લંડનઃ બ્રિટનની યુનિવર્સિટી લોન સિસ્ટમમાંથી હજારો વિદ્યાર્થીઓ દ્વારા ખોટી રીતે સેંકડો મિલિયન પાઉન્ડના ફ્રોડ દાવા કરાતા હોવાની શંકા છે. ધ સન્ડે ટાઇમ્સના અહેવાલ અનુસાર શિક્ષણમાં રસ ન હોય તેવા વ્યક્તિઓ દ્વારા દર વર્ષે લોન પ્રાપ્ત કરવા માટે ડિગ્રી કોર્ષમાં પ્રવેશ લેવાય છે. તેઓ આ લોનની રકમ પરત કરવાનો કોઇ ઇરાદો ધરાવતા હોતા નથી. અધિકારીઓને શંકા છે કે રોમાનિયાના નાગરિકોને સુનિયોજિત રીતે ફ્રોડ માટે યુનિવર્સિટીઓમાં પ્રવેશ અપાવવામાં આવે છે.
શંકાના દાયરામાં આવેલા મહત્તમ વિદ્યાર્થીઓએ કથિત ફ્રેન્ચાઇઝ યુનિવર્સિટીઓમાં પ્રવેશ લીધો હોવાનું મનાય છે. આ એવા પ્રકારની નાની કોલેજો છે જેમને સ્થાપિત યુનિવર્સિટીઓ દ્વારા અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવવા નાણા ચૂકવાય છે. આવી કોલેજોમાં પ્રવેશની લાયકાતો પણ નિમ્ન કક્ષાની હોય છે. આવી 6 જેટલી કથિત ફ્રેન્ચાઇઝ યુનિવર્સિટીઓમાં બનાવટી દાવા કરનારા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.
એજ્યુકેશન સેક્રેટરી બ્રિજિટ ફિલિપસને જણાવ્યું હતું કે, આ અહેવાલ યુનિવર્સિટી સેક્ટરના ઇતિહાસના સૌથી મોટા આર્થિક કૌભાંડો પૈકીના એક તરફ ઇશારો કરી રહ્યો છે. પબ્લિક સેક્ટર ફ્રોડ ઓથોરિટીને સ્ટુડન્ટ લોન સિસ્ટમ સાથે કરાતાં ચેડાંની તપાસ સોંપવામાં આવશે.
તપાસમાં શું સામે આવ્યું....
- 2022-23માં કરાયેલી 3563 લોન અરજીઓ શંકાસ્પદ હતી જેમાં 60 મિલિયન પાઉન્ડની રકમ સંડોવાયેલી હતી
- સ્ટુડન્ટ લોન માટે ફ્રોડ દાવાઓ કરનારા વિદ્યાર્થીઓ ધરાવતી સંખ્યાબંધ ફ્રેન્ચાઇઝ યુનિવર્સિટીઓની ઓળખ
- ફ્રેન્ચાઇઝ કોલેજો દ્વારા અંગ્રેજીનું અપુરતું જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાય છે
- ફ્રેન્ચાઇઝ પ્રોવાઇડર્સ ધરાવતી કેટલીક યુનિવર્સિટીઓમાં 35થી 55 ટકા અરજકર્તા રોમાનિયાના નાગરિકો હતા
- ફ્રેન્ચાઇઝ અભ્યાસક્રમોમાં પ્રવેશ લીધા બાદ 4000 પાઉન્ડની પહેલી મેન્ટેનન્સ લોન મળ્યા પછી વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ લે છે અને નવા વર્ષમાં ફરીવાર પ્રવેશ મેળવીને મેન્ટેનન્સ લોન પર દાવો કરે છે
- 2024માં એક ફ્રેન્ચાઇઝ કોલેજે 234 મિલિયન પાઉન્ડની આવક કરી જે તેના છેલ્લા 3 વર્ષના નફામાં 1266 ટકાનો વધારો દર્શાવે છે.