લંડનઃ બ્રિટનમાં ખાલિસ્તાન સમર્થક ફરી સક્રિય થયા છે. તેનું કારણ છે બ્રિટનની હાલની સરકારની ખાલિસ્તાની અલગતાવાદીઓ અંગેની અસ્પષ્ટ નીતિ. રિશી સુનાકની કન્ઝર્વેટિવ સરકારે ખાલિસ્તાનીઓ પર સકંજો કસવા માટે અનેક પગલાં ભર્યાં હતાં પરંતુ નવા વડાપ્રધાન કેર સ્ટારમરની લેબર સરકારની છબિ ખાલિસ્તાની સમૂહો પ્રત્યે નરમ વલણ અપનાવવાની છે. તેથી સુનાક સરકારની વિદાય બાદ એ તમામ પગલાં અભેરાઇ પર ચડાવી દેવાયાં હતાં.
બ્રિટન સરકારમાં ગૃહમંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, તત્કાલીન પીએમ સુનાકે જોઈન્ટ એક્સટ્રિમિસ્ટ ટાસ્ક ફોર્સ શરૂ કરી હતી, પરંતુ હવે તે નિષ્ક્રિય છે. લેબર સરકાર આવ્યા બાદ ટાસ્ક ફોર્સની બેઠક નથી મળી. કટ્ટરપંથીઓ પર નજર રાખવામાં આવી રહી હતી. તે પણ હવે નથી થઈ રહી. હોમ સેક્રેટરી ય્વેટ કૂપરે હાલના રિપોર્ટમાં કટ્ટરપંથનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે ફન્ડિંગ પર રોક લગાવી હતી, હવે કોઈ પ્રતિબંધ અમલી નથી.

