લંડનઃ યુકેમાં દર પાંચમી પોસ્ટ ઓફિસ લોટરીની ટિકિટ અને સ્ક્રેચ કાર્ડનું વેચાણ બંધ કરી દેશે. ગયા વર્ષે પોસ્ટ ઓફિસે નેશનલ લોટરી સાથેનો ગ્રુપ કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો જેના કારણે પોસ્ટ ઓફિસની શાખાઓને લોટરીનો સ્ટોક રાખવો કે નહીં તે અંગેનો વિકલ્પ મળ્યો હતો. પોસ્ટ માસ્ટરો કહે છે કે ધાર્મિક માન્યતાઓથી માંડીને ઓછા વેચાણ સુધીના કારણો આના માટે જવાબદાર છે. અમે લોટરીના વેચાણમાં ઘણી ખોટ કરીએ છીએ. નેશનલ ફેડરેશન ઓફ સબ પોસ્ટમાસ્ટર્સના જણાવ્યા અનુસાર મુખ્ય સમસ્યા સ્ક્રેચ કાર્ડની છે. સ્ક્રેચ કાર્ડ ન હોય તો અમે હજુ લોટરીની ટિકિટોનું વેચાણ કરવા તૈયાર છીએ. અગાઉના કોન્ટ્રાક્ટ અંતર્ગત પોસ્ટ ઓફિસ સ્ક્રેચ કાર્ડનો ખર્ચ વહન કરતી હતી પરંતુ હવે દરેક બ્રાન્ચે પોતે તે ખર્ચ ઉઠાવવો પડે છે. તેના કારણે વેચાણ નહીં થયેલા સ્ટોક પર ભારે ખોટ વેઠવી પડે છે. ગેમ્બલિંગના નિયમો અનુસાર રિટેલર્સ સ્ક્રેચ કાર્ડના સ્ટોક વિના લોટરીની ટિકિટ વેચી શક્તો નથી.
નવા લોટરી ઓપરેટરના જણાવ્યા અનુસાર પોસ્ટ ઓફિસની 5800 બ્રાન્ચમાંથી 900 બ્રાન્ચે નેશનલ લોટરી પ્રોડક્ટ્સ માટેનો કરાર જારી રાખવાનો ઇનકાર કરી દીધો છે.

