સુનાકનો લિટમસ ટેસ્ટ

ટ્રસના ગ્રોથ ગ્રુપમાં 60 સાંસદો સામેલ થતાં સંસદમાં સુનાકની સરસાઇ જોખમમાં

Tuesday 03rd October 2023 14:42 EDT
 

લંડનઃ 60 કન્ઝર્વેટિવ સાંસદો લિઝ ટ્રસની આગેવાની હેઠળના ગ્રોથ ગ્રુપમાં સામેલ થઇ જતાં સંસદમાં સરકારની બહુમતી અત્યંત પાતળી બની ગઇ છે. પૂર્વ કેબિનેટ મંત્રીઓએ વડાપ્રધાન રિશી સુનાકને ચેતવણી આપી છે કે તેઓ યથાસ્થિતિને સ્વીકારી શક્તાં નથી.

માન્ચેસ્ટર ખાતે યોજાઇ રહેલી કન્ઝર્વેટિવ કોન્ફરન્સ ખાતે એક ભરચક મિટિંગમાં લિઝ ટ્રસ અને તેમના સમર્થકોએ એક રેલીનું આયોજન કર્યું હતું અને ચાન્સેલર સમક્ષ કોર્પોરેશન ટેક્સમાં કાપ મૂકવા, પાંચ લાખ નવા મકાનો બનાવવા અને એનર્જી બિલમાં ઘટાડો કરવાની માગ કરી હતી.

માન્ચેસ્ટરમાં એક્ટિવિસ્ટોની સભામાં પહેલીવાર જાહેરમાં દેખાયેલા ટ્રસે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ હવે બિઝનેસની પાર્ટી રહી નથી. સરકાર હવે ઘણી મોટી બની ગઇ છે અને કરવેરા તથા ખર્ચ ઘણા વધી ગયાં છે. પોતાના વિનાશક મિની બજેટ બાદ એક વર્ષ પહેલાં સત્તા પરથી દૂર કરાયેલા ટ્રસે જણાવ્યું હતું કે, સુનાકે અર્થતંત્રના વિકાસ માટે આકરા નિર્ણયો લેવાની ઇચ્છા રાખવી જોઇએ પછી ભલે તે અણગમતા કેમ ન હોય.

પૂર્વ કેબિનેટ મિનિસ્ટર રાનિલ જયવર્દનેએ જણાવ્યું હતું કે, ટ્રસના સહયોગીઓના ગ્રોથ ગ્રુપમાં હવે વધુ 60 સાંસદો સામેલ થયાં છે. સરકાર હાઉસ ઓફ કોમન્સમાં આટલી જ બહુમતી ધરાવે છે. જયવર્દને સ્ટેમ્પ ડ્યુટી નાબૂદ કરવા તો જેકબ રીસ મોગે ઇનહેરિટન્સ ટેક્સ નાબૂદ કરવાની માગ કરી હતી. ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, અમે હવે ડરપોક બની શકતા નથી, અમે જોખમ ટાળી શકતા નથી અને અમે યથાસ્થિતિ સ્વીકારી શકતા નથી. ગયા સપ્તાહમાં 30થી વધુ ટોરી સાંસદોએ જાહેરાત કરી હતી કે તો કરવેરામાં કોઇપણ પ્રકારના વધારાનો વિરોધ કરશે.

લિઝના કાર્યકાળમાં પાર્ટી ચેરમેન રહેલા જેક બેરીએ જણાવ્યું હતું કે, રિશી સુનાકની સરકાર વિરુદ્ધ ઊભા રહેતાં હું ડરતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter