સુનાકનું બજેટ ૨૦૨૧-- મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ

Wednesday 03rd November 2021 07:04 EDT
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે ૨૭ ઓક્ટોબર બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં તેમના પ્રથમ સંયુક્ત બજેટ અને સ્પેન્ડિંગ રિવ્યૂની રજૂઆત કરી હતી. તેમણે અર્થતંત્રમાં વૃદ્ધિ, નોકરીઓમાં વધારો તેમજ દેવાંમાં ઘટાડાની વાત કરી છે. સુનાકના બજેટના મહત્ત્વપૂર્ણ મુદ્દાની ઝલક આ સાથે રજૂ કરી છેઃ

• હેવી ગુડ઼્ઝ વ્હીકલ્સ (HGV) પરની વ્હીકલ એક્સાઈઝ ડ્યૂટી વધુ એક વર્ષ સ્થગિત કરાઈ છે. લોરી પાર્કિંગ સુવિધાઓને સુધારવા નવું ભંડોળ ઉભું કરાશે • આગામી વર્ષના એપ્રિલથી નેશનલ લિવિંગ વેજ પ્રતિ કલાક ૮.૯૧ પાઉન્ડથી વધારીને ૯.૫૦ પાઉન્ડ થશે • યુનિવર્સલ ક્રેડિટમાં ૨.૨ બિલિયન પાઉન્ડના સુધારાથી બે મિલિયન પરિવારોને લાભ થશે • બિયર અને શેમ્પેઈન પરની ડ્યૂટીમાં ઘટાડો થશે. જોકે, અન્ય વાઈન્સ મોંઘા બનશે • તમામ તમાકુ ઉત્પાદનો પર તત્કાળ અસરથી ડ્યૂટી વધારાઈ છે • સતત ૧૨મા વર્ષે ફ્યૂલ ડ્યૂટીમાં કોઈ વધારો કે ઘટાડો કરાયો નથી • બેન્કોના પ્રોફિટ્સ પરનો ૮ ટકાનો સરચાર્જ ઘટાડીને ૨૦૨૩થી ૩ ટકા કરાશે જેથી કોર્પોરેશન ટેક્સ વધે ત્યારે બેન્કોને ઊંચો ટેક્સબોજો સહન કરવાનો ન થાય • ઈંગ્લેન્ડમાં શાળાઓ માટે વધારાના ૨ બિલિયન પાઉન્ડનું ભંડોળ મળશે • અસુરક્ષિત ક્લેડિંગ દૂર કરવા ૫ બિલિયન પાઉન્ડનું ફંડ સ્થાપવા પ્રોપર્ટી ડેવલપર્સ ને ૨૫ મિલિયન પાઉન્ડથી વધુ નફા પર ૪ ટકાના દરે લેવી લાગુ કરાશે • NHSને કોવિડ બેકલોગ ક્લીઅર કરવા નવા સાધનો અને નવી ફેસિલિટીઝની ચૂકવણી કરવા વધારા ૬ બિલિયન પાઉન્ડ અપાશે • ૧.૮ બિલિયન પાઉન્ડના ભંડોળના ભાગરુપે ફૂટબોલની ૨૦૦૦ પીચની સમકક્ષ બ્રાઉનફિલ્ડ સાઈટ્સને હાઉસિંગના પ્લોટ્સમાં ફેરવી નખાશે •૨.૬ બિલિયન પાઉન્ડના ભંડોળની ફાળવણી વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાત અને અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે કરાશે • આશરે ૭ બિલિયન પાઉન્ડના ભંડોળ સાથે લંડનની બહાર ટ્રાન્સપોર્ટના લેવલિંગ અપ પાછળ ટ્રામ સુધારણા સહિત વિવિધ પ્રોજેક્ટ્સ માટે ખર્ચા કરાશે • હેલ્થ એન્ડ સોશિયલ કેર ડિપાર્ટમેન્ટને જેનોમ સિકવન્સિંગ જેવાં ક્ષેત્રોમાં સંશોધન અને વિકાસ તેમજ આરોગ્યની અસમાનતા હલ કરવા માટે આગામી ત્રણ વર્ષમાં ૫ બિલિયન પાઉન્ડની ફાળવણી થશે • ૧૬થી વધુ વય તથા વયસ્કોને પાછલી જિંદગીમાં શિક્ષણ મેળવવા ‘સ્કિલ્સ રેવોલ્યુશન’ સહાય તરીકે ૩ બિલિયન પાઉન્ડની રોકડ ફાળવણી • લંડનના V&A મ્યુઝિયમ, ટેટ લિવરપૂલ અને ડક્સફોર્ડમાં ઈમ્પિરિયલ વોર મ્યુઝિયમ સહિતના મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળોના પુનર્સ્થાપન માટે ત્રણ વર્ષમાં ૮૫૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાશે • થીએટર્સ, ઓરકેસ્ટ્રાઝ, મ્યુઝિયમ્સ અને ગેલેરીઝને કોવિડમાંથી બહાર આવવા અપાયેલી કરરાહતો એપ્રિલ ૨૦૨૩ સુધી બમણી રહેશે તેમજ એપ્રિલ ૨૦૨૪ સુધી ટેક્સનો સામાન્ય દર લાગુ કરાશે નહિ. કલ્ચર ક્ષેત્ર માટેની કરરાહતો આશરે ૨૫૦ મિલિયન પાઉન્ડની રહેશે • બ્રિટિશ સરહદોની રક્ષાની સુધારણા માટે ૭૦૦ મિલિયન પાઉન્ડના રોકાણના હિસ્સામાંથી બોર્ડર ફોર્સના જૂના જહાજો બદલી નવા કટર્સને સ્થાન અપાશે • ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલીટી અનુસાર આગામી વર્ષમાં ઈન્ફ્લેશન સરેરાશ ૪ ટકા રહેશે જે સપ્ટેમ્બર મહિનામાં ૩.