સુપ્રીમ કોર્ટમાં બ્રેક્ઝિટ યુદ્ધનો આરંભ

Wednesday 07th December 2016 06:20 EST
 
 

લંડનઃ બ્રિટનની સુપ્રીમ કોર્ટના ૧૧ જજીસ સમક્ષ બ્રેક્ઝિટ કાનૂની લડતનો આરંભ થયો છે. હાઈ કોર્ટના ચુકાદા સામે સરકારની અપીલ પાંચ નવેમ્બરે આરંભાયેલી સુનાવણી ચાર દિવસ સુધી ચાલશે. બ્રિટિશ કાનૂની ઈતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ કેસીસમાં એક તરીકે ગણાવાયેલા આ કેસમાં સુપ્રીમ કોર્ટના પ્રેસિડેન્ટ લોર્ડ ન્યુબર્ગરે બ્રેક્ઝિટવિરોધી કેમ્પેઈનરો સામે ઓનલાઈન એબ્યુઝ વિશે ગંભીર ચેતવણી આપી હતી.

સુનાવણીમાં સામેલ ૧૧ જજીસમાંથી કોઈ સામે વાંધો કે વિરોધ હશે તો તેઓ કામગીરીથી ફારેગ થશે તેવી જાહેરાત પછી કાનૂની લડતમાં સંકળાયેલા તમામ પક્ષકારોએ જજીસને સમર્થન આપ્યું હતું. કહેવાય છે કે ૧૧ જજીસમાંથી ચાર જજ ઈયુ સંસ્થાઓમાં સંકળાયેલા છે, જ્યારે પાંચ જજે ઈયુ અને તેના ધ્યેયો સાથે સહાનુભૂતિ દર્શાવતા મત જાહેર કરેલા છે. જોકે, લોર્ડ ન્યુબર્ગરે સ્પષ્ટ કર્યું હતું કે,‘આ અપીલમાં કાનૂની મુદ્દાઓ સંકળાયા છે અને જજ તરીકે અમારી ફરજ મુદ્દાઓની નિષ્પક્ષ વિચારણા કરવાની અને કાયદા અનુસાર કેસનો નિર્ણય લેવાની છે, જે અમે ચોક્કસપણે કરીશું.’

બ્રેક્ઝિટ પ્રક્રિયા આરંભવા વડા પ્રધાન પાસે સત્તા ન હોવાની ઈન્વેસ્ટમેન્ટ બેન્કર જિના મિલર સહિત રીમેઈન છાવણીના કેમ્પેઈનરોની કાનૂની સજૂઆત સંદર્ભે હાઈ કોર્ટે વડા પ્રધાને સાંસદોની મંજૂરી મેળવવી જોઈશેનો ચુકાદો આપ્યો હતો. સરકારે તેની વિરુદ્ધ કરેલી અપીલની સુનાવણી આરંભાઈ છે. એટર્ની જનરલ જેરેમી રાઈટે હાઈ કોર્ટના ચુકાદાને ખોટો જણાવી કહ્યું હતું કે વડા પ્રધાને જૂન ૨૩ રેફરન્ડમ અંગે કાર્યવાહી કરવી જ રહી. રેફરન્ડમના પરિણામને અમલી બનાવાશે તેવી સાર્વત્રિક અપેક્ષા હોવાથી રીમેઈનની દલીલ અપ્રસ્તુત છે.

બોડીગાર્ડ્સની ફોજ સાથે કોર્ટ આવી પહોંચેલાં જિના મિલરે જણાવ્યું હતું કે કાનૂની યુદ્ધના પરિણામે તેમને મોત અને બળાત્કારની ધમકીઓ મળે છે અને તેઓ કશે જઈ શકતાં નથી.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter