લંડનઃ ડ્યૂક ઓફ સસેક્સે તેઓ યુકેમાં હોય ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થામાં ઘટાડો કરવાના બ્રિટિશ સરકારના નિર્ણયને પડકારતી કોર્ટ ઓફ અપીલ ચેલેન્જમાં પીછેહઠનો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષે યુકેની હાઇકોર્ટે તેના ચુકાદામાં પ્રિન્સ હેરી અને પરિવારની સુરક્ષામાં ઘટાડો કરવાના એક્ઝિક્યુટિવ કમિટી ફોર ધ પ્રોટેક્શન ઓફ રોયલ્ટી એન્ડ પબ્લિક ફિગર્સ દ્વારા લેવાયેલા નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો જેને પ્રિન્સ હેરીએ કોર્ટ ઓફ અપીલમાં પડકાર્યો હતો. ફેબ્રુઆરી 2020માં પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેઘન મર્કેલે બ્રિટિશ રાજવી ફરજોનો ત્યાગ કર્યો ત્યારબાદ તેમને અપાતી સુરક્ષામાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. શુક્રવારે બપોરે સર જ્યોફરી વોસ, લોર્ડ જસ્ટિસ બીન અને લોર્ડ જસ્ટિસ એડિસ દ્વારા આ ચુકાદો જાહેર કરાયો હતો. પ્રિન્સ હેરીએ અદાલતમાં દલીલ રજૂ કરી હતી કે સરકારી સુરક્ષા વિના તેમના માટે પત્ની અને બાળકોને યુકેમાં લાવવા ભયજનક બની રહેશે.
રાજપરિવાર સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવા પ્રિન્સ હેરી ઉત્સુક
પ્રિન્સ હેરીએ જણાવ્યું હતું કે, હું રાજપરિવાર સાથે સમાધાન કરવા અને સંબંધો પુનઃસ્થાપિત કરવા માગુ છું. આ સિક્યુરિટી મામલાના કારણે કિંગ મારી સાથે વાત નહીં કરે પરંતુ હવે હું વધુ લડવા માગતો નથી. મારા અને મારા પરિવાર વચ્ચે ઘણી અસહમતિઓ છે પરંતુ હવે હું એ બધું ભૂલી જવા માગુ છું. મને મારા પરિવાર સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવાનું ગમશે. હવે લડાઇ જારી રાખવાનો કોઇ અર્થ નથી. જીવન ઘણું કિંમતી છે.