લંડન
ભારતીય મૂળના રિશી સુનાક ભલે બ્રિટનના વડાપ્રધાન બન્યા હોય પરંતુ તેમના સંકેતો ભારતીયો માટે નુકસાનકારક પૂરવાર થઇ શકે છે. સુનાકના પૂરોગામી લિઝ ટ્રસ ઇમિગ્રેશનમાં વધારો કરવાના હિમાયતી હતાં પરંતુ રિશી સુનાકે સ્પષ્ટ સંકેત આપ્યો છે અમે ઇમિગ્રેશન મામલામાં 2019ના કન્ઝર્વેટિવ પાર્ટીના ચૂંટણી ઢંઢેરાને વળગી રહીશું. ઢંઢેરામાં પાર્ટીએ આગામી પાંચ વર્ષમાં ઇમિગ્રેશનની સંખ્યા ઘટાડવાનું વચન આપ્યું હતું.
સુનાકે તેમની કેબિનેટમાં ઇમિગ્રેશન મામલાઓ પર કામ કરતા ગૃહમંત્રાલયમાં ફરી એકવાર સુએલા બ્રેવરમેનની નિયુક્તિ કરી છે. આ પહેલાં લિઝ ટ્રસના કાર્યકાળમાં હોમ સેક્રેટરી રહેલા સુએલા બ્રેવરમેન ઇમિગ્રેશનમાં વધારો કરવાના મામલે ટ્રસ સામે ટકરાયાં હતાં. તેમણે ઇમિગ્રેશનમાં વધારો કરવાનો ઉગ્ર વિરોધ કરતાં રાજીનામુ આપવાની ફરજ પડી હતી. લિઝ ટ્રસ દેશમાં કામદારોની અછત દૂર કરવા માટે વર્ક પરમિટ વિઝાના નિયમોમાં સુધારા કરવા ઇચ્છતા હતા.
ટ્રસની વિદાય બાદ ફરી એકવાર બ્રેવરમેન હોમ ઓફિસમાં આવી ગયાં છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટે શુક્રવારે જાહેરાત કરી હતી કે ઇમિગ્રેશન સુધારા માટેના તમામ પ્રસ્તાવો અને યોજના રદ કરી દેવાયાં છે. પીએમ સુનાકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પૂરા કરવા અમારે માટે મહત્વનું છે. પીએમ સુનાક આ મામલા પર સ્પષ્ટ મંતવ્ય ધરાવે છે. અમે ઇમિગ્રેશનમાં ઘટાડો કરવાની તરફેણ કરીએ છીએ. વડાપ્રધાન સરહદો પર ચાંપતો બંદોબસ્ત રાખીને ઇમિગ્રેશનમાં ઘટાડો કરવા પ્રતિબદ્ધ છે. તેઓ બ્રિટન માટે શ્રેષ્ઠ એવી ઇમિગ્રેશન નીતિ અમલી બનાવવા ઇચ્છે છે.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હજુ સુનાકે નેટ માઇગ્રેશનની સંખ્યા નક્કી કરી નથી. આ સંખ્યા બ્રિટનમાં આવીને સ્થાયી થતાં અને બ્રિટન છોડીને વિદેશમાં સ્થાયી થતા લોકોની સંખ્યા વચ્ચેના તફાવતને આધારે નક્કી કરાય છે.
સુનાકે ભારતીયોના ઇમિગ્રેશન પર સવાલો કરનારા બ્રેવરમેનને જ ફરી હોમ સેક્રેટરી બનાવ્યાં
રિશી સુનાકે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની ઇમિગ્રેશન અંગેની જોગવાઇઓ સામે વાંધા ઉઠાવનારા સુએલા બ્રેવરમેનને જ ફરી એકવાર હોમ સેક્રેટરી બનાવ્યાં છે તેના કારણે આ કરાર મુશ્કેલ બની રહેવાની સંભાવના છે. ભારતીય મૂળના જ સુએલા બ્રેવરમેને એગ્રીમેન્ટમાં ભારતીયોને અપાનારા વિઝા અંગે સવાલો ઉઠાવતાં આરોપ મૂક્યો હતો કે વિઝાની મુદત પૂરી થઇ ગયા પછી પણ રોકાઇ જનારાઓમાં સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. તેમના આ નિવેદન બાદ મોટો વિવાદ સર્જાયો હતો. સુએલા બ્રેવરમેન બ્રિટનમાં ઇમિગ્ર્ન્ટ્સની સંખ્યા ઘટાડવાના પ્રખર હિમાયતી છે.


