સુપરમાર્કેટ્સ અને ફૂડ સ્ટોર્સમાં હજારો કર્મચારીની ભરતી શરૂ

Wednesday 25th March 2020 01:28 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ રોગચાળો ફાટી નીકળવાના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા અને સંગ્રહ કરવા લોકોએ સુપરમાર્કેટમાં કતારો લગાવી દીધી છે. ખરીદીના અભૂતપૂર્વ ધસારાને પહોંચી વળવા સુપરમાર્કેટ્સ દ્વારા તાકીદના ધોરણે હજારો લોકોનો સ્ટાફ ભરતી કરવાની જાહેરાતો પણ કરાઈ છે. રીટેઈલિંગ, હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી તેમજ અન્ય ક્ષેત્રોમાં સ્ટાફને લે-ઓફ અપાય છે ત્યારે સુપરમાર્કેટ્સ તેમની ખાલી અભરાઈઓ પર સ્ટોક ભરવા અને મજબૂર ગ્રાહકોને ખાદ્યપદાર્થોની ડિલિવરી કરી શકાય તે માટે વર્કર્સની ભરતી કરવા આગળ આવ્યાં છે.

ગભરાટમાં આવેલા ગ્રાહકોએ મોટા ભાગના સ્ટોર્સની અભરાઈઓ ખાલી કરી નાખી છે. મોરિસન્સ. આઈસલેન્ડ, ટેસ્કો, લિડલ અને કો-ઓપ સ્ટોર્સ દ્વારા જણાવાયું છે કે લોકોની માગને પહોંચી વળવા માટે તેમને કાયમી અને કામચલાઉ સ્ટાફની ભરતી કરવા તાકીદે જરૂર છે. કો-ઓપ સ્ટોર્સને ૫૦૦૦ હંગામી અને કાયમી સ્ટાફની જરૂર છે. તેમણે ઉમેદવારોને નજીકના ડેપો અથવા સ્ટોર્સમાં અરજી સાથે પહોંચી જવા જણાવ્યું છે. જ્યારે, મોરિસન્સને આશરે ૨૫૦૦ ડ્રાઈવર્સ અને પિકર્સ તેમજ ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ માટે અન્ય ૧૦૦૦ના સ્ટાફની આવશ્યકતા જણાય છે. લિડલ સ્ટોર્સે બ્રિસ્ટોલ તેમજ સાઉથ વેસ્ટમાં  હંગામી સ્ટોક આસિસ્ટન્ટ્સ માટે ચાર સપ્તાહનો કોન્ટ્રાક્ટ ઓફર કરતી જાહેરાતો ફેસબૂક પર મૂકી છે. સીરિયલ જાયન્ટ કેલોગ્સને પણ માન્ચેસ્ટર ફેક્ટરીમાં ઉત્પાદન વધારવા વર્કર્સની જરૂર છે.

આ વધારાની ભરતી સુપરમાર્કેટ્સની ખાલી અભરાઈઓ ભરવા, દરેક ગ્રાહકોને વેચાતી આઈટમ્સને મર્યાદિત રાખવા તેમજ જરૂરી ખાદ્યપદાર્થોના ઉત્પાદનોને વધારવા હેતુસરની છે. બાર, પબ્સ અને રેસ્ટોરાં સહિતની દુકાનો બંધ કરાઈ છે ત્યારે હજારો કર્મચારી નોકરી વિનાના થયા છે. તેઓ માટે આ સારી તક બની રહેશે. આ ભરતી અભિયાનથી સુપરમાર્કેટ્સમાં કામ કરતા વર્તમાન કર્મચારીઓને કામના બોજમાં રાહત મળવા સાથે વધુ લોકોને તેમના ઘેર જ સામાન પહોંચાડી શકાશે. સામાન્ય કરતા ખરીદીના ૧૦૦ ગણા ધસારાના કારણે મોટા ભાગના ઓનલાઈન સ્ટોર્સની પણ ડિલિવરી સેવા ખોરવાઈ ગઈ છે. ઘણા સ્ટોર્સે તો ઓર્ડર લેવાનું બંધ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter