સુનાકનું ‘સ્પેન્ડ નાઉ, પે લેટર’ બજેટઃ ફર્લો સ્કીમ લંબાવવા સહિત બેઈલ આઉટ પેકેજીસઃ

ફર્લો સ્કીમ સપ્ટેમ્બરના અંત સુધી યથાવતઃ જૂન મહિના સુધી બિઝનેસ રેટ હોલીડેઃ વધુ છ મહિના માટે ૨૦ પાઉન્ડની યુનિવર્સલ ક્રેડિટ અને સ્ટેમ્પ ડ્યૂટી હોલીડેઃ કોર્પોરેશન ટેક્સ વધશે

Thursday 04th March 2021 04:31 EST
 
 

 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે કોરોના વાઈરસ મહામારીની મંદીમાં સપડાયેલા બ્રિટિશ અર્થતંત્રને કળણમાંથી બહાર કાઢવાના મહત્ત્વપૂર્ણ પ્રયાસરુપે ૩ માર્ચ, બુધવારે હાઉસ ઓફ કોમન્સ સમક્ષ બજેટ રજૂ કર્યું હતું. તેમણે જેના પર ભારે મદાર રખાયો છે તેવી ફર્લો સ્કીમને સપ્ટેમ્બરના અંત સુધી યથાવત રાખવાની જાહેરાત સાથે વધુ છ મહિના માટે ૨૦ પાઉન્ડની યુનિવર્સલ ક્રેડિટ, બિઝનેસીસ માટે નવી રિકવરી લોન, જૂન મહિના સુધી બિઝનેસ રેટ હોલીડે અને તે પછીના સમયગાળા માટે ડિસ્કાઉન્ટ રેટ, હોસ્પિટાલિટી સેક્ટર માટે પાંચ ટકા VAT રેટ સપ્ટેમ્બર સુધી લંબાવવા, પાંચ ટકા ડિપોઝીટ સાથેના લોકો માટે મોર્ગેજ ગેરન્ટી સ્કીમ, જૂન મહિના સુધી સ્ટેમ્પ ડ્યૂટી હોલીડે સહિતના બેઈલઆઉટ પેકેજ પણ જાહેર કર્યા છે. સ્વરોજગાર લોકો માટેની યોજના પણ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે.તેમણે ઈન્કટેક્સની મર્યાદાને ૨૦૨૬ સુધી યથાવત રાખવાની સાથે જ જૂન ૨૦૨૩થી કોર્પોરેશન ટેક્સને વધારી ૨૫ ટકા સુધી લઈ જવાની જાહેરાત કરી હતી. ફર્લો સ્કીમથી ટ્રેઝરીને ૬૫ બિલિયન પાઉન્ડનો કુલ બોજો આવશે.

અર્થતંત્રને ગંભીર નુકસાન થયું છે

વર્ષ ૨૦૨૬ સુધીમાં વધુ એક મિલિયન વર્કર્સ ટેક્સના ઊંચા દરની જાળમાં આવી જશે અને અત્યાર સુધી ટેક્સ સિસ્ટમની બહાર રહેલા વધુ ૧.૩ મિલિયન લોકો બેઝિક દરથી ટેક્સ ચૂકવતા થઈ જશે.કોરોના મહામારીના પ્રત્યાઘાત સામે સરકાર દ્વારા કુલ ખર્ચ આગામી વર્ષના અંત સુધીમાં અકલ્પનીય ૪૦૭ બિલિયન પાઉન્ડ થઈ જશે. સુનાકે કહ્યું હતું કે અર્થતંત્રને ગંભીર નુકસાન થયું છે. ૭૦૦,૦૦૦થી વધુ લોકોએ નોકરીઓ ગુમાવી છે અને અર્થતંત્રનું કદ ૧૦ ટકા સંકોચાયું છે જે, ૩૦૦ વર્ષમાં સૌથી વધુ નુકસાન છે તેમજ યુદ્ધકાળ સિવાય સૌથી વધુ કરજ લેવાની ફરજ પડી છે. તેમણે ઉમેર્યું હતું કે આપણા દેશ અને સમગ્ર વિશ્વને આ અસાધારણ પરિસ્થિતિમાંથી બહાર આવતા લાંબો સમય લાગી જશે.

કોવિડ લડાઈનો ભાર બિઝનેસીસ અને મધ્યમવર્ગી લોકોના શિરે

રિશિ સુનાકે ‘સ્પેન્ડ નાઉ, પે લેટર’ બજેટ મારફત બ્રિટનના બિઝનેસીસ અને લાખો મધ્યમવર્ગી લોકો માટે સ્પષ્ટ કર્યું છે કે કોવિડ-૧૯ વિરુદ્ધ સરકારની એક વર્ષની લડાઈની તેમણે કિંમત ચૂકવવાની થશે. સુનાકના બજેટમાં ઈકોનોમી માટે લાઈફ સપોર્ટ અને ૧૯૯૩ પછી સૌથી મોટા ટેક્સવધારાનો સમાવેશ કરાયો છે. સુનાકે જણાવ્યું હતું કે શાંતિકાળના ઈતિહાસમાં બે વર્ષમાં બજેટખાધ સૌથી ઊંચી રહેશે. આનો અર્થ એ છે કે પર્સનલ ટેક્સ એલાવન્સીસને સ્થગિત રાખવા અને કોર્પોરેશન ટેક્સને ૨૦૨૩માં એક જ કુદકામાં ૧૯ થી વધારી ૨૫ ટકા કરવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ નથી. ચાન્સેલર સુનાકે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘કશું જ નહિ કરવાનો’ વિકલ્પ યોગ્ય નથી અને અર્થતંત્ર સારી હાલતમાં ન આવે ત્યાં સુધી સંખ્યાબંધ પગલાં અમલી નહિ બનાવાય. ઉલ્લેખનીય છે કે ફર્લો સ્કીમને લંબાવવાનો સમય વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની જૂન ૨૦૨૧થી લોકડાઉનના સંપૂર્ણ અંતના સત્તાવાર લક્ષ્યથી પણ વધી જશે.

મને કર વધારા ગમતા નથીઃ ચાન્સેલર

રિશિ સુનાકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘હું નિખાલસપણે કહું છું કે મને ટેક્સ વધારાય તે ગમતું નથી પરંતુ, યુકેના ૨.૮ ટ્રિલિયન પાઉન્ડના દેવાનાં ડુંગરની સમસ્યાને હલ કરવી જરુરી છે.’ સુનાકે જણાવ્યું હતું કે અર્થતંત્ર પુનઃ ગતિમાં આવે તે માટે તેઓ સંપૂર્ણ નાણાકીય તાકાત સાથે તમામ પ્રયાસો કરશે. ચાન્સેલર સુનાકે ‘કશું જ નહિ કરવાનો’ વિકલ્પ યોગ્ય નહિ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે ૨ મિલિયન વર્કર્સ અને બિઝનેસીસને ટેક્સજાળમાં સમાવી લીધાં છે. બ્રિટન ૧૯૬૦ના દાયકા પછી સૌથી વધુ ટેક્સબોજાનો સામનો કરી રહ્યું છે. ઓફિસ ફોર બજેટ રિસ્પોન્સિબિલિટી અનુસાર GDPની સરખામણીએ ટેક્સનો બોજો ૧૯૬૦ના દાયકા કરતાં પણ વધી જશે. આ બાબતે સુનાકે જણાવ્યું હતું કે રેવન્યુ વધારવાના પગલા લોકપ્રિય નહિ નીવડે તે જાણું છું ગત ૧૦૦ વર્ષમાં અન્ય ચાન્સેલરોએ આવી મહામારી સામે કામ પાર પાડવાનું ન હતું. આપણે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter