સેઈન્સબરીના ૧૫ સુપરમાર્કેટ્સ, લોકલ - આર્ગોસ સ્ટોર્સ બંધ કરાશે

Wednesday 02nd October 2019 03:46 EDT
 
 

લંડનઃ સુપરમાર્કેટ જાયન્ટ સેઈન્સબરીએ તેના ૧૫ મોટાં સુપરમાર્કેટ્સ તેમજ ૧૦૦થી વધુ લોકલ અને આર્ગોસ સ્ટોર્સ બંધ કરવાની જાહેરાત કરી છે. નફો ઘટવા સાથે તેણે નવા મોર્ગેજ ધીરાણ બંધ કરવાની જાહેરાત પણ કરી છે. સેઈન્સબરીએ કહ્યું છે કે તેની યોજના ૭૦ આર્ગોસ સ્ટોર્સ અને ૪૦ લોકલ સ્ટોર્સ બંધ કરવાની છે. જેની સામે ૧૦ વધુ સુપરમાર્કેટ અને ૧૧૦ લોકલ સ્ટોર્સ ખોલાશે. આર્ગોસની ૮૦ શાખાનું સ્થળાંતર કરવામાં આવશે.

સેઈન્સબરીએ કયા સ્ટોર બંધ કરવામાં આવશે અથવા નવી શાખાઓ ક્યાં ખોલાશે તેની જાણકારી આપી નથી. સેઈન્સબરીની પંચવર્ષીય યોજના ચીફ એક્ઝિક્યુટિવ માઈક કૂપ દ્વારા જાહેર કરાઈ છે જેના પરિણામે આગામી પાંચ વર્ષમાં ખર્ચાઓમાં ૫૦૦ મિલિયન ડોલરનો ઘટાડો થશે. સુપરમાર્કેટ દ્વારા તેના પ્રતિસ્પર્ધી આસ્ડાને ૭.૩ બિલિયન પાઉન્ડમાં ટેકઓવર કરવાની યોજના નિષ્ફળ ગયા પછી ખર્ચઘટાડાની વાત આવી છે.

સેઈન્સબરીએ જણાવ્યું છે કે તેના સેકન્ડ ક્વાર્ટરમાં વેચાણઘટાડો થોડો ઓછો થયો છે પરંતુ, છમાસિક નફામાં ૫૦ મિલિયન પાઉન્ડથી વધુના ઘટાડાની શક્યતા છે. જાયન્ટે એ પણ જાહેર કર્યું છે કે તેની ફાઈનાન્સિયલ સર્વિસીસ શાખા નવા મોર્ગેજ ધારાણનું કાર્ય તત્કાળ બંધ કરશે. તાજેતરમાં ટેસ્કો દ્વારા તેના હોમ લેન્ડિંગ બિઝનેસના વેચાણ પછી સેઈન્સબરી પણ તેનો ૧.૪૭ બિલિયન પાઉન્ડનો મોર્ગેજ બિઝનેસ વેચવાનું વિચારે છે. રીટેઈલ જાયન્ટ ૬૦૮ સુપરમાર્કેટ્સ, ૮૨૦ લોકલ તેમજ ૧૨૦૦ આર્ગોસ સ્ટોર્સ ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter