લંડનઃ સ્ટ્રાસબોર્ગના એક વરિષ્ઠ માનવ અધિકાર ન્યાયાધીશે રિશી સુનાકની રવાન્ડા યોજનાને મોટો આંચકો આપતાં જણાવ્યું છે કે આ યોજના આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સના પ્રમુખ સ્યોફ્રા ઓલિયરીએ જણાવ્યું હતું કે, જો યુકે રૂલ 39 તરીકે ઓળખાતા સ્ટ્રાસબોર્ગ નિયમનું પાલન નહીં કરે તો તે કાયદાકીય ઉલ્લંઘન ગણાશે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂન 2022માં યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સના એક જજ દ્વારા રૂલ 39 અંતર્ગત જારી કરાયેલા આદેશના પગલે રવાન્ડા ડિપોર્ટેશન ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી હતી.
વડાપ્રધાન રિશી સુનાક એવો મત ધરાવે છે કે નવા રવાન્ડા બિલમાં મળનારી સત્તાઓ અંતર્ગત તો રૂલ 39 અંતર્ગત યુરોપિયન કોર્ટ દ્વારા જારી થતા આદેશોની અવગણના કરી શકશે. જોકે ઓલિયરીએ જણાવ્યું છે કે માનવ અધિકાર પરના યુરોપિયન કરાર અંતર્ગત રૂલ 39 અંતર્ગત લેવાતાં પગલાં દરેક સભ્યદેશને બંધનકર્તા રહે છે. આ કરારનો આધાર કરારનો આર્ટિકલ 34 છે.
જો રિશી સુનાક રૂલ 39ની અવગણનાનો પ્રયાસ કરશે તો યુરોપના જજો બ્રિટન સામે કાયદાકીય પગલાંનો પ્રયાસ કરી શકે છે. રિશી સુનાકને તેમના એટર્ની જનરલ દ્વારા સલાહ આપવામાં આવી છે કે રૂલ 39ની અવગણના આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન મનાશે.
રવાન્ડા સુરક્ષિત દેશ હોવાના સુનાક સરકારના દાવાઓ પોકળ
સુનાક સરકાર એકતરફ આફ્રિકાનો દેશ રવાન્ડા રાજ્યાશ્રય વાંચ્છુઓ માટે અત્યંત સુરક્ષિત હોવાની દલીલો કરી રહી છે તો બીજીતરફ રવાન્ડાના જ માઇગ્રન્ટ્સને બ્રિટનમાં રાજ્યાશ્રય આપી રહી છે. સરકાર કોર્ટ અને સંસદમાં રવાન્ડાના ગુણગાન કરી રહી હતી તે દરમિયાન જ રવાન્ડાના 4 નાગરિકને બ્રિટનમાં રાજ્યાશ્રય અપાયો હતો. એક તપાસમાં પહેલીવાર છેલ્લા 4 મહિનામાં હોમ ઓફિસ દ્વારા રવાન્ડાના નાગરિકોને રાજ્યાશ્રય આપવા અંગેની માહિતી બહાર આવી છે. રવાન્ડાના આ નાગરિકોનો દાવો છે કે તેમને સરકાર તરફથી જોખમ હતું. રવાન્ડા સુરક્ષિત દેશ હોવાના વડાપ્રધાન સુનાકના દાવા પર આ માહિતી નવા સવાલો સર્જી રહી છે.


