લંડનઃ બ્રિટન સાઈઠના દાયકામાં કદાચ ઉદારદિલ હતું, પરંતુ આ પ્રકારના સંબંધો માટે તૈયાર પણ ન હતું. હાઈ સોસાયટીની રંગીનિયત અને યુવતી ક્રિસ્ટિન કીલર સાથે સુંવાળા સંબંધોમાં સોવિયેટ એજન્ટ ઉપરાંત કેબિનેટ મિનિસ્ટર (જ્હોન પ્રોફ્યુમો) પણ સંકળાયેલા હોવાના પર્દાફાશે બ્રિટિશ રાજકારણને હચમચાવી દીધું હતું. આવી જ અસર બીટલ્સ દ્વારા પોપ મ્યુઝિકમાં પરિવર્તન થકી દેખાઈ હતી.
આ કૌભાંડના કેન્દ્રમાં ૧૯ વર્ષીય મોડેલ અને બાર વેઈટ્રેસ ક્રિસ્ટિન કીલર હતી. જેકના નામે ઓળખાતા કન્ઝર્વેટિવ રાજકારણી જ્હોન પ્રોફ્યુમોનો ઉગતો સિતારો હતો. યુદ્ધ માટેના સેક્રેટરી ઓફ સ્ટેટ હોવાથી તેમનો હોદ્દો ભારે સંવેદનશીલ હતો. પ્રોફ્યુમો ભાવિ ફોરેન સેક્રેટરી અથવા વડા પ્રધાન પણ બની શકે તેવી વાતો ચર્ચાતી હતી. લોર્ડ એસ્ટરના નિવાસ ક્લાઈવડેન ખાતે ૧૯૬૧માં પ્રોફ્યુમો અને કીલરની મુલાકાત થઈ અને તેમના પ્રેમપ્રકરણનો આરંભ થયો.
ધનાઢ્ય અને શક્તિશાળી રાજકારણી સાથે સંબંધો બંધાયા ત્યારે કીલરની સાથે તેની મિત્ર મેન્ડી રાઈસ-ડેવિસ પણ આવતી હતી. જ્યારે પ્રોફ્યુમોની નજર પહેલી જ વખત સ્વિમિંગ પૂલમાંથી બહાર આવતી અર્ધનગ્ન કીલર પર પડી ત્યારે તે સ્તબ્ધ જ થઈ ગયો હતો. બે વર્ષ પછી અફવાઓથી ઘેરાયેલા પ્રોફ્યુમોએ ૧૯૬૩ની ૨૧ મેએ સાંસદો સમક્ષ કહ્યું કે ક્રિસ્ટીન કીલર સાથે તેમના સંબંધોમાં કશું અનુચિત ન હતું. જેમ મોટા ભાગે થતું આવે છે તેમ તેમના માટે આ ઢાંકપિછોડો જ હતો.
સાંસદો સમક્ષ અસત્ય બોલ્યા પછીના ત્રણ મહિને દુરાચારી નેટવર્કના સૂત્રધાર સ્ટીફન વોર્ડની ધરપકડ કરાઈ અને તેની વિરુદ્ધ અનૈતિક આવક પર જીવન ગુજારવાનો આરોપ લગાવાયા પછી પ્રોફ્યુમોએ રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ પછી એવો પર્દાફાશ થયો હતો કે લંડનની સોવિયેટ એમ્બેસીમાં સીનિયર નેવલ એટેચી યુજેન ઈવાનોવ સાતે પણ કીલરના સુંવાળા સંબંધ હતા.
સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વોર સાથે સહચાર માણતી સુંદરી સોવિયેટ જાસૂસ સાથે શૈયાભાગિની હોય તેવો વિચાર જ અખબારોની હેડલાઈન્સ બની ગયો હતો. પ્રોફ્યુમોનું મગજ અતિ સંવેદનશીલ અને ઉચ્ચ લશ્કરી રહસ્યોથી ભરપૂર હોવાનું અને સહચાર માણતી વખતે વાતચીતમાં બહાર આવતાં રહસ્યો સોવિયેટ જાસૂસ ઈવાનોવને પહોંચી ગયા હશે તેમ માનવામાં આવતું હતું.
રાજીનામું આપ્યા પછીના વર્ષોમાં તેની અભિનેત્રી પત્ની વેલેરી હોબ્સન પર જ નિર્ભર પ્રોફ્યુમોએ લંડનના ઈસ્ટ એન્ડમાં સખાવતી કાર્યો પાછળ સમય સમર્પિત કર્યો હતો. તેના સખાવતી કાર્યો માટે તેને ૧૯૭૫માં CBE એનાયત કરાયો હતો.
જોકે, પ્રોફ્યુમોએ પોતાના જીવનના કલંકિત પ્રકરણ વિશે કદી જાહેરમાં વાત કરી ન હતી અને ગૌરવપૂર્ણ મૌન જાળવી રાખ્યું હતું. આમ છતાં, હેરોલ્ડ મેકમિલનની કન્ઝર્વેટિવ સરકાર ગંભીરપણે નબળી પડી હતી. આ પછીના વર્ષે ટોરીઓએ સત્તા ગુમાવી હતી. આ શરમજનક પ્રકરણના કારણે પ્રોફ્યુમોની પડતીને મેકમિલને ‘મહાન કરુણાંતિકા’ તરીકે વર્ણવી હતી.