૧ ટકા હતું • અર્થતંત્રમાં આ વર્ષે ૬.૫ ટકાની વૃદ્ધિ અને ૨૦૨૨માં ૬ ટકા વૃદ્ધિની આગાહી બેરોજગારીની આગાહી ૫.૨ ટકાની કરાઈ છે • ફોરેન એઈડ બજેટ ૨૦૨૪/૨૫ સુધીમાં ફરી જીડીપીના ૦.૭ ટકાનું કરાશે જેને ઘટાડીને ૦.૫ ટકા કરાયું હતું • સ્પેન્ડિંગ રિવ્યૂના ભાગરુપે તમામ વ્હાઈટહોલ વિભાગોને સમગ્રતયા ખર્ચામાં વાસ્તવિક વધારા સાથે કુલ ૧૫૦ બિલિયન પાઉન્ડ મળશે • કરજની ટકાવારી જીડીપીના ૭.૯ ટકાથી ઘટી આગામી વર્ષે ૩.૩ ટકા થશે તેમજ આ પછીના વર્ષોમાં અનુક્રમે ૨.૪ ટકા, ૧.૭ ટકા અને ૧.૫ ટકા રહેવાની આગાહી કરાઈ છે • કેપિટલ હેલ્થ સ્પેન્ડિંગમાં ૪.૨ બિલિયન પાઉન્ડનો વધારો કરાશે તેની સાથે વર્તમાન પાર્લામેન્ટની મુદતમાં કુલ ૧૧.૨ બિલિયન પાઉન્ડનો રોકડ ખર્ચ થશે • હેલ્થ કેરમાં રિસોર્સ સ્પેન્ડિંગ વર્તમાન પાર્લામેન્ટની મુદતના અંત સુધીમાં ૪૪ બિલિયન પાઉન્ડના વધારા સાથે કુલ ૧૭૭ બિલિયન પાઉન્ડથી વધી જશે • સપોર્ટિંગ ફેમિલીઝ પ્રોગ્રામમાં વધારાના ૨૦૦ મિલિયન પાઉન્ડ તેમજ પરિવારો માટે સ્ટાર્ટ ફોર લાઈફ ઓફરમાં ૩૦૦ મિલિયન પાઉન્ડના રોકાણના પરિણામે આશરે ૩૦૦,૦૦૦ પરિવારોને લાભ થશે • મહામારીના લીધે ગુમાવાયેલા શિક્ષણ મુદ્દે શાળા અને કોલેજોને ૧.૮ બિલિયન પાઉન્ડની મદદ સાથે એજ્યુકેશન રીકવરી સપોર્ટ કુલ ૫ બિલિયન પાઉન્ડ જેટલો થશે. વિશિષ્ટ શૈક્ષણિક જરૂરિયાતો અને અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓને ભંડોળમાં નોંધપાત્ર વૃદ્ધિ • ચાઈલ્ડકેર પ્રોવાઈડર્સને ૨૦૨૪-૨૫ સુધીમાં વધારાના ૧૭૦ મિલિયન પાઉન્ડ અપાશે • ૧.૭ બિલિયન પાઉન્ડના લેવલિંગ અપ ફંડમાંથી ૧૦૦થી વધુ સ્થાનિક વિસ્તારોમાં રોજિંદા જીવન માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણો કરવામાં આવશે. આ ફંડમાં સ્કોટલેન્ડ માટે ૧૭૦ મિલિયન પાઉન્ડ, વેલ્સ માટે ૧૨૦ મિલિયન પાઉન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડ માટે ૫૦ મિલિયન પાઉન્ડનો સમાવેશ થાય છે • ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં બસીસ, સાયકલિંગ અને વોકિંગ માટે ૫ બિલિયન પાઉન્ડથી વધુ ફાળવાશે • ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડના એરપોર્ટ્સ વચ્ચે ફ્લાઈટ્સ એપ્રિલ ૨૦૨૩થી શરૂ કરાશે જેમાં એર પેસેન્જર ડ્યૂટીનો નવો નીચો દર લાગુ પડશે. ૫,૫૦૦ માઈલ્સથી વધુની ફ્લાઈટ્સ માટે ૯૧ પાઉન્ડના દર સાથે અલ્ટ્રા લોન્ગ હોલ બેન્ડ લાગુ થશે • ડિસેમ્બરમાં બંધ થનારા ૧ મિલિયન પાઉન્ડના એન્યુઅલ ઈન્વેસ્ટમેન્ટ એલાવન્સને માર્ચ ૨૦૨૩ સુધી લંબાવાયું છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter