સુપરમાર્કેટ્સને ફૂડ અને અન્ય ચીજવસ્તુનો સંગ્રહ કરવા સૂચના

Wednesday 16th December 2020 01:15 EST
 
 

લંડનઃ ત્રણ સપ્તાહના સમયગાળામાં ‘નો ડીલ બ્રેક્ઝિટ’ની સંભાવના વચ્ચેયુકેના સુપરમાર્કેટ્સને મહત્ત્વપૂર્ણ ફૂડ સપ્લાય તેમજ અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાની સૂચના અપાઈ છે. મોટા ભાગના સુપરમાર્કેટ્સમાં પેનિક બાઈંગ (ગભરાટપૂર્ણ ખરીદી) શરુ થઈ છે. આના પરિણામે, રીટેઈલર્સ અને સપ્લાયર્સે પણ સ્ટોક સંગ્રહ કરવા માંડ્યો છે. ૨૦૨૧ના નવા વર્ષની શરુઆતથી જ મોટા ભાગે ઈયુ દેશોમાંથી આવતા શાકભાજીની અછત વર્તાવા લાગે તેવી દહેશત પણ છે.

‘નો ડીલ બ્રેક્ઝિટ’ના પરિણામે ઈકોનોમીના જે ક્ષેત્રોને સૌથી ખરાબ અસર થવાની છે તેમના માટે મિનિસ્ટર્સે ૧૦ બિલિયન પાઉન્ડનું બચાવ પેકેજ તૈયાર કર્યું છે. આ ક્ષેત્રોમાં ખેડૂતો અને ફૂડ ઉત્પાદકો, કેમિકલ સપ્લાયર્સ, કાર ઈન્ડસ્ટ્રી અને ફીશિંગ કાફલાનો સમાવેશ થાય છે.

સુપરમાર્કેટ ઈન્ડસ્ટ્રીના સૂત્રે સન્ડે ટાઈમ્સને જણાવ્યું હતું કે, એક સપ્તાહ અગાઉની વાતચીતમાં મિનિસ્ટર્સે નો ડીલ માટે તૈયારી રાખવા કહ્યું હતું. આ વીકએન્ડનો સંદેશો એવો છે કે હવે નો ડીલ જ છે. સુપરમાર્કેટ્સ અને મિનિસ્ટર્સને પેનિક બાઈંગની ભારે ચિંતા છે. કોવિડની શરુઆતમાં લોકોએ ટોઈલેટ રોલ્સનો સંગ્રહ કરવા માંડ્યો હતો. હવે નો ડીલ થશે તો કેટલી સંઘરાખોરી કરાશે તેની ચિંતા છે. માંસનો સપ્લાય તો મળશે અને ફલો તો સાઉથ અમેરિકાથી આવે છે પરંતુ, ઓછામાં ઓછાં ત્રણ મહિના સુધી શાકભાજીની અછત સર્જાઈ શકે છે.

જ્હોન્સને નો ડીલ તૈયારીનો હવાલો સંભાળ્યો

ઈયુ સાથેની ઐતિહાસિક મંત્રણા અગાઉ જ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને બ્રિટનની નો ડીલ તૈયારીનો હવાલો પોતાના હસ્તક લઈ લીધો હતો. સરકારી સૂત્રોનું કહેવું હતું કે સરકાર વાટાઘાટો નિષ્ફળ જવાની શક્યતા ૮૦ ટકા હોવાનું માનતી હતી. આ સાથે ઈયુના કડક વલણ માટે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલને જવાબદાર ગણાવાયાં છે. તેઓ સમાધાનના બદલે બ્રિટનને ઘૂંટણીએ પાડવાં મક્કમ હોવાનું મનાય છે. ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબના માનવા અનુસાર ઈયુનો હઠાગ્રહ યુકેની ભાવિ સફળતા બાબતે બ્રસેલ્સના ભયના કારણે સર્જાયો છે. યુકે ઈયુમાંથી બહાર નીકળ્યા પછી વધુ સફળ બનશે અને તેને સ્પર્ધામાં સરસાઈનો પણ ડર છે.

વડા પ્રધાને ચેતવણી આપતા કહ્યું હતું કે યુકે અને ઈયુ કોઈ પણ ટ્રેડ ડીલ વિના ૩૧ ડિસેમ્બરે અલગ પડે તેવી સંપૂર્ણ શક્યતા છે. બ્રેક્ઝિટ પછીના અસ્થિર ટ્રાન્ઝિશન સમયગાળાના અંતે બ્રસેલ્સથી અરાજકતાપૂર્ણ વિભાજન માટે બ્રિટિશ તૈયારીઓને તેઓ વધારી રહ્યા છે. ઈયુની વર્તમાન ડીલ ઓફર અસ્વીકાર્ય ગણાવવા સાથે તેમણે કહ્યું હતું કે તેઓ વાટાઘાટોની મડાગાંઠો તોડવા ઈયુ રાજધાનીઓનો પ્રવાસ કરવા પણ તૈયાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter