સુનાકનો VAT ડ્યૂટીમાં કાપ મૂકવા ઈનકારઃ બજેટમાં ટેક્સવધારો શક્ય

Wednesday 27th October 2021 07:39 EDT
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાક બુધવાર, ૨૭ ઓક્ટોબરે ઓટમ બજેટ રજૂ કરવાના છે ત્યારે તેમણે બ્રિટિશ પરિવારો માટે ફ્યૂલ બિલ્સ પરની VAT ડ્યૂટીમાં કાપ મૂકવા સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ગેસની કિંમતો સાતમા આસમાને પહોંચી છે ત્યારે આ ડ્યૂટીમાં કાપથી પરિવારોને વાર્ષિક ૬૦ પાઉન્ડની રાહત મળી શકી હોત. જોકે, તેમણે ઓછું વેતન ધરાવતા અને પબ્લિક સેક્ટરના ૭ મિલિયન વર્કર્સ માટે પગાર વધારાને સ્થગિત કરવાની યોજના નહિ લંબાવવાનો સંકેત પણ આપ્યો છે.

દેશ સામે કોવિડ કટોકટીના કારણે ૪૦૦ બિલિયન પાઉન્ડનું બિલ થયું છે અને સરકાર અવનવી યોજનાઓ પાછળ ખર્ચા કરી રહી છે ત્યારે વધારાના નાણા ક્યાંથી આવશે તે પણ યક્ષપ્રશ્ન છે. આ બજેટ આવકજાવકના છેડાં મેળવવા ચાન્સેલર માટે જાદુગર બનવા જેવું થઈ રહેશે. સરકાર ટેક્સ વધારી નાણા મેળવશે તેમ જણાવાઈ રહ્યું છે.

બ્રિટિશ પરિવારો જીવનનિર્વાહ ખર્ચ સાથે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે ચાન્સેલર સુનાક પર હાઉસહોલ્ડ એનર્જી બિલ્સની લેવીમાં કાપ મૂકવાનું ભારે દબાણ છે. બીજી તરફ, ટ્રેઝરીના સૂત્રોએ જણાવ્યું હતું કે ડ્યૂટીમાં કાપથી સમૃદ્ધ પરિવારોને જ સબસિડી જેવો લાભ મળશે જ્યારે ગરીબ લોકોને ઘણું ઓછું મળશે. ડ્યૂટીમાં કાપ મૂકાય તો ટ્રેઝરીને ૧.૬ બિલિયન પાઉન્ડનું નુકસાન જશે.

જોકે, મહત્ત્વની બાબત એ છે કે ચાન્સેલર સુનાકે આગામી વર્ષે યુકેના મિનિમમ વેજને પ્રતિ કલાક ૮.૯૧ પાઉન્ડથી વધારી ૯.૫૦ પાઉન્ડ કરવાની ખાતરી ઉચ્ચારી છે. આ વધારાથી લાખો ફૂલટાઈમ વર્કર્સને વધારાના ૧,૦૦૦ પાઉન્ડનો વેતનવધારો મળી શકશે. નર્સીસ, ટીચર્સ અને લશ્કરી દળોના સભ્યો સહિત આશરે ૫.૬ મિલિયન સ્ટાફને એક વર્ષ માટે સ્થગિત કરાયેલા પગારમાંથી રાહત મળશે. ઓછો પગાર ધરાવતા ૨ મિલિયન લોકોને મિનિમમ વેજમાં વધારાનો લાભ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter