લંડનઃ યુકેમાં ભાડું સતત વધતું રહ્યું હોવાથી સેંકડો લોકોને કેરેવાન્સ અને કારમાં જ રહેવાની ફરજ પડે છે. કેટલાક લોકોએ આ માટે હાઉસિંગ બેનિફિટ્સમાં ઘટાડાને જવાબદાર ગણાવ્યું હતું. બ્રિસ્ટોલ જેવાં વિસ્તારમાં ભાડું સરેરાશ ૩૩ ટકાના દરે વધે છે ત્યાં આવી ઘટના વધુ જોવા મળે છે. બ્રિસ્ટોલના અનેક માર્ગ પર કેરેવાન્સ લાઈનબંધ પાર્ક કરાઈ છે, જેમાં લોકો રહે છે.
કેટલીક કેરેવાનમાં બેડ જેવી જરુરી સવલત પણ હોતી નથી, જ્યારે મોટા ભાગમાં રસોઈ કરવાની વ્યવસ્થા પણ રહે છે. શેલ્ટરના ચીફ એક્ઝિક્યુટિવ પોલી નીટના જણાવ્યા અનુસાર લોકો કારમાં અને ઘણી વખત બાળકો સાથે પણ રહેતાં હોય તેમાં કશું અસામાન્ય નથી. આ લોકો પાસે કોઈ વિકલ્પ હોતો નથી.
બ્રિસ્ટોલ સિટી કાઉન્સિલ દ્વારા હીઓથ હાઉસ લેન, ન્યુ ગેટન રોડ અને ન્યુ સ્ટેડિયમ રોડના મોટરવે નજીક કેરેવાન્સ અને અન્ય વાહનોમાં રહેતા લોકોને ‘ડાયરેક્શન ટુ લીવ’ નોટિસો આપી દેવાઈ છે. આનો અર્થ એ છે કે તેઓ છ વર્ષ સુધી આ સ્થળોએ પાછાં ફરી શકશે નહિ. એક વ્યક્તિ આઠ મહિનાથી પોતાની ટ્રકમાં ઘર બનાવી રહ્યો હતો. હવે તેને ક્યાં જવું તેની ખબર પડતી નથી.


