લંડનઃ સ્ત્રીઓના માનસિક અને શારીરિક આરોગ્ય વિશે જાગૃતિને વધારવાના કાર્યોની કદરરુપે બ્રિટિશ એશિયન માતા સુષ્મા ભનોટને કોમ્યુનિટી અને લોકકલ્યાણના ક્ષેત્રે ક્વીનના ન્યુ યર ઓનર્સ લિસ્ટમાં MBEની નવાજેશ થઈ છે. દર વર્ષે ચારમાંથી એક વ્યક્તિ માનસિક આરોગ્યની સમસ્યાનો શિકાર બને છે ત્યારે સુષ્મા ભનોટે છેલ્લાં ૧૫ વર્ષ એસેક્સ, લંડન અને સમગ્ર દેશની માનસિક, શારીરિક અને નાણાકીય આરોગ્યની સમસ્યાથી પીડાતી હજારો મહિલાઓને ટેકો આપવામાં વીતાવ્યાં છે.
સુષ્મા ભનોટે શારીરિક, નાણાકીય અને ભાવનાત્મક શોષણનો શિકાર બનેલી અને ખાસ કરીને વંશીય લઘુમતી મહિલાઓ માટે સેંકડો ઓનલાઈન વર્કશોપ્સ, નિઃશુલ્ક રુબરુ સલાહ અને ધાર્મિક સારસંભાળ માટે એકલા હાથે સક્રિયતા દાખવી હતી. તેમણે ઓનલાઈન સેમિનાર અને વર્કશોપ્સ દ્વારા યોગ ક્લાસીસ અને સૌપ્રથમ વખત ઈન્ટરવ્યૂ આપનારી મહિલાઓને માર્ગદર્શન આપવા સાથે સશક્તિકરણ કર્યું હતું. મહામારી દરમિયાન આત્મહત્યાના પ્રયાસનું વિચારતી એક સ્ત્રીને તેમણે મદદ અને હૂંફ આપ્યાં હતાં. તેમણે વિશ્વ માનસિક આરોગ્ય દિન, માનસિક આરોગ્ય જાગૃતિ સપ્તાહ અને વિશ્વ યોગ દિન નિમિત્તે એસેક્સ અને લંડનમાં સક્રિય કામગીરી કરી છે.
સુષ્મા ભનોટે જણાવ્યું હતું કે,‘ આ સન્માન મેળવવું ગૌરવપ્રદ છે. જોકે, મહામારી યથાવત છે ત્યારે હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે. આ સન્માનથી માનસિક, શારીરિક અને નાણાકીય સમસ્યાથી ઘેરાયેલી હજારો મહિલાઓને સશક્ત બનાવવાની કામગીરીમાં મને પ્રેરણા મળશે. મહામારીમાં દેશને મદદ કરવામાં સાધનરુપ બનેલા તમામ NHS સ્ટાફ અને ચાવીરુપ વર્કર્સને હું અંજલિ આપું છું.’
સુષ્મા ભનોટની મફત પુસ્તિકા ‘Women’s Health during Covid and Beyond - A Self Help Guide’ આશરે ૪,૦૦૦ મહિલાઓને વહેંચવામાં આવી છે. તેઓ ‘Coolherbals’ કંપનીના સ્થાપક અને બિન્તી ઈન્ટરનેશનલ ચેરિટીના પેટ્રન પણ છે.


