સેકન્ડરી સ્કૂલ વયજૂથના ૨૦માંથી એક બાળકને કોરોનાનું સંક્રમણ

Wednesday 13th October 2021 07:45 EDT
 

લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના તાજા અંદાજો મુજબ ઈંગ્લેન્ડમાં સેકન્ડરી સ્કૂલની વયના દર ૨૦માંથી એક બાળક કોરોના વાઈરસથી સંક્રમિત છે. મહામારીના આરંભ પછી આ વયજૂથ અથવા અન્ય કોઈ પણ વયજૂથ માટે સૌથી ઊંચો સંક્રમણદર છે. બાળકોને વાઈરસનું જોખમ ઘણું ઓછું રહે છે અને ગંભીર બીમારીનું પ્રમાણ તો દુર્લભ છે.

સમગ્ર યુકેની શાળામાં ૧૨-૧૭ વયજૂથના તમામ બાળકોને સિંગલ વેક્સિન ઓફર કરાઈ રહી છે.બાળકોને શાળાએ જતાં કરી શકાય અને અતિ ગરીબ પરિવારોને લાભ મળે તે કારણોસર યુકેના ચાર મુખ્ય મેડિકલ ઓફિસર્સે આ વયજૂથના બાળકોને કોવિડ વેક્સિન આપવા નિર્ણય કર્યો હતો.

ONSનો ડેટા ૨૫ સપ્ટેમ્બરના સપ્તાહ સુધીનો છે અને ગત થોડા સપ્તાહોમાં ૧૧-૧૫ વયજૂથના બાળકોમાં લગભગ ૫ ટકાના પોઝિટિવ ટેસ્ટિંગ સાથે ચેપમાં તીવ્ર વધારો જણાય છે. અગાઉના સપ્તાહમાં આ પ્રમાણ ૨.૮ ટકાનું હતું. પ્રાઈમરી એજના નાના બાળકોમાં સંક્રમણ વધી રહ્યું છે પરંતુ, તેનો દર ઓછો તીવ્ર એટલે કે ૨.૬ ટકાના પોઝિટિવ ટેસ્ટિંગનો હતો.

યુકેમાં ૧૬થી વધુ વયના ૮૦ ટકાથી વધુ લોકોને કોવિડ-૧૯ વિરુદ્ધ વેક્સિનેશન કરી લેવાયું છે તેમજ સૌથી અસલામત લોકોને બૂસ્ટર ડોઝ ઓફર કરાઈ રહ્યા છે ત્યારે મોત અને ગંભીર બીમારીનું પ્રમાણ નીચું જવાની શક્યતા છે. ઈંગ્લેન્ડમાં ૧૨-૧૬ વયજૂથના ૬ ટકા બાળકોને વેક્સિનનો એક ડોઝ આપી દેવાયો છે જ્યારે સ્કોટલેન્ડમાં આ પ્રમાણ ૧૪ ટકા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter