સેંકડો બાળ શરણાર્થી યુકેમાં લાપતા

Wednesday 03rd November 2021 07:10 EDT
 
 

લંડનઃ જોખમી પ્રવાસ અને જીવલેણ ચેનલ ઓળંગી આવેલા સેંકડો બાળ શરણાર્થીઓ બ્રિટનમાં લાપતા થઈ ગયા હોવાનું ધ ટાઈમ્સના રિપોર્ટમાં જણાવાયું છે. ગુમ થયેલા બાળ માઈગ્રન્ટ્સની શોધ બાળકોની સંભાળ લેવાની જવાબદારી ધરાવતી લોકલ ઓથોરિટીઝ ચલાવી રહી છે. કોઈનો સાથ નહિ ધરાવતા ૭૨૭ બાળ માઈગ્રન્ટ્સ વર્ષ ૨૦૧૫થી લાપતા હોવાનું કહેવાય છે. ગુમ થયેલાં ઓછામાં ઓછાં ૩૭ બાળ શરણાર્થી ૧૩ અથવા તેથી ઓછી વયનાં હોવાનું જણાયું છે.

અફઘાનિસ્તાન, સુદાન, ઈરાન, એરિટ્રિયા અને વિયેટનામ જેવાં દેશોમાંથી આવતા શરણાર્થી બાળકો ઘણાં અસુરક્ષિત હોવાથી લોકો અને બાળકોની હેરાફેરી કરતી ગેંગ્સના હાથે સેક્સ્યુઅલ દુરુપયોગ તથા શોષણનું જોખમ ધરાવતાં હોય છે. લાપતા બાળકોમાંથી કેટલાંકને ગેંગ્સ દ્વારા અપહરણ કરાઈને બાળગુલામીમાં ધકેલાઈ દેવાયાં હોવાનું કહેવાય છે. ઉનાળાના સમયના એક કિસ્સામાં હોમ ઓફિસે ૧૫ વર્ષની વિયેટનામી બાળકને હોટેલમાં સ્થાન આપ્યું હતું અને તેને રાતોરાત અદૃશ્ય કરી દેવાયો હતો. ઘણા બાળકો વારંવાર કેર હોમ્સમાંથી નાસી છૂટે છે અને પરિણામે ક્રિમિનલ્સ તેમને લલચાવી શકે તેનું જોખમ વધી જાય છે.

આ ઉનાળામાં ઈંગ્લિશ ચેનલ ઓળંગવાની વિક્રમી ઘટનાઓ, હજારો અફઘાન નિર્વાસિતોનું પુનર્વસન, એસાઈલમ કેસીસના પ્રોસેસિંગમાં ભારે વિલંબ સહિતના કારણોથી વ્યવસ્થા ભાંગી પડવાના આરે પહોંચ્યાનો દાવો સ્થાનિક સત્તાવાળાઓએ કર્યો છે. સારસંભાળની જરૂર ધરાવતા બાળકોની સંખ્યાને તેઓ પહોંચી વળતા નથી. ટાઈમ્સના રિપોર્ટ અનુસાર એક બાળ શરણાર્થી તો એક જ વર્ષમાં ૧૫૯ વખત લાપતા જણાયો હતો. ઘણા બાળકો કેર હોમ્સમાં ભાગી ગયાં પછી પાર્ક્સ કે શેરીઓમાં ગમે ત્યાં સૂઈ રહેલા જણાયા હતા. દેખભાળ હેઠળ રખાયેલા બાળ શરણાર્થીઓની સંખ્યા ૨૦૧૨ પછી બમણી થઈ છે અને ગયા વર્ષે આ સંખ્યા ૫,૦૦૦ની હતી. મોટા ભાગના શરણાર્થી ઉતરી આવે છે તે કેન્ટમાં કાઉન્ટી કાઉન્સિલે ગત છ વર્ષમાં બાળ શરણાર્થીઓ લાપતા થવાની ૧,૪૩૦ ઘટના થયાનું જણાવ્યું હતું. કુલ ૭૨૭ બાળકોમાંથી ૫૫ ચાઈલ્ડ માઈગ્રન્ટ્સની વય ૧૦ વર્ષની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter