સુનિલ મિત્તલે બ્રિટિશ ટેલિકોમમાં 24.5 ટકા હિસ્સો ખરીદ્યો

ભારતી એન્ટરપ્રાઇઝના 3.2 બિલિયન પાઉન્ડના રોકાણના કારણે બીટીના ભવિષ્યના આયોજનોમાં મદદ મળી રહેશેઃ વિક્રમ દોરાઇસ્વામી

Tuesday 13th August 2024 11:57 EDT
 
 

લંડનઃ સુનિલ મિત્તલની માલિકીના ભારતી એન્ટરપ્રાઇઝે યુકેની સૌથી મોટી મોબાઇલ અને બ્રોડબેન્ડ પ્રોવાઇડર કંપની બ્રિટિશ ટેલિકોમમાં 24.5 ટકા હિસ્સો ખરીદ્યો છે. બીટી ગ્રુપે જણાવ્યું હતું કે, કંપનીના ભવિષ્ય અને વ્યૂહરચનામાં ભારતી ગ્લોબલ દ્વારા ખરીદાયેલો મહત્વનો હિસ્સો આત્મવિશ્વાસ વધારનારો બની રહેશે. ભારતી ગ્લોબલ ભારતી એન્ટરપ્રાઇઝની આંતરરાષ્ટ્રીય રોકાણ કંપની છે. ભારતી ગ્લોબલે એલ્ટાઇસ યુકે પાસેથી આ હિસ્સો ખરીદ્યો છે. સુનિલ મિત્તલે આ રોકાણને ભારતી એન્ટરપ્રાઇઝ માટે મહત્વનો માઇલ સ્ટોન ગણાવ્યું હતું. પેટ્રિક દારહીનું દેવામાં ડૂબેલું એલ્ટાઇસ ગ્રુપ બીટીમાંથી તેનો 24.5 ટકાનો હિસ્સો વેચવા ઇચ્છતું હતું. સુનિલ મિત્તલ અને તેમનું ગ્રુપ આ હિસ્સો 3.2 બિલિયન પાઉન્ડમાં ખરીદવા તૈયાર થયું હતુ.

યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ પણ આ સોદાને આવકારતાં જણાવ્યું હતું કે, ભારતી એન્ટરપ્રાઇઝના રોકાણના કારણે બીટીના ભવિષ્યના આયોજનોમાં મદદ મળી રહેશે. આ કરાર ભારત અને યુકે વચ્ચેના ટેકનોલોજી સિક્યુરિટી કરાર બાદ કરવામાં આવ્યો છે. ગ્રાન્ટ થોર્ટન દ્વારા કરાયેલા એક રિસર્ચ પ્રમાણે 2024માં યુકેમાં 971 ભારતીયોની માલિકીની કંપનીઓ છે.

બ્રિટનમાં ભારતીયોની માલિકી અને હિસ્સો ધરાવતી મહત્વની કંપનીઓ

ટાટા ગ્રુપ – જેગુઆર લેન્ડ રોવર, પોર્ટ તાલબોટ સ્ટીલ પ્લાન્ટ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી – ફેરાડિયન લિમિટેડ, ટોય સ્ટોર ચેઇન હેમલેઝ

વિપ્રો – કેપ્કો

આઇશર મોટર્સ – રોયલ એન્ફિલ્ડ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા – બીએસએ મોટરસાઇકલ

ટીવીએસ મોટર્સ – નોર્ટન, ઇબીસીઓ લિમિટેડ

વાધવાન ગ્લોબલ કેપિટલ – બ્રિટિશ ડિજિટલ બેન્ક ઝોપા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter