લંડન
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને તેમના બ્રિટિશ સમકક્ષ ટીમ બેરો વચ્ચે લંડન ખાતે એક બેઠક યોજાઇ ગઇ જેમાં બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક પણ હાજર રહ્યાં હતાં. બ્રિટન સ્થિત ભારતીય હાઇકમિશને જણાવ્યું હતું કે, વડાપ્રધાન રિશી સુનાક થોડા સમય માટે આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. કેબિનેટ ઓફસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ડોભાલ અને બેરો વચ્ચે બંને દેશ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર, સંરક્ષણ સહિતના મામલાઓ પર ચર્ચા યોજાઇ હતી. સર ટીમ બેરો ટૂંકસમયમાં ભારતની પણ મુલાકાત લેશે.
ભારત અને બ્રિટન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી અત્યંત મહત્વની છે. બંને દેશ વચ્ચે થનારા મુક્ત વેપાર કરાર પર 6 રાઉન્ડની મંત્રણા યોજાઇ ચૂકી છે. બ્રિટનના વડાપ્રધાન બન્યા બાદ તરત રિશી સુનાકે જણાવ્યું હતું કે, તેઓ તેમના પુરોગામી લિઝ ટ્રસ કરતાં વેપાર મામલે અલગ જ અભિગમ અપનાવશે.


