાઉન્ડનું બોનસ ચુકવવામાં આવશે. આ ઉપરાંત, ૨૫ વર્ષથી વધુ વયના દરેક એપ્રેન્ટિસ માટે ૧,૬૦૦ પાઉન્ડનું વધારાનું બોનસ અપાશે. કંપનીઓ દ્વારા કામે લગાવાતા ૧૮ કે ૧૯ વર્ષની વયના દરેક નવા ટ્રેઈની માટે પણ ૧,૦૦૦ પાઉન્ડનું બોનસ ચૂકવાશે.

પરિવારોને ગ્રીન હોમ્સ ગ્રાન્ટઃ પરિવારો તેમના ઘરને ઈન્સ્યુલેટ કરાવવા ૫,૫૦૦ પાઉન્ડ સુધીના વાઉચર માટે અરજી કરી શકશે. હોમ ઈન્સ્યુલેશન કામગીરીના કુલ ખર્ચના બે તૃતીઆંશ હિસ્સાને આવરી લેશે. ઓછી આવક ધરાવતા પરિવારોને ૧૦,૦૦૦ પાઉન્ડ સુધીની ગ્રાન્ટ મળશે જે, કામકાજના કુલ ખર્ચના ૧૦૦ ટકાને આવરી લેશે.  આ યોજના માટે ૨ બિલિયન પાઉન્ડની ફાળવણી કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter