સુપરમાર્કેટ ચેઈન અસ્ડાનું ‘શોપિંગ’ કરતા ઈસાબંધુ

Tuesday 06th October 2020 15:50 EDT
 
 

લંડનઃ આપણે બધા નાનીમોટી ચીજવસ્તુઓનું શોપિંગ કરવા માટે સુપરમાર્કેટ અસ્ડામાં જતાં હોઇએ છીએ, પરંતુ બિલિયોનેર ઈસાબંધુની વાત અલગ છે. આ ધનકુબેરોએ તો આખેઆખી અસ્ડા સુપરમાર્કેટ ચેઇનનું જ ‘શોપિંગ’ કરી નાંખ્યું છે.
સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ અનુસાર યુકેના સૌથી ધનાઢ્યોમાં ૩.૫૬ બિલિયન પાઉન્ડની સંપત્તિ સાથે ૪૩મો ક્રમ ધરાવતા ગુજરાતી બિલિયોનેર્સ બંધુ - ઝુબેર અને મોહસીન ઈસાએ દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી સુપરમાર્કેટ ચેઈન અસ્ડા ખરીદી છે. ઈસાબંધુએ આ રિટેઇલ ચેઈન ખરીદવા વોલમાર્ટ સાથે ૮.૮ બિલિયન ડોલર (૬.૮ બિલિયન પાઉન્ડ)માં સોદો કર્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં ઈસા બંધુઓ એશિયન એચિવર્સ એવોર્ડસની ‘બિઝનેસ પર્સન ઓફ ધ યર’ની કેટેગરીમાં નોમિનેટ થયા હતા.

યુકેની ત્રીજા નંબરની સુપરમાર્કેટ ચેઈન

મૂળ ગુજરાતી બિલિયોનેર ભાઈઓ મોહસીન (૪૯) અને ઝુબેર ઇસા (૪૮)એ બ્રિટનની અગ્રણી સુપરમાર્કેટ ચેઇન અસ્ડાને ખરીદી લેવા પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ TDR કેપિટલ સાથે મળીને વોલમાર્ટ સાથે ૮.૮ બિલિયન ડોલર (૬.૮ બિલિયન પાઉન્ડ)ની સમજૂતી કરી છે. ઈસાબંધુએ જણાવ્યું હતું કે કસ્ટમર્સને હવે EGના ૩૪૦ યુકે પેટ્રોલ સ્ટેશન સહિત સંખ્યાબંધ કન્વિનિયન્સ સ્ટોર્સમાં મહત્ત્વનું વિસ્તરણ જોવાં મળશે.
યુકેની ત્રીજા નંબરની સુપરમાર્કેટ ચેઈન અસ્ડાને ૧૯૯૯માં વોલમાર્ટે ટેઇકઓવર કરી હતી. અમેરિકામાં એમેઝોન સામે પોતાની સ્થિતિ મજબૂત કરવા સુપરમાર્કેટ ગ્રૂપ વોલમાર્ટે તેની માલિકીની અસ્ડાની મિલકતો વેચવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા. નોંધનીય છે કે અસ્ડા અને સેઈન્સબરી વચ્ચે ૧૮ મહિનાથી મર્જરની વાટાઘાટો ચાલતી હતી પણ તેમાં સફળતા મળી ન હતી.

બે દસકા બાદ બ્રિટનની કંપની હસ્તક માલિકી

આ સોદાની જાહેરાત કરતા વોલમાર્ટે જણાવ્યું છે કે અસ્ડાનું વડું મથક ઉત્તર ઇંગ્લેન્ડના લીડ્ઝમાં જ રહેશે અને રોજર બર્નલી તેના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે પણ ચાલુ રહેશે. વોલમાર્ટ લઘુમતી હિસ્સો જાળવી રાખવા સાથે બોર્ડમાં એક સીટ પણ મેળવશે.
ચાન્સેલર રિશિ સુનાકે પણ આ ડીલ અંગે રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગત બે દાયકાની અમેરિકી માલિકી પછી પ્રથમ વખત અસ્ડાની માલિકી બ્રિટનની કંપની હસ્તક આવી છે. બીજી તરફ બ્લેકબર્નના રહેવાસી મોહસીન અને ઝુબેર ઈસાએ પણ અસ્ડામાં રોકાણ કરવા બદલ ગર્વ વ્યક્ત કર્યો છે.

૩ વર્ષમાં ૧ બિલિયન પાઉન્ડનું રોકાણ

નવા માલિકો આગામી ત્રણ વર્ષમાં એક બિલિયન પાઉન્ડનું રોકાણ કરવા પણ કટિબદ્ધ છે. તેમના EG ગ્રૂપે ૨૦૧૦માં યુકેમાં સર્વપ્રથમ સ્ટારબક્સ ડ્રાઈવ-થ્રુની શરૂઆત કરી હતી. હવે તેમની પાસે ૧૨૫ સ્ટારબક્સ સ્ટોર્સ છે અને યુકેમાં ૧૨૫ આઉટલેટ સાથે KFCના સૌથી મોટા ફ્રેન્ચાઈઝ ઓપરેટર છે.

૭૦ના દસકામાં ગુજરાતથી બ્રિટન

ઇસા પરિવાર ૧૯૭૦ના દાયકામાં ગુજરાતમાંથી બ્રિટન આવ્યા પછી બ્લેકબર્નમાં બે બેડરૂમ ટેરેસમાં તેમનો ઉછેર થયો હતો. તેમના પિતા વલીએ ગાર્મેન્ટ સેક્ટરમાં કામ કર્યું હતું. ઝુબેર અને મોહસીન ઇસાએ ૨૦૦૧માં ૧૫૦,૦૦૦ પાઉન્ડમાં બરીમાં એક ગેરેજ ખરીદ્યું હતું અને પછી, ઇજી ગ્રૂપ બિઝનેસ હેઠળ પેટ્રોલ સ્ટેશનની ચેઇન યુરો ગેરેજ શરૂ કરી હતી.

૨૦ બિલિયન પાઉન્ડનું ટર્નઓવર

આજે વાર્ષિક ૨૦ બિલિયન પાઉન્ડના ટર્નઓવર સાથે વિશ્વભરમાં કન્વીનિયન્સ સ્ટોર્સ અને ૩૩,૦૦૦ના સ્ટાફ સાથે તેમની ૬,૦૦૦થી વધુ સાઈટ્સ ૧૦ દેશમાં ફેલાયેલી છે. રસપ્રદ બાબત એ પણ છે કે સલાહકારોએ ઈસાબંધુઓને તેમની કંપની EG Groupનું વડું મથક લંડન અથવા માન્ચેસ્ટર ખસેડવા સલાહ આપી હતી પરંતુ, ઝૂબેર ઈસા કહે છે કે, ‘અમને અમારા લેન્કેશાયરના વારસાનો ગર્વ છે અને અમે અત્યાર સુધી આવા બધા સૂચનોનો વિરોધ કર્યો છે.’ ઈસાભાઈઓએ બ્લેકબર્નમાં ૩૫ મિલિયન પાઉન્ડની નવી હેડ ઓફિસ બનાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter