લંડનઃ સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર સેક્સ ક્રાઇમમાં દોષી ઠરેલા માઇગ્રન્ટ્સ રાજ્યાશ્રય માટે દાવો કરી શકશે નહીં. જે નિરાશ્રિતોના રાજ્યાશ્રય મંજૂર કરાયા છે અને જો તે સેક્સ ક્રાઇમમાં દોષી ઠરે છે તો તેનો યુકેમાં વસવાટનો અધિકાર છીનવી લેવામાં આવશે. જો અપરાધીની સજા 12 માસ કરતાં ઓછી હશે તો પણ તેને દેશનિકાલ કરાશે.
સેક્સ અપરાધ કરનારા માઇગ્રન્ટ્સ સામેના આ નિયમો સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં નોંધાયેલા રાજ્યાશ્રયવાંચ્છુ અને નિરાશ્રિતોને પણ લાગુ પડશે. નિરાશ્રિત સંધિ અનુસાર કોઇપણ દેશ વોર ક્રિમિનલ્સ અને સમાજ માટે ભયજનક હોય તેવા ગંભીર અપરાધ આચરનારાને રાજ્યાશ્રયનો ઇનકાર કરી શકે છે. હાલ યુકેમાં એક વર્ષ કરતાં વધુની સજા પ્રાપ્ત કરનારા સામે આ પ્રકારના પગલાં લેવાય છે. પરંતુ હવે ગમે તેટલી ઓછી સજા કરાઇ હોય, અપરાધીને આકરા નિયમોનો સામનો કરવો પડશે.
હાલ સંસદમાં ચર્ચા ચાલી રહી છે તેવા બોર્ડર સિક્યુરિટી, અસાયલમ એન્ડ ઇમિગ્રેશન બિલમાં આ સુધારો કરાયો છે. હોમ ઓફિસ માઇગ્રન્ટને રાજ્યાશ્રય અપાય તે પહેલાં અથવા પછી નિરાશ્રિતનો દરજ્જો આપવાનો ઇનકાર કરી શકશે અને તેમને દેશનિકાલ કરી શકશે.