લંડનઃ આ સપ્તાહથી રોયલ મેઇલ સેકન્ડ ક્લાસ પોસ્ટની શનિવારે ડિલિવરી નહીં કરે. તે ઉપરાંત હવે સપ્તાહ દરમિયાન આંતરા દિવસે જ સેકન્ડ ક્લાસ પોસ્ટની ડિલિવરી કરાશે. રોયલ મેઇલે જણાવ્યું હતું કે, અમે જાન્યુઆરી મહિનામાં જ આ યોજના અંગે જાહેરાત કરી હતી. હાલ કેટલાક વિસ્તારોમાં તેનો પ્રાયોગિક ધોરણે અમલ થઇ રહ્યો હતો. સર્વિસમાં ઘટાડો કરાયો હોવા છતાં રોયલ મેઇલે સેકન્ડ ક્લાસ પોસ્ટની ડિલિવરી 3 વર્કિંગ ડેમાં કરવાની રહેશે.
રેગ્યુલેટર ઓફકોમના અંદાજ અનુસાર સેકન્ડ ક્લાસ ડિલિવરીમાં ઘટાડાના કારણે રોયલ મેઇલ 250થી 425 મિલિયન પાઉન્ડની બચત કરી શકશે. પોસ્ટની ઘટેલી સંખ્યાના કારણે આ નિર્ણય લેવાયો છે. 20 વર્ષ પહેલાં પ્રતિ દિવસ 20 બિલિયન પોસ્ટની ડિલિવરી કરાતી હતી જે આજે ઘટીને 6.6 બિલિયન પોસ્ટ પર આવી ગઇ છે.
ડિલિવરી ટાર્ગેટ હાંસલ ન કરવા માટે છેલ્લા બે વર્ષમાં રોયલ મેઇલને 16 મિલિયન પાઉન્ડ કરતાં વધુનો દંડ કરાયો છે. ફર્સ્ટ ક્લાસ પોસ્ટની ડિલિવરી સપ્તાહમાં 6 દિવસ એટલે કે સોમવારથી શનિવાર સુધી જારી રહેશે.