પ્રોફ્યુમોના જીવન માટે આ કૌભાંડ મોટા વળાંક સમાન હતું. એમ કહેવાય છે કે તમે જેટલી ઊંચી સફળતા મેળવો છો તેટલી જ નીચી ખાઈમાં પટકાવ છો. આ કૌભાંડ સાથે પ્રોફ્યુમો તળિયે પટકાયા હતા, પરંતુ અન્ય સામાન્ય માનવીથી વિપરીત તેમણે મૃત્યુપર્યંત ૪૦થી વધુ વર્ષ અસાધારણ સખાવતી કાર્યોમાં જીવન વીતાવ્યું અને નવી ઊંચાઈ હાંસલ કરી અને ૯૧ વર્ષની વયે મૃત્યુ પામ્યા.
કોઈ માનવી મૃત્યુ ન પામે ત્યાં સુધી સુખી કહી ન શકાય. કૌભાંડ છતાં પ્રોફ્યુમો સુખી હતા. પસ્તાવાએ તેમને ચેરિટી કાર્યો તરફ વાળ્યા, જે તેમનું પ્રાયશ્ચિત હતું જેનાથી તેમના જીવનને અર્થ અને ધ્યેય મળ્યો હતો. તેમણે પોતાની સંપૂર્ણ શક્તિઓ લંડનના ઈસ્ટ એન્ડમાં ગરીબો અને કચડાયેલા વર્ગોની મદદ કરવામાં સમર્પિત કરી હતી.
તેમની રાજકીય અવનતિના દિવસોમાં તેઓ નિર્વાસિત કેન્દ્ર ટોયન્બી હોલ (જ્યાં મહાત્મા ગાંધી ૧૯૩૧ની ગોળમેજી પરિષદ દરમિયાન રહ્યા હતા) અને ટોયલેટની સફાઈમાં મદદ કરવા તૈયારી દર્શાવી હતી. તેઓ સમર્પિત ચેરિટી વર્કર હતા જેમના વિશે તેમના મિત્ર લોર્ડ લોંગફોર્ડે કહ્યું હતું ‘મારી જિંદગીમાં પરિચિત તમામ માણસો કરતાં આ વ્યક્તિ માટે મને બહુ માન થયું હતું.’
અને ૨૦ વર્ષ પછી માર્ગારેટ થેચરે તેમને ‘આપણા રાષ્ટ્રીય નાયકોમાં એક’ ગણાવીને પોતાની ૭૦મી વર્ષગાંઠના ભોજન સમારંભમાં આમંત્રણ આપ્યું હતું અને ક્વિનની બાજુમાં તેમને બેઠક આપી હતી. હવે તેઓનું પુનર્વસન સંપૂર્ણ હતું અને માર્ગારેટ થેચરે ત્યારે કહ્યું કે ‘કિલર પ્રકરણને ભૂલી જવાનો હવે સમય છે. તેમની જિંદગી ઘણી સારી રહી છે.’
પાછળથી કરાયેલી તપાસમાં એ સ્થાપિત થયું હતું કે જ્હોન પ્રોફ્યુમોએ કીલર સાથેની વાતચીતોમાં રાષ્ટ્રીય રહસ્યોનો કદી ભોગ આપ્યો ન હતો. ઈટાલિયન ખાનદાન અને પારિવારિક સંપત્તિથી સમૃદ્ધ પ્રોફ્યુમોએ હેરો અને ઓક્સફર્ડમાં અભ્યાસ કર્યો હતો. ૧૯૪૦માં ૨૫ વર્ષની વયે કેટરિંગની પેટાચૂંટણીમાં વિજય મેળવી હાઉસ ઓફ કોમન્સમાં પ્રવેશનારા જ્હોન પ્રોફ્યુમો ગૃહના સૌથી નાના સભ્ય બન્યા હતા. નાર્વિકમાં એંગ્લો-ફ્રેન્ચની પીછેહઠ પછી આર્મી ઓફિસર પ્રોફ્યુમો સહિત અનેક કન્ઝર્વેટિવ સાંસદોએ વડા પ્રધાન નેવિલ ચેમ્બરલેઈનની વિરુદ્ધ મત આપ્યો હતો, જેના પરિણામે વિન્સ્ટન ચર્ચિલનો નંબર-૧૦માં પ્રવેશનો માર્ગ મોકળો બન્યો હતો.
પ્રોફ્યુમો બ્રિગેડિયરની રેન્ક સુધી પહોંચ્યા, પરંતુ ૧૯૪૫માં લેબર પાર્ટીના અભૂતપૂર્વ વિજયમાં તેમણે કેટરિંગની બેઠક ગુમાવી હતી. તેમણે સ્ટ્રેટફર્ડ-ઓન-એવોનના સાંસદ તરીકે ૧૯૫૦માં ફરી કોમન્સમાં પ્રવેશ મેળવ્યો હતો અને મિનિસ્ટર ફોર ફોરેન એફેર્સ સહિત અનેક મંત્રીપદ સંભાળ્યા હતા. આ પછી, જુલાઈ ૧૯૬૦માં તેમને સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વોરનો હોદ્દો અપાયો હતો.
નવી કેબિનેટ હોદ્દો પ્રાપ્ત થાય ત્યાં સુધી મધ્યાંતર જેવી વર્તમાન રાજકીય આવનજાવનથી વિપરીત પ્રોફ્યુમોએ હોદ્દો છોડ્યો તે છોડ્યો, પાછા આવ્યા જ નહિ. કૌભાંડ અભૂતપૂર્વ હતું અને તેમનું રાજીનામું આવા સંદર્ભમાં આખરી હતું.


