લંડનઃ બે પટેલબંધુ- અરુણ અને મયુર પટેલે સેંકડો પોલિયોગ્રસ્ત બાળકોની જિંદગી બદલી નાખી છે. તેમને જીવનમાં સમાન તક મળે તે માટે કાળજી અને શિક્ષણ પણ તેઓ પુરું પાડે છે. ભારતના રાજસ્થાનમાં પોલિયોગ્રસ્ત બાળકો માટેની શાળાની મુલાકાત પછી અરુણ અને મયુર પટેલે ૨૦૦૩માં યુકેમાં ‘પોલિયો ચિલ્ડ્રન’ ચેરિટીની સ્થાપના કરી હતી. ‘પોલિયો ચિલ્ડ્રન’ યુકે અને યુએસમાં નોંધાયેલી ચેરિટી છે. અરુણ અને મયૂર પટેલના ભાઈ ડો. શિરિષ પટેલ યુએસ સંસ્થાનું કામકાજ સંભાળે છે.
બાળપણમાં પોલિયો સહન કરી ચૂકેલા અરૂણ પટેલને પોતાના અનુભવથી સમજાયું હતું કે પોલિયોની અસર લાંબી રહેતી હોવાં છતાં સંપૂર્ણ જીવન જીવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ સારું શિક્ષણ જ છે. પોલિયોગ્રસ્ત બાળકો અન્ય બાળકોની જેમ જ સારું જીવન જીવે અને શિક્ષણ પૂર્ણ કરી સારી તક મેળવી શકે તેમ આ ભાઈઓ ઈચ્છે છે. આ ધ્યેય સાથે તેમણે ૧.૨ મિલિયન પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી ૧૦૦૦થી વધુ બાળકોનું જીવન બદલવામાં મદદ કરી છે. ઈલ્ફર્ડના અરુણ અને બોલ્ટનના મયૂરને ‘પોઈન્ટ્સ ઓફ લાઈટ’ જાહેર કરાયા છે. તેઓ અસામાન્ય વ્યક્તિગત સ્વૈચ્છિક સેવકો છે, જેઓ પોતાના સમુદાયમાં બદલાવ લાવવા સાથે અન્યોને પ્રેરણા આપે છે. દેશમાં દરરોજ કોઈ સ્થળે, કોઈ વ્યક્તિને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ ‘પોઈન્ટ ઓફ લાઈટ’ના બિરુદથી સન્માનિત કરાય છે.
આ બે ભાઈઓએ સંયુક્તપણેઃ
• ૨૨૦થી વધુ બાળકો માટે યુનિવર્સિટી શિક્ષણનું ભંડોળ ફાળવ્યું છે. • વર્ષે ૧૮૦ બાળકોને વ્યાવસાયિક કૌશલ્ય આપવા માટે કોમ્પ્યુટર અને પ્રોસ્થેટિક્સ લેબ્સની સ્થાપના કરી છે. • વ્હીલચેર્સ અને અન્ય હેલ્થકેર સપોર્ટ પૂરા પાડેલ છે. • ૨૦૦થી વધુ અતિ ગરીબ વિકલાંગ બાળાઓ માટે શિક્ષણ શક્ય બનાવ્યું. • સિયેરા લિયોન, દક્ષિણ સુદાન અને તાન્ઝાનિયાના બાળકોને પણ મદદ સાથે ચેરિટીનું કાર્ય આંતરરાષ્ટ્રીય બનાવી દીધું છે. • નેપાળ, યુક્રેન અને કેન્યામાં મદદ માટે આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યો છે.
ભારત પોલિયોનાબૂદીની ઉજવણી કરી રહ્યું છે અને છેલ્લે નોંધાયેલા કિસ્સાને ત્રણ વર્ષ વીતી ગયા છે. આ સમયે પોલિયો ચિલ્ડ્રનનું કાર્ય વિશ્વમાં પોલિયોગ્રસ્ત હજારો બાળકોની તેમના જીવનમાં તક સુધારવામાં મદદનું જ રહે છે.
વડા પ્રધાન ડેવિડ કેમરને જણાવ્યું હતું કે,‘અરુણ અને મયૂર પટેલે બાળકના જીવન પર થતી વિશાળ અસરને ખુદ નિહાળી છે અને તેમણે પોતાનું જીવન આવા બાળકો તેમની સમક્ષના પડકારો ઝીલી શકે તેમાં મદદરુપ થવા સમર્પિત કર્યું છે. પોલિયોગ્રસ્ત બાળકોને અન્ય બાળકોની જેમ જ સારું શિક્ષણ મેળવવાની તક અને વોકેશનલ કૌશલ્ય પ્રાપ્ત થાય તેની ચોકસાઈ સાથે તેમના જીવનમાં ભારે તફાવત સર્જ્યો છે. ૧૦૦૦થી વધુ બાળકોને પોલિયો ચિલ્ડ્રન મારફત ટેકો અને શિક્ષણ પ્રાપ્ત થયાં છે. મને આનંદ છે કે અરુણ અને મયૂરને હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ પોઈન્ટ્સ ઓફ લાઈટ તરીકે સન્માનિત કરાયા છે.’
અરુણ પટેલે જણાવ્યું હતું કે,‘આ એવોર્ડ સ્વીકારતા હું ખરેખર આનંદિત છું, જેને હજારો પોલિયોગ્રસ્ત બાળકોને સમર્પિત કરીશ, જેમણે અમને તેમની સેવા કરવાની તક આપી છે.’ મયૂર પટેલે જણાવ્યું હતું કે,‘પોલિયો ચિલ્ડ્રન ખાતે ટ્રસ્ટીઓ અને એમ્બેસેન્ડર્સની મહાન ટીમ સાથે કામ કરવાનું સન્માન અમને મળ્યું છે. સંખ્યાબંધ સ્પોન્સર્સ અને દાતાઓનું સમર્થન મેળવવા અમે સદ્ભાગી છીએ. તેઓ આ એવોર્ડમાં મૌન સહભાગી છે.’