લંડનઃ વેસ્ટ મિડલેન્ડ્સમાં ગયા વર્ષે એક મહિલાની લાશ રસ્તાના કિનારે ફેંકી દેવાના સનસનીખેજ મામલામાં ભારતીય મૂળના ડિલિવરી ડ્રાઇવરને 29 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. 32 વર્ષીય તનવીર સિંહને ઓગસ્ટ 2025માં સ્મેથવિક ખાતે મૃત મળી આવેલી 41 વર્ષીય સારા મિલરની હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો છે.
વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, ઘટનાની રાત્રે આરોપી તનવીર સિંહ એક પબમાં દારૂ પીધા બાદ સેક્સ વર્કરની શોધમાં સોહો રોડ તરફ ગયો હતો. ત્યાંથી તે સારા મિલરને પોતાની વેનમાં બેસાડીને લઈ ગયો હતો અને વેનની અંદર જ સારા પર જીવલેણ હુમલો કરી ગળું દબાવી હત્યા કરી હતી. તેણે પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહ પર કોઈ પ્રવાહી પણ રેડ્યું હતું અને ત્યારબાદ લાશને ફૂટપાથ પર બિનવારસી હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે સારાના માથા પર ઈજાઓ થઈ હતી અને તેનું મોત ગળું દબાવવાને કારણે થયું હતું.


