લંડનઃ હૃદયરોગના કારણે થયેલા મોતની તપાસ કરવાનો ઇનકાર કરી દેવાતા રસ્તોગી પરિવારમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. 39 વર્ષીય સુનિલ રસ્તોગીનું ફેબ્રુઆરી 2025માં સાઉથમીડ હોસ્પિટલમાં કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થયું હતું. સુનિલની પત્ની પ્રિયા રસ્તોગીનો આરોપ છે કે સુનિલની સારવારમાં બેદરકારી દાખવવામાં આવી હતી. હવે પ્રિયા એનએચએસ સામે કાયદાકીય પગલાં લેવાની તૈયારી કરી રહી છે.
બીજીતરફ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ સર્વિસે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, રસ્તોગીના નિધનની સંપુર્ણ સમીક્ષા કરવામાં આવી છે અને તેના તારણો પરિવારને જણાવી દેવાયાં છે. એવોન કોરોનર કોર્ટે સંપુર્ણ તપાસ કરાવવાનો શા માટે ઇનકાર કર્યો તેની વિગતો આપી નથી. ડેપ્યુટી કોરોનર પીટર હેરોઇંગે જણાવ્યું હતું કે, હું વ્યક્તિગત કેસો પર ટિપ્પણી કરી શક્તો નથી.
સુનિલ અને પ્રિયા તેમના બે સંતાન સાથે સાઉથ ગ્લુસેસ્ટરશાયરમાં છેલ્લા 3 વર્ષથી વસવાટ કરતા હતા. પ્રિયા અને તેના બે સંતાનના વિઝા સુનિલની જોબ સાથે સંકળાયેલા હતા તેથી હવે તેઓ દેશનિકાલનો સામનો કરી રહ્યાં છે. જોકે હાલ તેઓ ભારત પરત ફરી ચૂક્યાં છે. રસ્તોગીના પરિવારનો દાવો છે કે સુનિલની સ્થિતિ અત્યંત ગંભીર હોવા છતાં તેના પર કોઇએ ધ્યાન આપ્યું નહોતું.


